Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 315
________________ સંતોષભરી અને સુખદ એવી આ સૃષ્ટિનું મૂળ રાજા બાહુબલી છે. જેવો રાજા તેવી પ્રજા” એ નિયમનો પહેલો પડઘો અહીં પડ્યો છે. - રાજા બાહુબલી શાન્ત છે, ધીર છે, વીર છે, ઉદારમના છે ને કર્મણ્ય છે; નિરભિમાની ને નિસ્પૃહ છે; સતત જાગ્રત ને સદા વલંત છે. ચંદ્રની સૌમ્યતા ને સૂર્યનો પ્રતાપ બંને એનામાં વસ્યાં છે. એ અને એની પત્ની વસંતતિલકા સ્વર્ગનાં દેવ-દેવીની યાદ આપે છે. રાજા બાહુબલી મહાન પિતાના મહાન પુત્ર તરીકે જીવવાનો હોંશીલો છે. ફૂલ પરથી ભ્રમર મધુ લે, એમ પ્રજા પાસેથી એણે સમૃદ્ધિ એકઠી કરી છે, છતાં એ મહાસમૃદ્ધિવંત છે. એની સમૃદ્ધિ પ્રજાના ઘરમાં અને એથીય વધીને પ્રજાના દિલમાં છે. એની પાસે વિશાળ અશ્વશાળાઓ, મોટી આયુધશાળાઓ, મહાન રથશાળાઓ ને ગજશાળાઓ નથી, પણ એને જરૂર પડતાં અશ્વો અને ગજો પૂરી સંખ્યામાં મળી રહે છે. ત્યાં દરેક પ્રજાજન પોતાની પસંદગીનું વાહન રાખી શકે તેટલો ક્ષમ છે, અને પ્રજાનું એ વાહન જોઈએ ત્યારે રાજાનું વાહન બની શકે છે. રાજા ને પ્રજા પરસ્પર પોતાને સુખદુઃખનાં સાથી માને છે. હસ્તીકાન્ત વીણાના વાદક આ રાજાએ, રાજા બન્યા પછી, હાથીખેલનનો શોખ પણ સીમિત કરી નાખ્યો છે. યુદ્ધ જેવી હૈયાહોળી આ ભૂમિમાં કોઈએ જાણી નથી. અને તેથી અનીતિ, દુર્ભિક્ષ કે ભૂખમરાનાં પ્રલયકારી પગલાં અહીં થયાં નથી. દેશ એવો સુંદર છે, રાજા એટલો ભલો છે, કે રાજા ભરતદેવની ભૂમિમાંથી આવીને અનેક પ્રજાજનો અહીં વસ્યાં છે. “રાજા” એ અહીં વહાલસૂચક શબ્દ છે, ભયસૂચક નહીં. પ્રજા હોંશે હોંશે રાજાની પાસે જાય છે, ને આખો દિવસ એક મહાકુટુંબનો જાણે મેળો જામે છે. આ સુખદ રાજ્ય ભૂમિમાં અનાચારી, અત્યાચારી કે આતતાયી પોતાનો પડછાયો પણ પાડી શકતા નથી. . રૂપાળી કન્યાઓ વનજંગલોમાં દૂર દૂર સુધી નિર્ભયપણે ફળ, ફૂલ ને મેવા વણે છે. વનની મૃગલીઓ સાથે નગરની આ મૃગલીઓ આખો દિવસ ગેલ કરે છે, છતાં કોઈ આતતાયીનો પડછાયો પણ ત્યાં નથી પડતો. આ પૃથ્વી પર કંટકવૃક્ષ અલ્પ ઊગે છે, અને તે રીતે દ્વેષ, ઈર્ષ્યા ને અસૂયા પણ અલ્પ ઊગે છે. ર૯૬ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330