Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 82
________________ ઉપાયો વિચારતા હતા, ત્યાં જ એમને જાણ થઈ કે રાણા પ્રતાપ નિરાશ હૈયે મેવાડનો ત્યાગ કરી રહ્યા છે, ત્યારે ભામાશાએ રસ્તા વચ્ચે ઊભા રહીને રાણાને અટકાવ્યા. એમણે વીર પ્રતાપને દેશને ખાતર ફરી જંગ આદરવા કહ્યું. રાણા પ્રતાપે કહ્યું, “મારી પાસે નથી સૈનિક કે નથી સંપત્તિ. કઈ રીતે મોગલ શહેનશાહ અકબરનો હું સામનો કરી શકું ?" વીર ભામાશાએ રાણા પ્રતાપને હિંમત આપતાં કહ્યું, “હું આપને વિપુલ ધનભંડાર આપીશ. એના દ્વારા તમે શહેનશાહ અકબર સામે લાંબો વખત સુધી યુદ્ધ ખેલી શકશો.” વીર ભામાશાએ ઘરે જઈને પોતાની પત્ની લક્ષ્મીને સ્વતંત્રતા માટેના યુદ્ધની વાત કરી. લક્ષ્મીને પણ પરાધીનતાની આ અવસ્થા કોરી ખાતી હતી. ભામાશાએ રાણા પ્રતાપને શસ્ત્રો અને સૈનિકો માટે સંપત્તિ આપવાનો વિચાર કર્યો, ત્યારે લક્ષ્મીએ ભામાશાના હાથમાં ચાવીઓ મૂકતાં કહ્યું, “ભોંયરામાં જેટલું ધન છે તે બધું જ રાણાને પહોંચાડી દેજો. વળી ધન સમર્પતી વખતે મનમાં સહાય કર્યાનો ખ્યાલ કે પાછું લેવાની ઇચ્છા કદી રાખશો નહીં.” ભામાશાએ કહ્યું, “આવું કેમ કહે છે ?" લક્ષ્મીએ કહ્યું, “જુઓ ! આ તો એમનું ધન એમને સમર્પિત કરીએ છીએ. મેવાડની ધરતી અને એના રાણાઓના રાજમાં રહીને જ આપણા પૂર્વજોએ આ વિપુલ ધનસંપત્તિ મેળવી છે. આ ભૂમિમાંથી મળેલી સંપત્તિ દ્વારા આપણું લાલનપાલન થયું. એ માતૃભૂમિના ઉદ્ધાર કાજે ધનનો ઉપયોગ કરવો એ તો આપણી સૌથી મોટી ફરજ અને પરમ ધર્મ છે.” લક્ષ્મીના આ શબ્દો સાંભળીને ભામાશાના ઉત્સાહમાં નવા પ્રાણ પુરાયા. મનોમન વિચારવા લાગ્યા કે ધન્ય છે આ નારીને, કે જેનામાં દેશને માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની ઉદાત્ત ભાવના છે. પોતાને માટે,ઘડપણને કાજે કે ભવિષ્યને કારણે થોડું પણ ધન કે સોનું રાખવાની એના મનમાં લેશમાત્ર ઇચ્છા નથી, એથીયે વિશેષ તો કશુંય પાછું મેળવવાની કોઈ અભિલાષા નથી. વીર ભામાશા એમની અઢળક સંપત્તિ લઈને રાણા પ્રતાપ પાસે ગયા. બાર વર્ષ સુધી પચીસ હજાર સૈનિકોનો નિર્વાહ થઈ શકે તેટલી વિપુલ સંપત્તિ હતી. રાણા પ્રતાપે ફરી સ્વાધીનતાનો બુલંદ પોકાર જગાવ્યો. ભામાશાના દાનની સાથે લક્ષ્મીના ત્યાગની સર્વત્ર પ્રશંસા થઈ રહી. ભાવમંજૂષા ઉપર

Loading...

Page Navigation
1 ... 80 81 82