________________
સાચું સામૈયું
દશાર્ણદેશના રાજવી ભદ્રને ખબર મળ્યા કે ભગવાન મહાવીર એમની રાજધાની તરફ આવી રહ્યા છે ત્યારે એમના આનંદ અને ઉત્સાહનો પાર ન રહ્યો. એમણે વિચાર કર્યો કે ભગવાન મહાવીરનું એવું સામૈયું કરું કે જગત આખું એ જોઈને સ્તબ્ધ બની જાય. અરે ! ખુદ પ્રભુ મહાવીર પણ એની ભવ્યતાને જોઈ રહે, ભલે મુખેથી નહીં તો કંઈ નહીં પણ અંતરથી ધન્યવાદ આપે.
મહારાજા ભદ્ર એ ખંડિયા રાજાઓને પોતાના સૈન્ય અને સમૃદ્ધિ સાથે હાજર થવા ફરમાન કર્યું. નગરીના એકેએક ચોકને સુશોભિત કર્યા. શેરીઓને સજાવી. પ્રજાજનોને ઉત્તમ વસ્ત્રો સાથે હાજર થવા કહ્યું. ધજા અને પતાકાઓથી આખા નગરને શોભાયમાન કર્યું.
ભગવાન મહાવીર દશાર્ણ નગરીમાં પ્રવેશ્યા ત્યારે મહારાજા ભદ્ર પોતાની હાથીસેના, અશ્વસેના સાથે વંદન કરવા આવ્યા, મનમાં ગર્વ હતો ભવ્ય સામૈયું કર્યાનો. ચિત્તમાં આનંદ હતો અનુપમ વૈભવ બતાવવાનો.
મહારાજા ભદ્ર પોતાના હાથી પરથી નીચે ઊતરીને જુએ છે તો ખૂણામાં એક અદ્ભુત હાથી ઊભો હતો. એ હાથીને એક નહીં બલ્ક સાત સૂઢો હતી. ખુદ દેવરાજ ઇંદ્ર હાજર હતા.
મહારાજા ભદ્ર મૂંઝાઈ ગયા. એમણે કહ્યું, “પ્રભુ, મને કશું સમજાતું નથી. મારી આખી ગજસેનાની બરાબરી કરે એવો આ એક હાથી છે કોનો ?”
ભગવાન મહાવીરે કહ્યું, “જુઓ, સમૃદ્ધિ નમ્રતાથી, રૂપ ચારિત્રથી, ધન દાનથી અને જીવન ત્યાગથી શોભે છે. અંતરની ખોજ વગરની કે મનની નમ્રતા સિવાયની સમૃદ્ધિ કે સત્તા એ તો ડુબાડનારી છે, તારનારી નથી, સ્વાગત વસ્તુમાં નથી, ભાવમાં છે.”
મહારાજા ભદ્રને પોતાની જાત પર અપાર શરમ જાગી. એની ઇચ્છા તો સામૈયાથી મિત્રોને સમૃદ્ધિ બતાવવાની અને દુશ્મનોને ડારવાની હતી. ભક્તિને ખૂણે ઊભેલા દેવરાજ ઇન્દ્રની અપાર સમૃદ્ધિ જોઈને ઝાંખા પડી ગયેલા મહારાજા ભદ્રએ કહ્યું, “પ્રભુ, ક્યાં દીપક અને ક્યાં સૂરજ !”
કૂવાના દેડકા જેવો ગર્વ હું ધારણ કરતો હતો. આજે મારો ગર્વ ગળી ગયો. અફસોસ એટલો કે આપનો ભક્ત હોવા છતાં આપનું સાચું સામૈયું કરી શક્યો નહીં. પ્રભુ મહાવીરે કહ્યું. “આમાં શરમ કે નાનપ નથી. જેને દોષની પ્રતીતિ થાય છે તે મહામાનવ છે. તારા દોષની ઓળખ જ તને તારશે.” અને સાચે જ દશાર્ણદેશના મહારાજા ભદ્ર તરી ગયા.
કેટલાંય વર્ષ પુરાણી આ ઘટના આજેય મર્મભેદક લાગે છે. સામૈયાંઓ અંતરના ભાવની અભિવ્યક્તિને બદલે સત્તા અને સમૃદ્ધિનાં વરવાં પ્રદર્શનરૂપ બની ગયાં છે. ધર્મ જ્યાં સુધી ધનની ભુલભુલામણીમાં અટવાયેલો રહે છે ત્યાં સુધી ધર્મને નામે અધર્મ જ પોસાય છે.
સત્તા અને સંપત્તિ એ સત્ય ધર્મના કાળઝાળ દુશ્મનો છે. એ સત્તાની ગોદમાં બેસે કે પછી સંપત્તિનાં વાજાં વગડાવે ત્યારે ધર્મ વિદાય લઈ ચૂક્યો હોય છે અને ધર્મના વેશમાં અધર્મ વ્યાપી ચૂક્યો હોય છે. કોઈ સામૈયામાં ડોલતો હાથી જુઓ ત્યારે તમને કોઈને ગર્વ ઝૂલતો જોવા મળશે. બેન્ડવાજાના અવાજમાં તમને સાચી ભક્તિનો મધુર અવાજ ગૂંગળાવવાની કોશિશ દેખાશે. આ વખતે રસ્તા પર નાચતાં સ્ત્રીપુરુષને જોશો તો તેમાં સંસારની ક્ષુદ્રતાનું પ્રદર્શન દેખાશે. ફિલ્મી ધૂનોમાં ભાવોની તુચ્છતા જણાશે અને ઊછળતાં નાણાંમાં ગરીબીની મજાક દેખાશે. કોઈ વાર આ સામૈયું દિલથી જોઈએ. સાચું સામૈયું એ ધન શક્તિનું પ્રદર્શન નહીં પણ સાચી ભક્તિનું દર્શન છે.
ભાવમંજૂષા લે ૧૪
૫ % ભાવમંજૂષા