________________
૫૧
અધ્યાત્મવીરનો મંત્ર
રાજ કુમાર વર્ધમાન યોગી વર્ધમાન બન્યા. સંસારત્યાગની પહેલા દિવસની સંધ્યાએ જ એક જુદો અનુભવ થયો. ધ્યાનમગ્ન મહાવીર પાસે એક ગોવાળ પોતાના બળદ સાચવવા મૂકી ગયો પણ એને પાછા આવીને જોયું તો બળદ ન મળે. એણે ધ્યાનમસ્ત મહાવીરને પ્રશ્ન કર્યો પણ ધ્યાનમગ્ન મહાવીર જવાબ ક્યાંથી આપી શકે ? એ તો કોઈ વિરલ અવસ્થામાં ડૂબી ગયા હતા.
ગોવાળને લાગ્યું કે આ માણસ સાથે રકઝક કરવામાં સમય વીતી જાય, આથી એ ખુદ બળદની શોધમાં ચાલી નીકળ્યો. આખી રાત ભમ્યો. બળદનો પત્તો ન લાગ્યો. આકાશમાં પ્રભાતી તારા ઝબૂકવા લાગ્યા. નિષ્ફળ ગોવાળ ગામ તરફ પાછો ફર્યો! જતાં જતાં મહાવીર ઊભા હતા, ત્યાં આવ્યો !
આશ્ચર્ય સાથે એણે જોયું તો બંને બળદો મહાવીર પાસે બેઠેલા, વાંકડી શીંગડીઓ ડોલાવતા, બેઠા બેઠા વાગોળે છે. થાક્યાપાક્યા ગોવાળના ગુસ્સાનો પાર ન રહ્યો. રાતના ઉજાગરાથી રાતી થયેલી આંખો વધુ લાલ કરીને કહ્યું : ‘અલ્યા પાખંડી ! બળદ સંતાડવાની તારી આ તરકીબ હતી! તેં જ મારા બળદ સંતાડ્યા હતા !'
પોતાની ખીજ મહાવીર પર કાઢવા એણે પોતાના
હાથમાં રહેલી રાશ ઉગામી. એ વખતે પાછળથી કોઈએ રાશ ઝાલી લીધી. ગોવાળે પાછળ જોયું તો તેજથી ઝળાંહળાં થતો કોઈ દેવાંશી પુરુષ ત્યાં ઊભા હતા.
એણે કહ્યું, ‘હું દેવરાજ ઇંદ્ર છું. તું આ પુરુષને પિછાણતો લાગતો નથી.' ગોવાળે ડોકું ધુણાવી ના કહી.
‘મૂર્ખ ! એ રાય સિદ્ધાર્થના પુત્ર રાજ સંન્યાસી વર્ધમાન છે !'
ગોવાળ પોતાની ભૂલ સમજ્યો. એણે પગમાં પડતાં કહ્યું: ‘આપ ભગવંતને મેં ન ઓળખ્યા ! જેણે આખું રાજપાટ તજી દીધું, એને મેં મૂરખ બળદચોર માન્યા! ધિક્કાર છે મને !'
દેવરાજ બોલ્યા : “ભગવન્! આપના માર્ગમાં આવા તો અનેક મૂરખા આવશે અને આપને હેરાન કરશે !'
મહાવીર બોલ્યા : “મને જેટલો ફૂલ પર પ્યાર છે, એટલો કાંટા પર પણ છે. પૃથ્વીનાં અધાં યુદ્ધ ને ઝઘડા ગેરસમજમાંથી જન્મ્યાં છે. કોઈ કોઈને સમજવા યત્ન કરતું નથી.'
દેવરાજ ઇંદ્ર કહ્યું : 'ભગવંત, બાર વર્ષ સુધીનો આપનો અરણ્યવાસ અનેક વિપદાઓ લાવશે. મને આપની સહાય માટે આપની સમીપમાં રહેવાની અનુમતિ આપો.'
ભગવાન હસીને બોલ્યા : “આત્માનો માર્ગ એકાકી જ છે. અંતર શત્રુનો નાશ કરવા નીકળનાર અરિહંતો કદી કોઈની સહાય સ્વીકારતા નથી.'
‘પ્રભુ ! ઠીક કહું છું. મારી સહાય સ્વીકારો !”
‘દેવરાજ ! આટલું નોંધી લો, કે કોઈ પણ લોકનાયકની મુક્તિ એના પોતાના ઉદ્યમ, બલ, વીર્ય ને પરાક્રમ પર જ નિર્ભર છે.”
પણ દેવરાજ ઇંદ્રનું મન કેમ માને ! ને મહાવીર પારકી સહાય પણ કેમ સ્વીકારે ! એમણે તો સંક્ષેપમાં સમજાવ્યું કે જે દુનિયાના દુઃખથી ભાગે, એ દુનિયાનાં દુઃખ શી રીતે વિચારી શકે ? સહુ સહુનો ધર્મ અદા કરે ! આ રીતે ભગવાન મહાવીરે કહ્યું કે સાધનામાર્ગ જનારે ‘એકલો જાને રે'નું સૂત્ર અપનાવવું જોઈએ. કોઈના આશરે કે કોઈના સાથે આ માર્ગે જવાય નહીં.
ભાવમંજૂષા હૈ ૧૧૨
૧૧૩ ભાવમંજૂષા