________________
વિરાગની મસ્તી
નાનપ જેણે જોઈ જ નથી એ શેઠ બીજા તો ક્યા કારણે દોડધામ કરી મૂકે?
કોઈના દુઃખે શેઠની આંખો રોતી; કોઈના કલેશે શેઠના અંતરમાં વલોપાત થતો; કોઈનું મોત શેઠને સ્તબ્ધ બનાવી દેતું. ગરીબોનો એ બેલી હતો પણ ગરીબીનો તો એ કાળ હતો, દુઃખિયાંનો એ ભગવાન હતો; પણ દુઃખોના વનનો તો એ દાવાનળ હતો; અશાંત મનનો એ આશરો હતો પણ અશાંતિને તો આખા ગામમાંથી વાળીઝૂડીને સાફ કરતો રહેતો.
મધરાતે પણ વિમળને સાદ દઈને બે પૈસા કે થોડાં ચાનાં પાંદડાં માગતાં કોઈનેય સંકોચ તો ન જ થતો, પણ ખૂબીની વાત તો એ હતી કે એવાં કામ કરતાં વિમળને પણ જરા ય કંટાળો ન આવતો. એની લાક્ષણિક ઢબે, પેલા ખૂણે પડેલું ટમટમતું ફાનસ ઊંચકતો અને પછી ભીંતે વળગેલો ચાવીનો ઝૂમખો લઈ તાળામાં ચાવી ફેરવતો બોલતો, ‘ભઈ, આટલું મોડું કેમ કર્યું? મારી પાસે આવતાં ય શરમ આવી? ખેર, ભૂલ તો મારી જ છે કે મેં તારું ધ્યાન ન રાખ્યું. લે, લેતો જા. જરાય સંકોચ રાખીશ નહિં હોં !' આમ કહીને કાંઈક સ્મિત વેરતો, કાંઈક ગંભીરતા દાખવતો વિમળ આગંતુકના હૈયાનો ભાર ત્યાં જ ઠલવાવી દઈને રવાના કરતો.
એક દુઃખી દુઃખ હળવું કરતો અને વિમળ દુઃખના ભારથી કણસતો પથારીમાં આળોટતો.. એનું મન બોલતું, “કેવા કેવા દુઃખિયારા લોકો! મારી આટલી કાળજી છતાં કોઈ દુઃખી? ખેર... પણ ધનના ગરીબ આ લોકોના મન કેટલાં મોટાં છે? કેટકેટલા દુઃખ એમાં સમાઈ જતા હશે? હાથ કેટલા શરમાળ છે? લાંબો કરતાં સો સો વિચાર કરે. અને પગ કેટલા કાયર છે? અહીં આવતા જ ભારે થઈ જાય. આવા દુઃખિતોના પેટ પણ ન ભરાય તો મારે પેટ ભરવાનું શોભે ? અને પટારા ભરવાની તો કલ્પના પણ કેમ કરાય? એવું કરનારો વિમળ ઈન્સાન નથી, હેવાન છે હેવાન.'
વિમળને બધું ય આપી દેવું પડે તોય તેને વાંધો ન હતો, પણ આપીને વિમળ દાતા બને.. લોકો એને શેઠ કહે, કૃતજ્ઞતાના ભાર નીચે કોઈ દબાય... એ યાચક બને અને ઊભી બજારે વિમળને નમતો રહે.. એ તો એને ખૂબ જ અકળાવી મૂકે તેવી વાતો હતી.
આવો હતો વિમળશેઠ. ભરબજારે ઘેઘૂર વડલો ઊભો હોય તો થાક્યાપાક્યા સહુનો એ વિસામો બને. એની શીતળ છાંયડીમાં સહુ થોડી લહેજત માણી લે; મંદ મંદ વાતી પવનની બે લહેરઓ શ્રમિતના સંતાપને હરી લે; અને વડલાની ઓથ લઈને બેઠેલા-સૂતેલા સહુની દુઆ લઈને એ વડલો ય ઉનાળાના ધૂમ તાપ વચ્ચે