Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 329
________________ - “સુંદરી, આવે સમયે – જ્યારે ચક્રરત્નની પ્રાપ્તિ થઈ છે, આવતી કાલે ભૂમંડલ પર એક વેશ, એક ભાષા, એક રાજા, એક સંસ્કૃતિ સ્થાપવા નીકળવાનો નિરધાર કરી ચૂક્યો છું, ત્યારે – તું મને નિરાશ કરીશ ? તારું સૌંદર્ય મને અદ્ભુત પ્રેરણા પાઈ શકે છે. તું મારો તિરસ્કાર કરીશ તો લડતો લડતો હું ન જાણે કોઈ રણમેદાન પર નિશ્ચેતન થઈને પડી જઈશ. મને તારી પ્રેરણાનો ખપ છે.” “મારા બાહ્ય સૌંદર્યનો મોહ ઉતારી નાખ ! આંતર સૌંદર્યને જો !” “એ સૌંદર્ય મારાથી જોઈ શકાતું નથી. જે સૌંદર્ય ચક્ષુથી પિવાતું ન હોય, સ્પર્શથી સત્કારાતું ન હોય, એ તો સ્વપ્નની સુખડી જેવું છે ઃ ન ભૂખ ભાંગે, ન ભ્રમણા ભાંગે. ક્યાં છે તારું એ આંતર સૌંદર્ય ?”’ “મારું એ સૌંદર્ય તારી વાસનાને વશ ન થવામાં છે.” “મારા વિજયો, મારું પુરુષાતન શું તને આકર્ષતાં નથી ? સુંદરી, જે ભરતના હાથને સ્પર્શવા વિદ્યાધરોની રૂપમનોહર પત્નીઓ ઝંખે છે. એને તું ઠોકરે મારે છે ?' “શસ્ત્રના વિજયો મને ગમતા નથી.” “તો તું મને છોડી જઈશ ? સંસારને જીતવા નીકળનારના જીવનને તું કરુણાથી ભરી દઈશ ? સુંદરી, આજ પ્રણય ન કરે તો ભલે, તિરસ્કાર તો કરીશ મા ! તું કહે તેટલી રાહ જોવા તૈયાર છું.” “તને નહીં છોડી જાઉં.” સુંદરીના શબ્દોમાં સમવેદના ગુંજતી હતી, “ભરત, અવિજેય ભરત, જ્યાં સુધી તને તારો પવિત્ર ધર્મ નહીં સૂઝે ત્યાં સુધી હું આ પ્રાસાદમાં જ રહીશ, અહીં જ રહીશ ને તારી રાહ જોઈશ.” “ધન્ય છે સુંદરી તને !'' ને ભરત મહામહેનતે બહાર નીકળી ગયો. એનાં પગલાં ભાવોદ્રેકમાં ભારે પડતાં હતાં. પ્રસ્થાન માટે સજ્જ સેનાએ પોતાના વિચક્ષણ ને વીર સેનાસ્વામીને આવતો નીરખી જયનાદ કર્યો. સુંદરી કાળા અંધકાર સામે ત્યાં સુધી જોઈ રહી કે જ્યારે એમાં પ્રભાતની પ્રકાશરેખા સળગી ઊઠી ! એનું વ્યાકુળ મન દિગન્ત સાથે ભળતા જતા પિતાના પવિત્ર પાદને પૂજી રહ્યું. એનાં સુંદર નેત્રો ગગનભેદી જયનાદો સાથે દિગ્વિજય માટે પ્રસ્થાન કરતા ભરતના પવિત્ર ધર્મને શોધી રહ્યાં. ૩૧૦ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330