________________
પોતાની જાતને અનાસક્ત તરીકે ઓળખાવીને પણ, પોતાના પાપને જ છૂપાવવાના પ્રયત્નો કરે છે. એ રીતિએ દંભમય જીવન જીવનારા પાપાત્માઓ ભદ્રિક આત્માઓને ઠગી શકે છે, પણ તેઓએ સમજવું જોઇએ કે-તેઓ પોતાના અને બીજાઓના પણ પરલોકને બગાડી રહ્યા છે. કલ્યાણકામી જગતને માટે એવા દમ્બિઓ કારમા શત્રુઓની જ ગરજ સારનારા હોઇ, કલ્યાણના અર્થી આત્માઓએ તો એવાઓથી સદા દૂર જ રહેવાનો અને અન્યોને પણ દૂર રાખવાનો શક્ય પ્રયત્ન કરવો જોઇએ.
ધર્માચાર્યો ધર્મનીજ દેશના દે :
ધર્માચાર્યે સંસારની અસારતા સમજાવે અને મોક્ષની ઉપાદેયતા સમજાવે-એમાં તો અહીં કોઇને પણ શંકા હોવાને કારણ જ નથી. સંસારથી છૂટવા અને મોક્ષે પહોંચવા માટે ધર્મ જ એક સાધન રૂપ છે, એટલે ધર્મની કથા જ ધર્માચાર્યોંએ કરવાની રહી. ધર્માચાર્યોના વેષમાં હોવા છતાં પણ, જેઓ ધર્મકથાના સ્થાને અર્થકથા અને કામકથા કરે છે, તેઓ ખરે જ અધર્માચાર્યોં છે. અર્થ અને કામની જગતમાં વિના ઉપદેશે પણ પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ આત્મહિતની ઘાતક જ છે ઃ તે છતાંય એનો ઉપદેશ દેવો, એ તો સળગતા જગતમાં ઘીની આહુતિ નાંખવા જેવું છે. પાપ રૂપ હોઇ અનર્થ રૂપ મનાતા અર્થ અને કામનો ઉપદેશ અને તે પણ ધર્માચાર્યોં દે, એ તો પાણીમાંથી અગ્નિ ઉઠે એના જેવું ભયંકર છે. ધર્માચાર્યે તો પ્રસંગ પામીને ધર્મકથાના જ કરનારા હોય અને એમાં પણ સંસારની અસારતા તથા મોક્ષની સારરૂપતા સમજાવીને, સંસારના ત્યાગમાં તથા મોક્ષની પ્રાપ્તિમાં સાધનભૂત એવા ધર્મનો જ ઉપદેશ આપવાનો હોય. ધર્મ બે પ્રકારનો છે :
ધર્મના મૂળ સ્થાપક શ્રી જિનેશ્વરદેવો સિવાય અન્ય કોઇ જ હોતું નથી. ધર્મના સાચા સ્થાપક એક શ્રી જિનેશ્વરદેવો જ હોય છે. શ્રી જિનેશ્વરદેવો પણ પોતાના રાગ, દ્વેષ અને અજ્ઞાનનો સંપૂર્ણપણે વિનાશ કર્યા પછીથી જ ધર્મતીર્થની સ્થાપના કરે છે. એ રીતિએ રાગ, દ્વેષ અને અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરનારા શ્રી જિનેશ્વરદેવોએ બે પ્રકારનો ધર્મ પ્રરૂપ્યો છે. એ બેય પ્રકારનો ધર્મ, બે શિવનગરે લઇ જનારો માર્ગ છે; પણ તેમાંનો એક જલદી પહોંચાડનારો માર્ગ છે, જ્યારે બીજો કાળે કરીને પહોંચાડનારો માર્ગ છે. શિવપુરે જલદી પહોંચાડનારો માર્ગ એ સુસાધુધર્મ છે અને કાળે કરીને શિવપુરે પહોંચાડનારો માર્ગ એ ગૃહિધર્મ છે. સાધુધર્મથી જલદી મુક્તિ પમાય-એ નિઃશંક વાત છે ઃ
આ ઉભય પ્રકારનો ધર્મ પ્રરૂપી, જગત સમક્ષ મોક્ષમાર્ગને સ્થાપિત કરનાર ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો આ વિશ્વ ઉપર ઓછો ઉપકાર નથી. આવા ઉપકારી પરમર્ષિઓને પરમ પ્રકારે આરાધવાનો એક જ ઉપાય છે, અને તે બીજો કોઇજ નહિ, પણ એ તારકોની આજ્ઞાનો યથાશક્તિ અમલ કરવો એ જ છે ! આથી તમે સમજી શકશો કે-શ્રી જિનેશ્વરદેવોની આરાધના કહો કે યથાવસ્થિત મુક્તિમાર્ગની આરાધના કહો, એ સર્વનો ભાવ એક જ છે. શ્રી જિનેશ્વરદેવોએ માવેલા સુસાધુધર્મ અને ગૃહિધર્મ આ બેમાંના પ્રથમના ધર્મને આરાધનારો, જલદી મોક્ષને સાધી
Page 70 of 211