________________
૪૮
પાંચ મહાન સંકલ્પો
ભગવાન મહાવીરે પ્રથમ ચાતુર્માસ કર્યો દુઇજ્જત તાપસના આશ્રમમાં. આ તાપસ ભગવાન મહાવીરના પિતા રાજા સિદ્ધાર્થના પરમ મિત્ર હતા. એ પછી પરિભ્રમણ કરતાં ચોમાસું બેસી ગયું. વરસાદના ચાર મહિના ગાળવા મહાવીર આશ્રમમાં આવીને રહ્યા.
આશ્રમના કુલપતિએ પ્રેમથી પર્ણકુટી બાંધી આપી. મહાવીર ત્યાં જ્ઞાન-ધ્યાનમાં રત બની ગયા.
વરસાદ પડવો શરૂ થયો હતો, પણ હજી તૃણ ઊગ્યાં નહોતાં. ભૂખી ગાયો ચારા માટે ઠેર ઠેર ભટકતી હતી. પર્ણકુટીઓ જોઈ એ ત્યાં આવી પહોંચી. તાજા ઘાસના પૂળાની એ બનાવેલી હતી. પણ જેવી ગાયો ત્યાં આવી કે તાપસ લાકડીઓ લઈ બહાર નીકળી પડ્યા. ગાયોને હાંકી કાઢી.
મહાવીર જે ઝૂંપડીમાં ધ્યાન કરવા બેસતા, એ ઝૂંપડીની એ જરા પણ દરકાર ન રાખતા. ગાયો આવીને ઘાસ ખાવા લાગતી. એમની આંખ સામે ગાયો ઘાસ ખાતી, ને મહાવીર ‘હઈડ' એટલુંય ન બોલતા !
બાજુમાં રહેતા પરગજુ તાપસી આવે વખતે કંઈ પોતાનું સંભાળીને થોડા બેસી રહે ? તેઓ દોડીને ગાયોને
હાંકી કાઢતા. આવું થોડા દિવસો ચાલ્યું. પણ પછી તો સંન્યાસીઓની ભાવના મોળી પડી. એક બે દિવસ હોય તો ઠીક, પણ આ માથાકુટ હંમેશાંની થઈ! મહાવીર તો એવી રીતે રહે છે, કે એમણે અને ઝૂંપડીને જાણે કંઈ સંબંધ નથી ! તાપસો કંટાળ્યા, ને કુલપતિને ફરિયાદ કરી.
કુલપતિને મહાવીર તરફ પક્ષપાત હતો. એણે મીઠાશથી મહાવીરને ઠપકો આપ્યો, સાથે સૂચના આપી. મહાવીર કંઈ ન બોલ્યા.
બીજે દિવસે એ તપ કરવા બેઠા, ને ગાયો આવી. પણ અહીં તો બોલે એ બીજા. તાપસો દોડ્યા, ને ગાયોને હાંકી કાઢી. સાથે સાથે કુલપતિને વિશેષ ફરિયાદ કરી.
કુલપતિએ આ વખતે જરા ચિડાઈને કહ્યું, “કુમાર ! પંખી પણ પોતાનો માળો સાચવે, તો તમે તો માણસ છો. તમારી ઝૂંપડીની તમારે દરકાર રાખવી ઘટે.”
* કોની ઝૂંપડી ?” ‘તમારી.' ‘મારી ? મારે વળી ઝૂંપડી જ ક્યાં છે ?” ‘તમે ક્યાં રહો છો ?” ‘હું અનગાર છું. મારે ઘર નથી, પછી રહેવાનું શું ?”
અરે, આવી વાતો છોડી દો. તમે જે ઝૂંપડીમાં રહો છો, એની રક્ષા કરવી તમારી ફરજ છે.' | ‘અરે ! જે ઝૂંપડીમાં આ અમૂલખ આત્મા રહે છે, એની જ આળપંપાળ છોડી છે, તો વળી આ ઝૂંપડીની સારસંભાળ ક્યાં કરું ? કેવી રીતે કરું ?'
તાપસને મહાવીરના આ બોલમાં જનક વિદેહીના શબ્દોના પડઘા સંભળાયા. ‘મિથિલા બળે એમાં મારું શું બળે ?'
કુલપતિ મુંગા મૂંગા પાછા ફર્યા. પણ તાપસો હવે છૂટે મોંએ ટીકા કરવા લાગ્યા : “અરે આવા અકૃતજ્ઞ, ઉદાસી ને આળસુ પાડોશીથી સર્યું !'
મહાવીરને એ અપ્રીતિની તરત ભાળ પડી ગઈ. વર્ષાઋતુનો એક પક્ષ પસાર થયો હતો. માથે કાળાં વાદળ ગડગડાટ કરતાં હતાં. મહાવીરે ત્યાં ને ત્યાં પાંચ સંકલ્પ કર્યા.
ભિાવમંજૂષા ૨ ૧૦૪
૧૦૫ o ભાવમંજૂષ