________________
૧૩ બાર વર્ષના પૂળા
સાંજનું પ્રતિક્રમણ ચાલતું હતું ત્યારે એક શ્રાવકે હળવેથી શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી. “સાહેબ, આપના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કાશીમાં ગહન અભ્યાસ કરીને આવ્યા છે. એમણે વર્ષો સુધી શાસ્ત્રગ્રંથોના ગહન જ્ઞાનનું પાન કર્યું છે. આજ અમારી એવી ભાવના છે કે બાર બાર વર્ષ સુધી કાશીમાં અભ્યાસ કરનાર આપના વિદ્વાન શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ સઝાય બોલે. આપને અમારી વિનંતી છે કે આપ કૃપા કરીને એમને આદેશ આપશો.*
ગુરુ શ્રી નયવિજયજીએ શ્રી યશોવિજયજીને પૂછ્યું, કેમ ભાઈ ! સઝાય બોલશો ?”
શ્રી યશોવિજયજીએ વિનયપૂર્વક કહ્યું, “ગુરુદેવ, મને સજઝાય કંઠસ્થ નથી.”
આ સાંભળતાં જ પેલા શ્રાવકની તલવારની ધાર જેવી જીભ સળવળી ઊઠી અને તે બોલ્યો, “ત્યારે શું કાશી જેવા કાશીમાં બાર વર્ષ રહીને ઘાસ કાપ્યું ?”
- આ શબ્દોએ એક સન્નાટો જન્માવ્યો. સહુને લાગ્યું કે કે આણે આવાં કટુવચન બોલવાં જોઈતાં નહોતાં. પરંતુ સાધુ
તો સમતાના ધારક, શ્રી યશોવિજયજી મહારાજે કશો પ્રત્યુત્તર વાળ્યો નહીં.
કટુ વાણી સાંભળનારના મનમાં ક્રોધ જગાડે. કટુવચનો વિચારશીલ માનવીના ચિત્તમાં ચિંતન જગાડે. આવું એક ચિંતન શ્રી યશોવિજયજી મહારાજના ચિત્તમાં ચાલ્યું. એમને થયું કે પોતે સંસ્કૃત અને પ્રાકૃતના ગહન ગ્રંથો ભણ્યા. ન્યાયના કઠિન ગ્રંથોમાં પારંગત બન્યા, પરંતુ સામાન્ય જનસમુદાયને એથી શો લાભ મળ્યો? સંસ્કૃત કે પ્રાકૃત જાણનારની સંખ્યા બહુ થોડી હોય. જનસમૂહને તો પ્રચલિત ભાષા જ સમજાય.
શ્રી યશોવિજયજીએ તો એક વૈરાગ્યમય સજઝાય બનાવવાનું શરૂ કર્યું. હૃદયમાંથી વૈરાગ્યભાવનું ઝરણું વહેવા લાગ્યું અને તે શબ્દ રૂપે પ્રગટવા લાગ્યું. બીજે દિવસે સાંજે પ્રતિક્રમણમાં શ્રી યશોવિજયજી મહારાજે પોતાના સદ્ગુરુ પાસે આદેશ માગીને સઝાય શરૂ કરી. વાતાવરણમાં વૈરાગ્યનો રસ છલકાવા લાગ્યો. સઝાય લાંબી હતી તેથી કેટલાક શ્રાવકોએ સવાલ પણ કર્યો કે હજી કેટલી પંક્તિઓ બાકી છે ?
ઉપાધ્યાય યશોવિજયજીને મુખેથી તો સઝાય સરતી જ ગઈ. ત્યાં સુધી એ સઝાય ચાલી કે જ્યાં સુધી પેલા શ્રાવકે કહ્યું, “મહારાજ , હજી કેટલી સઝાય બાકી છે ?
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઉત્તર વાળ્યો, “ભાઈ, આજે તો બાર વર્ષમાં પેદા થયેલા ઘાસના પૂળા એકસાથે બંધાય છે. માત્ર વર્ષભરનું ઘાસ હોય તો પણ તેના પૂળા બાંધવા માટે ઘણો વખત જાય. જ્યારે આ તો બાર બાર વર્ષના શાસના પૂળા બાંધવાના છે.”
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની ટકોર શ્રાવક સમજી ગયો. એણે એમની ક્ષમા માગી. કટુવચનો માટે માફ કરવા વિનંતી કરી. - શ્રી યશોવિજયજીએ સઝાયની ઢાળ પૂરી કરી. પણ એ સમયથી લોકો સમજે તેવી ગુજરાતી ભાષામાં રચનાઓની સરવાણી વહેવા લાગી.
કડવી જીભ ધરાવનાર શ્રાવકની ટકોર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની રચનાઓને વધુ વ્યાપક બનાવે છે. શ્રાવકની ટીકાનો વળતો ઉત્તર આપવાને બદલે એમણે એ ટીકાને પોતાની સિદ્ધિમાં ફેરવી દીધી.
ભાવમંજુમ બ ૨૬
૨૩ % ભાવમંજુ