Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તમને ત્યાંનું દર્શન કરાવું. ચક્ષુસાદેવીએ ચેતનાબહેન સહિત પ્રવેશ કર્યો. એક લાખ એંસી હજાર યોજનની ઊંચાઈવાળી, એક રજ્જુ વિસ્તારવાળી ઘમ્મા નામની એક રત્નપ્રભા ગોત્રવાળી પ્રથમ નરક આવી. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને વચ્ચે એક લાખ ૭૮ હજાર યોજનની જગ્યામાં ૧૩ પાથડા, ૧૨ આંતરા છે, તેવી પ્રથમ નરકને જોવા માટે મધ્યલોકથી એક હજાર યોજન નીચે ઊતરી ગયા. ત્યાં તે નરકના ત્રણ વિભાગ જોયા. પહેલો ખરકાંડ, બીજો પંકબહુલકાંડ અને ત્રીજો અબહુલકાંડ. પ્રથમ ખરકાંડ ૧૬ હજાર યોજનનો છે. તેના એક-એક હજાર યોજનનાં સોળ વિભાગ છે. તે વિભાગો સોળ જાતિના રત્નમય પૃથ્વીકાયથી બનેલા છે. તેથી રત્નપ્રભા તેનું ગોત્ર કહેવાય છે. તેમ ચક્ષુસાદેવીએ જોયું અને જાણ્યું. ત્યારપછી બીજો પંકબહુલકાંડ જોયો. તેમાં કીચડ ઘણો જાણ્યો તેથી પંકબહુલ નામ પાડ્યું છે તેમ જાણ્યું. ત્યારપછીના કાંડ ઉપર નજર નાંખી તે કાંડમાં પાણી ઘણું જાણી તેનું નામ અબહુલકાંડ છે, તેમ જાણ્યું. તે કાંડને જોતાં-જોતાં પહેલો કાંડ ૧૬૦૦૦ યોજનનો, બીજો કાંડ ૮૪ હજાર યોજનનો અને ત્રીજો કાંડ ૮૦ હજાર યોજનનો પસાર કર્યો. આ રીતે કુલ એક લાખ એંસી હજાર યોજનના પિંડમાં તેર પાથડા–બાર આંતરા જોયા. તે પાથડાની તલભૂમિમાં પગ મૂકીએ તો ચીરાઈ જાય, તેવા અણીદાર વજ્ર જેવા મજબૂત રત્નોને નિહાળ્યા. ત્યાં અનેક આકારના પંક્તિ બદ્ઘ ૩૦ લાખ નરકાવાસ ગોઠવાયેલા જોયા. તેની કુંભીઓમાં ઉત્પન્ન થયેલા નારકીઓ બૂમરાણ પાડી રહ્યા હતા તે જોયું, આ પ્રથમ નરક છે. તેની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનવાત, તેની નીચે તનુવાત અને તેની નીચે અસંખ્યાત યોજનનું આકાશ જોયું, ત્યારપછી બીજી નરક આવી. તેમાં ચક્ષુસાદેવી નીચે ઉતર્યા અને ત્યાં જોઈ વંશા નામની બીજી નરક, તેનું ગોત્ર શર્કરાપ્રભા છે; તેમાં એકલા અણીદાર પથ્થરા છે. તેની ઊંચાઈનો પિંડ એક લાખ બત્રીસ હજાર યોજનનો છે. તેમાં કાંડ–વિભાગ નથી, તે સળંગ છે. એક હજાર યોજન ઉપર એક હજાર યોજન નીચે છોડી વચ્ચે એક લાખ ત્રીસ હજાર યોજનના પિંડમાં ૧૧ પાથડા અને દસ આંતરા છે. તે પાથડાઓમાં ૨૫ લાખ નરકાવાસા છે. તેમાં પણ નારકીઓની ચીસાચીસ બમણી સંભળાતી હતી. ત્યારપછી ઘનોદધિ આદિ પસાર કર્યા. પછી શૈલા નામની વાલુકાપ્રભા ગોત્રવાળી; ૧ લાખ, ૨૮ હજાર યોજન ઊંચાઈવાળી ત્રીજી નરક પૃથ્વીને જોઈ. તેમાં ૧ હજાર યોજન ઉપર અને ૧ હજાર યોજન નીચે છોડીને ૧ લાખ, ૨૬ હજાર યોજનમાં ૯ પાથડા અને ૮ આંતરા છે. તે ૯ પાથડામાં ૧૫ લાખ નરકાવાસા છે. ત્યાં પણ નારકીઓની કર્કશ ચીસો સંભળાઈ રહી હતી. તેની નીચેના ઘનોદધિ આદિ પસાર કર્યા પછી ચોથી અંજના નામની પંકપ્રભા ગોત્રવાળી નરકમાં એકલો કાદવ જોયો. ૧ લાખ, ર૦ હજાર યોજન વિસ્તારવાળી તે પૃથ્વીમાંથી ૧ હજાર યોજન ઉપર અને ૧ હજાર યોજન નીચે છોડી; ૧ લાખ, ૧૮ હજાર યોજનમાં ૭ પાથડા અને ૬ આંતરા છે.
40