________________
५४
જંગ-મેદાનનો જાદુગર
ભારતીય ઇતિહાસમાં અપ્રતિમ શક્તિશાળી, કુશળ વ્યૂહરચનાબાજ અને યુદ્ધના દેવતા તરીકે પ્રસિદ્ધ વિક્રમાદિત્ય હેમુનું ચરિત્ર એ મોગલ સમયની તવારીખમાં ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવું ગણાયું છે.
કોઈ ભારતીય ઇતિહાસકારે નહીં, પરંતુ બદાઉની અને અબુલફજલ જેવા મોગલ તારીખ લખનારા ઇતિહાસકારોએ છ મહિના સુધી દિલ્હીના સિંહાસન પર આરૂઢ થઈને દેશનું રાજતંત્ર ચલાવનાર વિક્રમાદિત્ય હેમુની બહાદુરીની પ્રશંસા કરી છે.
મંડોવરના જૈન શ્રાવકનો પુત્ર હેમુ જોનપુરની શાળામાં વીર શેરશાહનો સહાધ્યાયી બન્યો. સામાન્ય વેપારી તરીકે પોતાનું જીવન શરૂ કરનાર હેમુ એના પુરુષાર્થ અને પરાક્રમથી પ્રગતિ કરતો રહ્યો અને સમય જતાં એ દિલ્હીનો કુશળ ઝવેરી બન્યો.
એણે એના બાહુબળ, સાહસ અને વ્યવસ્થાશક્તિથી લશ્કરમાં એક પછી એક ઊંચા હોદ્દા હાંસલ કર્યા. પહેલાં લશ્કરી મોદી, પછી ચોધરી, પછી કોટવાલ અને ત્યાર બાદ ફોજદાર બન્યો. આવડત અને ઈમાનદારીને કારણે હેમુ બાદશાહ મહમ્મદ આદિલશાહનો પ્રેમભાજન (મહેતા)
ભાવગંધા ૭ ૧૪૨
76
બન્યો અને અંતે દિલ્હીના વડા દીવાનનું ઉચ્ચ પદ મેળવ્યું.
મહમ્મદ આદિલશાહને દિલ્હીના તખ્તનો શહેનશાહ બનાવવાની હેમુની ઉમેદ હતી, પરંતુ પઠાણો સાથેના યુદ્ધમાં આદિલશાહ માર્યો ગયો અને હેમુના શિરે શાસન ચલાવવાની જવાબદારી આવી.
એ સમયે દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો સ્વધર્મના પ્રસાર માટે, રાજ્યાશ્રય માટે અતિ પ્રયાસ કરતા હતા. પોતાના વિદ્યા, તપ, ચમત્કાર, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવીને ધર્મનો પ્રચાર કરવામાં ધન્યતા માનતા હતા. હેમરાજ જુદી માટીનો માનવી હતો. એણે પોતે સાહસ, ધૈર્ય અને પરાક્રમથી મેળવેલા રાજ્યનો વિસ્તાર કર્યો. ચુનારા અને બંગાળમાં જાગેલા બળવાને શાંત પાડ્યો.
આગ્રા પર ફત્તેહ મેળવીને દિલ્હી પર ચડી આવ્યો. દિલ્હીના હાકેમ તરાદી બેગખાન(તાર્દીબેગખાન)ને પરાજય આપીને એણે હાકેમને પંજાબ તરફ ભાગવાની ફરજ પાડી.
હેમુ ‘વિક્રમાદિત્ય’ ઇલકાબ ધારણ કરીને દિલ્હીના સિંહાસન પર બિરાજમાન થયો. વર્ષોનો લશ્કરી અનુભવ, રાજ-શેતરંજની મુત્સદ્દીવટ અને અભેદ્ય યુદ્ધકળાના નિષ્ણાત તરીકે વિક્રમાદિત્ય હેમુ સર્વત્ર વિખ્યાત બન્યો. એની ગજસેનાથી વિરોધીઓ કાંપતા હતા. પોતાના મિત્ર અને પ્રજાકલ્યાણનાં મહાન કાર્યો કરનાર શેરશાહને એણે જિંદગીભર સાથ આપ્યો.
રાય પિથોરા (રાજા પૃથ્વીરાજ) પછી દિલ્હીના સિંહાસનના ભાગ્યાકાશમાં એક નવો હિંદુ રાજા હેમુ બન્યો. હેમુને એના વિરોધીઓ અને દુશ્મનો પણ ‘જંગમેદાનોનો જાદુગર' કહેતા હતા. વિક્રમાદિત્ય હેમુનો ‘હવા’ નામનો ગજરાજ યુદ્ધભૂમિ પર હેમુની સાથે દુશ્મનો પર ત્રાટકતો હતો.
પોતાના મિત્ર શેરશાહની સાથે સામ્રાજ્ય સ્થાપવાનાં સ્વપ્નો જોનાર હેમુએ દિલ્હીનું સિંહાસન હાંસલ કરીને મિત્રનાં અધૂરાં રહેલાં અરમાન પૂરાં કર્યાં. હેમુની અજોડ યોગ્યતા અને રાજકાજની કુશળ વ્યવસ્થાની આદરપૂર્વક નોંધ લીધા પછી પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ એની પ્રતિભાનો પરિચય આપતાં નોંધે છે,
“તેના સમયમાં સૌથી મહાન પુરુષોમાંનો એ એક હતો અને આખા હિંદુસ્તાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવો એકે પ્રતિપક્ષી ન હતો કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં તેને (હેમુને) ટપી જાય. તેણે બાવીસ વ્યૂહભરી લડાઈઓમાં વિજય મેળવીને પોતાના માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.”
૧૪૩ ૧૩ ભાવમંજૂષા