________________
જ્ઞાનોપાસના - ૪૩
પણ અનેક સંસ્થાઓ છે એની બરાબરી કરે એવી પણ આપણા સમાજમાં એક પણ પુસ્તક-પ્રકાશક સભા નથી.
- આ ચારસો વર્ષમાં સ્થાનકવાસી આચાર્ય કે સાધુના હાથે લખાયેલ બહુમૂલ્ય તો શું પણ સાધારણ કોટિનો ચિંતનાત્મક અને જૈન સાહિત્યના બીજા ગ્રંથો સાથે રાખી શકાય એવો એક પણ ગ્રંથ જેવા કે જાણવામાં આવ્યો નથી. આ આપણી જડતા પુરવાર કરવાને બસ નથી શું?
આપણા સમાજમાં એક પણ ગ્રંથભંડાર એવો નહીં મળે જેમાં જૈન સાહિત્યના ઉપયોગી હસ્તલિખિત વા મુદ્રિત ગ્રંથનો સમાવેશ હોય. હસ્તલિખિત ગ્રંથોના ભંડારની વાત જવા દઈએ તો પણ આ મુદ્રણકળાના યુગમાં મુદ્રિત મળી શકતા એવા તમામ જૈન ગ્રંથોનો સ્થાનકવાસીએ કરેલો સંગ્રહ પણ કોઈ જગ્યાએ જોવા નહીં મળે, જ્યારે મૂર્તિપૂજકોમાં એક નાહર જેવા ગૃહસ્થને પણ એ શોખ છે કે જૈન સમાજ યા ધર્મને લગતું એક પાનું પણ ક્યાંયથી મળી આવે તો તે પણ સંગ્રહ કરવા પોતાના તન, મન અને ધનથી બધું કરી ચૂકે અને એ પાનાને પોતાના સંગ્રહમાં મૂકે ત્યારે જ શાંત થાય. આપણી જ્ઞાન પ્રત્યેની ઉપેક્ષા વા અનાદર સિદ્ધ કરવાને આ એક જ વાત બસ નથી ?
આપણી શિક્ષણ-સંસ્થાઓની સ્થિતિ તપાસો. એક ઠેકાણે પૈસા છે તો જ્ઞાનદાતા નથી. માત્ર પૈસા અને મોટાં મકાનોથી શું વળે ? બીજે જુઓ તો એકાદ કાર્યકર્તા સારો મળ્યો હોય પરંતુ પૈસા ન હોય. સ્થાનકવાસી પ્રખર પંડિતોને આપણા સમાજે આદર કે આશ્રય આપ્યો નથી. જ્ઞાનની મહત્તા સમજાય તો જ જ્ઞાનીની મહત્તા સમજાય ને? એટલે પ્રખર પંડિત સુખલાલજી જન્મ સ્થાનકવાસી જૈન હોવા છતાં સ્થાનકવાસીઓમાં તો તેમને જાણનારા તો શું પરંતુ તેમનું નામ સાંભળનારા પણ ગણ્યા-ગાંઠ્યાં મળી આવશે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અનાદર આથી વધારે ક્યાં મળી આવે ?
આ જ્ઞાનપંચમીનું જો કોઈ પ્રયોજન હોય તો તે એ જ કે આપણે આપણી જ્ઞાન પ્રત્યેની રૂચિ વધારીએ. સ્થાનકવાસીઓની આ બાબતમાં આવી વિષમ સ્થિતિ કેમ છે તેના કારણમાં ઊંડા ઊતરીએ અને એ સ્થિતિમાંથી ઊગરવાને તત્પર થઈએ અને સમાજમાં જ્ઞાનપ્રદીપ પ્રગટાવીએ.
જૈન પ્રકાશ ૧૧-૧૧-૧૯૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org