________________
તૃષા પૂરી લાગી ન લાગી કે જળનાં ઝરણાં પીવા મળ્યાં જ છે. ન ક્યાંય ઝંખના, ન ક્યાંય પુરુષાર્થ કે ન મળે પરિશ્રમ ! બાવડાંનાં બળ જાણે નકામાં ! પગ જાણે પ્રાણ વગરના, દેહનું જાણે હલનચલન જ નહીં. મગજમાં કોઈ જીવંત સાહસનું મનોમંથન જ નહીં.
એકલું ગળપણ ક્યાં સુધી ખાઈ શકાય ? એમાં ખટાશ કે તીખાશ હોય તો જ મજા આવે.
ભલે આવી કર્મભૂમિ; સ્વાગતમ્ ! ભોગભૂમિ નષ્ટ થઈ તો ભલે થઈ; અમારાં બાવડાં સાબૂત છે, અમારા પગ સશક્ત છે, અમે પૃથ્વીના પટ પરથી ખાદ્ય ને પેય શોધી લાવીશું. અરે, અત્યારે ક્ષુધા ભલે થોડી વાર સંતપ્ત કરતી હોય, પણ મનને કેવા ઉત્સાહથી રંગી દે છે ! એ ક્ષુધા પેલાં સુસ્વાદુ તાડ, નાળિયેરી, વનફળ ને વનમેવાની કિંમત સમજાવે છે; ને પોતાના પ્રયત્નથી મેળવેલી ચીજ કેવી મીઠી લાગે તે બતાવે છે.
ગૌરવ લેવા જેવી વાત તો એ છે, કે અમારા જીવનની એકેએક વસ્તુ અમે સરજી છે, અમારા બાહુબળથી એકત્રિત કરી છે. એણે અમારા નિષ્કર્મણ્ય જીવનમાં ચેતન પૂર્યું છે.
હવે પ્રત્યેક ઉષા એક નવીન આશાનો સંદેશ લઈ આવે છે, પ્રત્યેક રાત મનોરથની સિદ્ધિનાં સોણલાંથી રંગાઈને આવે છે.
શ્રમ પછીની નિવૃત્તિ, પરિશ્રમ પછીની નિદ્રા, વિયોગ પછીનો સંયોગ, ક્ષુધા પછીની તૃપ્તિ – એની મજા, મનવાંછિત વસ્તુઓ મનના ધારેલા સમયે પ્રાપ્ત કરનાર ભોગભૂમિના જીવો શું જાણે !
એકલી શાંતિ પણ કંટાળો આપે છે, એકલો શ્રમ પણ થકવે છે, એકલું સુખ પણ નિઃસ્વાદ લાગે છે, એકલું દુઃખ પણ દુષ્કર લાગે છે. અમારા પ્રિય કુમાર વૃષભધ્વજે જેમ એક જ પાત્રમાં જાતજાતના ને ભાતભાતના વનમેવા ભેળવી એક નવો રસ પેદા કર્યો, એમ જ વૈવિધ્યભર્યા પરાક્રમરસ અમારા જીવનને જીવંત રાખે છે.
માનવી અશક્ત પણ નથી. દેહથી ભલે એ વાઘ-સિંહ કરતાં દુર્બળ હોય, પણ એનું બુદ્ધિબળ એટલું પ્રબળ છે, કે વાઘ-સિંહને પણ પોતાને વશ કરી શકે.
કુમાર વૃષભધ્વજે સંદેશ આપ્યો હતો કે માનવામાત્ર સમાન છે. એ સમાનતા જેટલા કેળવી શકે, એમાં જેઓ માને, તેઓનું એક જૂથ બનીને સાથે કાં ન રહે ? પ્રવાસ, પરિશ્રમ, પુરુષાર્થ સહુ સાથે સંપીને કાં ન અજમાવે ?
વિરહિણી મહાદેવી : ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org