________________
કૃતિઓના પણ જીર્ણોદ્ધાર શા માટે આવશ્યક ન ગણાય ? તેમાંય એ કૃતિ જો સંદર્ભગ્રંથ હોય તો તો તેનો પુનરુદ્ધાર, બદલાઈ ગયેલા સાહિત્યિક વાતાવરણના સંદર્ભમાં, થાય તે સર્વથા ઉચિત – અપેક્ષિત જ ગણાય. પરંતુ આવા સર્જનાત્મક કાર્યનો પુનરુદ્ધાર એવી યોગ્ય વ્યક્તિના હાથે કે નજર નીચે થવો જોઈએ કે જે વ્યક્તિની ક્ષમતા તે કાર્યના મૂળ સર્જકની ક્ષમતાની બરોબરીમાં ઊભી રહી શકે તેવી હોય. વળી, બદલાયેલા સાહિત્યિક પરિવેશનો પૂરેપૂરો લાભ ઉઠાવી તે મૂળ સર્જનને વધુ તાર્કિક, વધુ વાસ્તવિક અને વધુ સંમાર્જિત રૂપમાં મૂકી આપવાની સજ્જતા ને દષ્ટિ જેનામાં હોય તે જ આવા પુનરુદ્ધાર માટે સમર્થ અને યોગ્ય વ્યક્તિ ગણાય.
મો. દ. દેશાઈના અમર સંદર્ભગ્રંથો “જૈન ગૂર્જર કવિઓ'નું એ સદ્ભાગ્ય જ ગણાય કે તે ગ્રંથોને, ઉપર વર્ણવી છે તેવી ક્ષમતા તથા સજ્જતા ધરાવનાર અનુસર્જક સાંપડ્યા – શ્રી જયંતભાઈ કોઠારીના રૂપમાં. “જન ગૂર્જર કવિઓના નવા સંપાદનના પૂર્વપ્રકાશિત ૭ ગ્રંથો અને અવશિષ્ટ રહેલા ૩ ગ્રંથો – એમ દશ ગ્રંથોનું જરા નિરાંતે અવલોકન કરીએ તો જયંતભાઈની શોધક દષ્ટિ, ચીવટ, અને હાથમાં લીધેલા કાર્યના એકાદ અક્ષરને પણ અન્યાય ન થઈ જાય તે માટેની સક્ષમ જાગૃતિ, તેમાં અક્ષર-અક્ષરે જોવા મળશે.
આપણે ત્યાં સાહિત્યજગતમાં માનસપુત્ર કે માનસશિષ્યનો એક ખ્યાલ પ્રચલિત છે. જોકે આ ખ્યાલને કારણે ઘણા સારા ગણાતા સાહિત્યિકો પોતે જેને કોઈ રીતે આંબી શકે તેમ ન હોય તેવી મૂર્ધન્ય વિભૂતિઓના પોતે માનસપુત્ર હોવાની ભ્રમણામાં રાચ્યા હોય તેવું બન્યું છે. આ સંજોગોમાં, જયંતભાઈને મો. દ. દેશાઈના માનસપુત્ર તરીકે ઓળખાવવાનું હું ઉચિત નહીં ગણું, તેમ પસંદ પણ નહીં કરું. પરંતુ “જૈન ગૂર્જર કવિઓના અનુસર્જનના કાર્યના સંદર્ભમાં એટલું તો અવશ્ય કહીશ કે જયંતભાઈ એ મો. દ. દેશાઈના યોગ્યતમ ઉત્તરાધિકારી છે.
જૈન સમાજને યાદ કરીને હું અહીં ઉમેરીશ કે મો. દ. દેશાઈ જેવા પોતાના મૂર્ધન્ય અને બહુશ્રુત જૈન વિદ્વાનને તથા તેના શકવર્તી સર્જન-સંશોધનકાર્યને જેન સમાજ લગભગ ભૂલી ગયો હતો તેવે ટાણે જયંતભાઈએ આ ગ્રંથશ્રેણીના પુનરુદ્ધાર દ્વારા સર્જક તથા સર્જનની પુનઃપ્રતિષ્ઠા કરી છે અને દાયકાઓ સુધી આપણે આ સર્જનને તથા સર્જકને ભૂલીએ નહીં તેવી યોજના કરી આપી છે તે બદલ સમગ્ર જૈન સમાજે જયંતભાઈને વધાવવા જોઈએ. જો મને જૈન સમાજ વતી કહેવાનો હક મળતો હોય તો હું કહીશ કે જયંતભાઈ, જેમ મો. દ. દેશાઈને અને “જૈન ગૂર્જર કવિઓ'ને અમે નહીં ભૂલીએ, તેમ તમને - તમારા આ પુનઃસર્જનને પણ અમે કદી ભૂલીશું નહીં.
અને છેલ્લે, આ બૃહત્ કાર્ય સાવંત પાર પાડવાનું બીડું ઝડપીને મો. દ. દેશાઈનું સુયોગ્ય તર્પણ કરનાર સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પણ, અહીં જ, પૂરા આદર સાથે શતશઃ ધન્યવાદ આપવા ઘટે. શત્રુંજી ડેમ તીર્થ
શીલચંદ્રસૂરિ તા.૬-૧૨-૧૯૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org