________________
૬૦
વિરાગની મસ્તી
અને દયાપાત્ર જીવો તરફ ધ્યાન ન આપે; એમના પ્રત્યેની કરુણા-ભાવનાને પગ નીચે કચડી નાંખે તો એ માનવ જ કેમ કહેવાય કે જે એવા હજારો જીવોના લોહી પીને જ તગડો થયેલો છે. અનેકના જીવન જલાવીને આનંદ પામતો, અનેકોના જીવનોના આનંદની કબર ઉપર બેસીને મીઠાઈ ખાતો મત્ત માનવ જીવજગતનો અપરાધી ન કહેવાય?
જેને બીજા જીવોનું જીવત્વ દેખાતું નથી તેને આંખવાળો કેમ કહી શકાય?
જગતની અવદશા સાંભળીને જેની લાગણીમાં કોઈ આંદોલન જાગતું નથી તેને સહૃદય કેમ કહેવાય ?
એમના દુઃખ દૂર કરવા જે દોડી જતો નથી તેને પગવાળો કેમ કહેવાય?
દુ:ખના આંસુઓથી છલકાઈ ગયેલી કો'કની આંખોને જે લૂછતો નથી તે હાથવાળો કેમ કહેવાય?
ધિક્કાર હો એ ધનના ધનેરાઓને જેમની ધનલાલસા અને ભોગપિપાસા જીવના જીવત્વને પણ વીસરાવી દે છે !'
વિમળ મનોમન પોતાની દુનિયાને ધિક્કારવા દ્વારા આ રીતે પોતાની જાત ઉપર જ ભારોભાર ફિટકાર વરસાવી રહ્યો હતો.
માને લઈ આવવાની બાળકોની વારંવારની આજીજીઓએ વિમળના સંતાપની ભઠ્ઠીને જોશથી જગાથે રાખી. વિમળનો આત્મા એમાં શેકાતો જ રહ્યો. લોહી અને માંસ બળતાં ગયાં. કાયા કરતાં પણ વધુ સુકાઈ ગયું શેઠનું મન. હવે એમને સઘળી દુનિયા નીરસ લાગતી હતી. ક્યાંય ઉત્સાહ ન હતો. ક્યાંય કશુંય ગોઠતું ન હતું. કુદરતના ન્યાયાલયમાં વિમળ પોતાની જાતને પાંજરામાં ઊભેલા અપરાધી તરીકે જોતો હતો.
દા' રોજ વિમળ પાસે આવતા. શેઠના દેહ ઉપર ઝડપી વેગે થતી જતી વિસર્જનની પ્રક્રિયા નજરે ચડી જતી અને દા” નિસાસો નાંખી દેતા. એણે વિમળની લથડતી જતી કાયાને ઉગારી લેવા તમામ પ્રયત્નો કર્યા પણ બધું જ એળે ગયું. હૃદય ઉપર પડેલો એ કારી ઘા દૂઝતો જ રહ્યો.