________________
વિરાગની મસ્તી
[૧૪] સપ્તર્ષિના તારા તરફ દા'એ નજર નાખી અને અનુમાન કર્યું કે રાત બહુ વીતી ગઈ છે. આટલો સમય ક્યાં વીતી ગયો તેની કોઈને ખબર પણ ન પડી. દા' બોલ્યા, “ભાઈઓ, બહુ સમય થઈ ગયો. હવે આપણે થોડી જ વારમાં ઊઠીએ.''
બધા બોલી ઊઠ્યા, “ના. ના. ગુરુદેવ, આજે તો અમે જે આનંદ અનુભવીએ છીએ એ તો સાચે જ અવર્ણનીય છે. વિરાગી સંતો તો વિરાગની મસ્તી માણે જ પરંતુ અમે તો એ વિરાગની વાતો સાંભળીને પણ અપૂર્વ મસ્તીને અનુભવીએ છીએ.”
જુવાનોએ કહ્યું, “ગુરુદેવ, આપે તો અમારા જીવનમાં નવો જ પ્રકાશ પાથર્યો. આજે અમને ચોક્કસ લાગે છે કે યૌવન એ કાંઈ ભુલભુલામણી નથી પણ જીવનની ખિલવણી છે.”
દા'એ મનમાં વિચાર કર્યો, વિમળશેઠનો સ્વપ્નગત આદેશ મેં પાર ઉતાર્યો. અત્યારે કોઈના મોં ઉપર શોકની આછીપાતળી પણ છાયા જણાતી નથી. જાણે કે બધાય શેઠના શોકને વીસરી ગયાં છે અને વિરાગની નવી જ સૃષ્ટિમાં સહુ ઊતરી પડ્યાં છે.
જિનદાસ બોલ્યો, “ગુરુદેવ! જગતમાં ભોક્તા ન બનવું પણ દ્રષ્ટા બનીને રહેવું એ વાત તો આપે બહુ સુંદર કહી. હવે મને એ પ્રશ્ન થાય છે કે દ્રષ્ટા બનીને જીવન જીવનારા સંતો આજે પણ આ વિશ્વને પાવન કરતા હશે ખરા?'' સભામાં જે ગણગણાટ શરૂ થયો હતો તે શાંત થઈ ગયો. સહુ પાછા સ્વસ્થ થઈ ગયા. - દા'એ કહ્યું, “બેટા જિનદાસ! ધર્મરાજની ટેકરી ઉપર વિરાગની સુગંધીની મસ્તી માણતાં સંતો આજે પણ છે. મેં એવા અનેક સંતોને જોયા છે જેઓ આ વિશ્વથી વિરકત થઈને સદેવ પરમાત્મધ્યાનમાં લયલીન રહે છે. જે વિશ્વના પદાર્થોમાં આપણે મોહી પડ્યા છીએ તે પદાર્થો તરફ તો તેમને લેશ પણ આકર્ષણ હોતું નથી. બીજાના દુઃખની કલ્પનાએ સંતની આંખો રડી જાય છે! પુનઃ પુનઃ વંદન હો એ વિરાગી સંતોને! જ્યાં ભલભલા લપસી પડે ત્યાં સંત સ્વસ્થ રહી જાય.
ભાઈ, જીવનનું સાચું સુખ પણ તે વિરાગમાં જ છે ને? સંતો પાસે આપણી દુનિયાનું કોઈ સાધન નથી તેમ છતાં તેઓના સુખ આગળ આપણાં સુખ તો સુખ જ ન કહેવાય! ન આવે એમને મધુર ભોજનમાં રસ કે ન થાય એમને રૂપસુંદરીમાં રાગ; ન એમને સુંવાળા પટકુળમાં મોહ, કે ન મળે એમને કાયાની