Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ર૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
શોક ઉત્પન્ન કરાવવાથી, (૩) અન્યને વિષાદ અથવા વિલાપ કરાવવાથી (૪) અન્યને આંસુ પડાવવાથી (૫) અન્યને પીટવાથી (૬) અન્યને પરિતાપ પહોંચાડવાથી (૭) અનેક પ્રાણીઓને દુઃખ પહોંચાડવાથી (૮) અનેક જીવોને શોક ઉત્પન્ન કરવાથી (૯) અનેક જીવોને વિષાદ અથવા વિલાપ કરાવવાથી (૧૦) અનેક જીવોને આંસુ પડાવવાથી (૧૧) અનેક જીવોને પીટવાથી (૧૨) અનેક જીવોને પરિતાપ પહોંચાડવાથી. સંક્ષેપમાં એક કે અનેક જીવોને અશાતા પમાડવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. (૪) મોહનીયકર્મ બંધના કારણો– (૧) તીવ્ર ક્રોધ (૨) તીવ્ર અભિમાન (૩) તીવ્ર માયા (૪) તીવ્ર લોભ (૫) તીવ્ર દર્શન મોહનીય(અત્યંત અશ્રદ્ધાનો ભાવ) (૬) તીવ્ર ચારિત્રમોહનીય(ચારિત્ર પ્રત્યેની અરુચિ અથવા દુરાચરણનું સેવન).
સૂત્રકારે તિબ્બોહાણ... આદિ છએ બોલમાં તીવ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે પરંતુ તીવ્ર ક્રોધાદિ કરવાથી દીર્ઘ સ્થિતિનું મોહનીયકર્મ બંધાય તે જ રીતે મંદ ક્રોધાદિ કરવાથી પણ અલ્પ સ્થિતિનું મોહનીય કર્મ બંધાય છે. રાગ-દ્વેષ, વેર, ઝેર આદિ મોહરૂપ ભાવોથી મોહનીય કર્મ બંધાય છે. (૫) આયુષ્યકર્મ બંધના કારણો– આયુષ્ય કર્મના ચાર પ્રકાર છે અને પ્રત્યેક આયુષ્ય બંધના ચાર-ચાર કારણ છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
સંક્ષેપમાં અનંત જીવોની હિંસા થાય તેવા આરંભ સમારંભ અને આસક્તિ ભાવથી નરકાયુષ્યનો બંધ થાય છે. માયા કપટ અને અસત્યાચરણથી તિર્યંચાયુષ્યનો બંધ થાય છે. અનુકંપા ભાવ અને સરળ વ્યવહારથી મનુષ્યાયુનો બંધ થાય છે. શ્રાવક કે સાધુ વ્રતના પાલનથી અથવા તપારાધનાથી દેવાયુનો બંધ થાય છે. (૬) નામકર્મ બંધના કારણો– નામકર્મના બે પ્રકાર છે. શુભનામ અને અશુભનામ. તે બંને પ્રકારના નામકર્મ બંધના ચાર-ચાર કારણો છે. યથા- મન, વચન કાયાની સરળતાથી અને ઝગડા કે વિખવાદ ન કરવાથી શુભ નામ અને મન, વચન, કાયાની વક્રતા અને ઝગડા કે વિખવાદ કરવાથી અશુભનામ કર્મનો બંધ થાય છે. (૭) ગોત્રકર્મ બંધના કારણો– ગોત્રકર્મના બે પ્રકાર છે. ઊંચ ગોત્ર અને નીચ ગોત્ર. તે બંને પ્રકારના ગોત્રકર્મના આઠ-આઠ કારણો છે, તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્યની પ્રાપ્તિનું અભિમાન કરવાથી નીચ ગોત્ર અને તે આઠ બોલનું અભિમાન ન કરવાથી ઊંચ ગોત્ર કર્મનો બંધ થાય છે. (૮) અંતરાયકર્મ બંધના કારણો– અંતરાય કર્મબંધના પાંચ કારણ છે. યથા- દાન, લાભ, ભોગ, ઉપભોગ કે વીર્ય શક્તિના પરાક્રમમાં અંતરાય પાડવાથી તે તે પ્રકારનું અંતરાય કર્મ બંધાય છે. કાર્પણ શરીર પ્રયોગબંધનો દેશબંધ:- તેજસ શરીર પ્રયોગબંધની જેમ કાર્પણ શરીર પ્રયોગબંધમાં પણ દેશબંધ જ થાય છે કારણ કે પ્રત્યેક જીવ સાથે તેનો અનાદિકાલીન સંબંધ છે. જીવ જ્યારે તે સંબંધથી મુક્ત થાય ત્યારે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. સર્વથા અબંધ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જીવને કર્મબંધ થતો નથી. તેથી કાર્પણ શરીર પ્રયોગબંધમાં સર્વબંધ થતો નથી. તેના આઠ પ્રકાર પણ કામણ શરીર પ્રયોગબંધમાંજ સમાવિષ્ટ થઈ જાય છે. તેથી પ્રત્યેક કર્મોમાં પણ કાર્પણની સમાન સર્વ બંધ થતો નથી, દેશબંધ જ થાય છે.