________________
૮
સર્વોત્તમ શક્તિની શોધ
કૌમુદીભરી રાત રંગ અને ર્સ સાથે પૂરી થઈ, ત્યાં પ્રભવનના દ્વાર પર ભયંકર કોલાહલ થઈ રહ્યો. આકાશની પુત્રી, ગાયોની માતા ને દિવસની નાયિકા ઉષાને પૃથ્વી પર આવવાની હજી વાર હતી, છતાં આકાશમાં લાલ રંગ ઝડપભેર પથરાતો જતો હતો. પક્ષીઓને ચારાની શોધમાં ઊડવા જેટલો પ્રકાશ પથરાયો નહોતો, ત્યાં આકાશ પક્ષીઓના આક્રંદથી વ્યાપ્ત થઈ ગયું હતું. નાસતાં પશુઓના ચિત્કાર કાન ફાડી નાખતા હતા.
દ્વારપ્રદેશ પરથી બૂમો આવતી હતી : “હે કુમાર ! હે વૃષભધ્વજ, અમે સુનંદા તમને આપી એટલે સ્વર્ગના દેવાધિદેવ ઇંદ્ર અમારા ૫૨ કોપ્યા છે. પહેલાં એણે પાણી ન આપી અમને ત્રાસ પહોંચાડ્યો; આ વખતે કોઈ સર્વભક્ષી પિશાચને અમારું સત્યાનાશ વાળવા મોકલ્યો છે. અમારાં બાળબચ્ચાં ભૂંજાઈ ગયાં છે. અમારાં કંદમૂળનો નાશ થઈ ગયો છે. એક વાર પાણીના ત્રાસથી તમે અમારું રક્ષણ કર્યું હતું. આજે ફરીવાર અમને બચાવો ! હે સુનંદાના કંથ !”
સુંવાળી હૂંફમાં સૂતેલા અવિભક્ત આત્માઓમાંથી કુમાર વૃષભધ્વજ એકદમ જાગ્રત થયા. એમણે પળવાર ચારે દિશા તરફ નજર નાખી. પશુઓનો ચિત્કાર, પ્રાણીઓનો પોકાર ને નિરાધાર માનવકુળોનાં આક્રંદ એમના દયામય હૃદયને સ્પર્શી રહ્યાં.
માનવકુળનો ઉદ્ધાર એ તો એમનો જીવનમંત્ર હતો. એ એકદમ સ્વસ્થ થઈ ઊભા થયા. પોતાના પ્રિય ગજરાજને એમણે હાક મારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org