________________
રહેલાં પશુઓ પર દેવી સુમંગલા દૃષ્ટિ રાખવા લાગ્યાં.
તાજાં ઘાસ, તાજાં પર્ણ ને મીઠાં જળ એમને અપાવાં શરૂ થયાં. પશુઓને પણ આ સ્થળ ભાવી ગયું. આ ખાનપાન આપનાર માનવીઓ તરફ એમને ભાવ થયો. માનવીને જોતાં જ પોતાનો હરીફ ધારી જે શિંગડાં હિલોળતાં, એ હવે માનવીને પોતાના દેહને સ્પર્શ કરવા દેતાં. ધીરે ધીરે તેઓ હળીમળી ગયાં; માનવી સાથે ગેલ ક૨વા લાગ્યાં; વાડામાંથી નીકળીને માનવીની પાછળ પાછળ ફરવા લાગ્યાં. હવે તો એવો સમય આવી પહોંચ્યો કે તેઓને છૂટાં મૂકવામાં આવે તોપણ સાંજે તેઓ આ નિર્ભય જગાએ વગર બોલાવ્યાં પાછાં
ચાલ્યાં આવતાં.
વનપ્રદેશનો વિશાળ પ્રદેશ વસવાટ માટે યોગ્ય થઈ રહ્યો હતો. આજે કુમાર અહીં હોય, તો દેવી સુમંગલા વનોને પેલે પાર હોય; વળી બીજા પાર્શ્વચરો ક્યાંય હોય. આ બધાંની વચ્ચે ખાનપાનની વ્યવસ્થા જાળવવાનું કામ ઉદારમના દેવી સુનંદા કરતાં. તેઓ સુસ્વાદુ સુપક્વ ભોજનસામગ્રી સર્વને પહોંચાડ્યા કરતાં. તેમને લાગ્યું કે જાનવરોની પીઠ પર જો આ સામગ્રી મૂકી દઈએ, ને તેમને અમુક સ્થળે જવાની સંજ્ઞા આપી દઈએ તો લેશમાત્ર વિલંબ વિના બધું ત્યાં પહોંચી જાય.
દેવી સુનંદાએ એક દિવસે એક પશુ પર આ પ્રયોગ અજમાવ્યો. બેએક ફેરામાં પશુ પોતાનું કર્તવ્ય સમજી ગયું. પીઠ પર લાદેલો બોજ એને નગણ્યવત્ હતો. એ સહેલાઈથી બોજો લઈને એક સ્થળેથી બીજે સ્થળે જતું આવતું થઈ ગયું. દશ માણસ જે કામ ઘણા શ્રમથી પણ ન કરી શકતા, એ આ એક પશુ સહેલાઈથી કરવા લાગ્યું.
માનવી માનવીની વચ્ચે જેમ સંસર્ગ વધતો ચાલ્યો તેમ માનવ અને પશુઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાવા લાગ્યો. માનવ એ પશુની વનચરોથી રક્ષા કરતો ને પશુ એની ચાકરી કરતું. પશુઓની મદદથી કુમાર વૃષભદેવના માનવ-ઉદ્ધારનું કાર્ય વેગવંત બનવા લાગ્યું. હવે તો કેટલીક વખત આ પશુઓ સામાનને બદલે માણસને પણ ઊંચકીને લઈ જતાં.
પશુ અને માનવીની આમ મૈત્રી સરજાઈ રહી હતી, ત્યાં એક દિવસ દેવી સુમંગલાને કોપ વ્યાપે તેવો બનાવ બન્યો.
નવા વસવા આવેલા માનવો રાત્રે છાનામાના કેટલાંક પશુઓ ઉઠાવી જઈ મારીને ખાઈ જતાં હતાં. તેમાં પણ આ નવા પ્રાપ્ત થયેલા અગ્નિ પર જરા તપાવીને
પ્રગતિ ને પ્રત્યાઘાતો * ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org