________________
વિરાગની મસ્તી
૮૩
‘ડોશીમા, વાર્તા સાંભળવા જ તલ્લીન બન્યાં દેખાય છે. માજી, વાર્તાની પાછળનું રહસ્ય વિચારતાં રહો છો કે નહિ ?''
ડોશી બોલ્યા, ‘‘દા’ જેટલું સમજાય તેટલું બરાબર વિચારું છું. હવે તમતમારે આગળ ચલાવો. અમારો રસ મરી જાય છે.’’
ગુરુદેવે વાત આગળ ચલાવી, “પણ આ તો ધાડપાડુની જાત! માર ખાય તો ય એની ડાગળી ઠેકાણે ન આવે. એ તો વધુ રોષે ભરાય અને ઝનૂની હુમલા કરવા કમર કસે.’'
મોહરાજને બધી વાતની ખબર પડી. વાત સાંભળતાં જ એ તો સમસમી ગયો. એનું મોં લાલચોળ થઈ ગયું. એ ક્રોધથી કંપવા લાગ્યો ! ત્યાં ઊભેલા સુભટો પણ એને જોઈને થરથરી ગયા!
‘ઓ માયકાંગલાઓ ! તમારામાં કાંઈ શૌર્ય જ નથી શું ? જાઓ, જોઈએ તેટલું સૈન્ય લઈ જાઓ અને ધર્મરાજના સૈન્યને સખ્ત પરાજય આપો. જાઓ, ઊભા શું રહ્યા છો ? ઠેઠ એની રાજધાનીમાં પહોંચી જાઓ. ધર્મરાજને જીવતો કેદ કરો. મારી સામે લાવી મૂકો. મારી વેરપિપાસા એનું લોહી પીધા વિના શાન્ત નહિ થાય. સાંભળતા નથી? જાઓ, હજુ ઊભા શું રહ્યા છો ?''
ખૂબ જ સ્વસ્થતા સાથે સેનાપતિ બોલ્યા, “મહારાજાધિરાજ! અમારી મુશ્કેલીઓ આપ સાંભળી લો. પછી આપ જેમ કહેશો તેમ કરવા અમે તૈયાર છીએ. ધર્મરાજની રાજધાનીની ચોમેર જે કલ્પલતાઓની ઝાડી છે તેમાંથી એવી કોઈક ગજબની સુવાસ નીકળે છે કે તે ગંધ ત્યાંના લોકોને તો બહુ જ આનંદ આપે છે પણ અમને તો તેનાથી ત્રાસ ત્રાસ થઈ જાય છે, એટલે ટેકરી ઉપર જવાની વાત તો અમારા માટે શકય જ નથી; રે! મેદાનમાં જઈને નવી કલ્પલતાઓનાં બીજ, થડ વગેરેને ઉખેડી નાંખવા માટે પણ અમારે ભારે જહેમત ઉઠાવવી પડે છે. રાજાધિરાજ! આપ તો સત્તાના સિંહાસને બિરાજેલા છો પણ એક વાર અમારી સાથે ત્યાં પધારો તો અમારી વાતની આપને પાકી ખાતરી થાય કે મેદાનમાં ફેલાએલી આછી પાતળી ગંધ પણ અમારા માટે કેટલી ત્રાસજનક બને છે! ત્યાં વસતા સગૃહસ્થો અને સંતો આ ગંધમાં શી મોજ માણતા હશે એ જ અમને તો સમજાતું નથી. હવે આ
વિષયમાં મહારાજાધિરાજ અમને જે કાંઈ આદેશ ફરમાવે તે અમને પ્રમાણ છે.’’
:
આ વાત સાંભળીને જરાક ઠંડા પડીને મોહરાજે કહ્યું, “વીર સુભટો! તમારી વાત તદ્દન સાચી છે. મારા જાસૂસો દ્વારા મને બધી વાતની બાતમી મળી ચૂકી છે.