________________
સૌ પ્રથમ આ ચાતુર્માસમાં ‘વાંચન આંદોલન' નામની એક નાની પુસ્તિકા પ્રકાશિત થઈ હતી. જેમાં ૨૯ વિશિષ્ટ પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો હતો. તેને જોઈને શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘને આવી જ એક વિસ્તૃત પુસ્તક બનાવવાનો વિચાર આવ્યો. જેમાં આનાથી પણ વધુ પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો હોય. તે વિચારમાંથી આ પુસ્તક તૈયાર થયું. આ વર્ષે શ્રી ગોવાલિયા જૈન સંઘમાં બુક-ફેસ્ટ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય પણ વધુમાં વધુ લોકોને પુસ્તક વાંચન તરફ આકર્ષિત કરવાનો છે. આ પુસ્તક તે ઉદ્દેશ્યને પૂરો કરવામાં સહાયક નીવડશે.
આ પુસ્તકમાં મુખ્ય ૨૬ વિષય સંબંધી કુલ ૪૫૦ પુસ્તકોનો પરિચય આપ્યો છે. જેમાં કેટલાંક પુસ્તકો એક થી વધુ ભાષામાં ઉપલબ્ધ છે અને કેટલાંક પુસ્તકોના એક થી વધુ ભાગ છે. તે બધું ગણતાં આ સંખ્યા ૪૫૦ થી ઘણી વધારે થાય છે.
સમય-સંજોગના અભાવે પ્રવચન શ્રવણ ન કરી શકાય તેવું બને પણ પુસ્તક વાંચન માટે સમયનો કે સ્થળનો બાધ નડતો નથી. કોઈપણ સમયે, કોઈપણ સ્થળે વાચક પુસ્તક વાંચન કરી શકે. દિવસમાં કમ સે કમ ૨૦-૨૫ મિનિટ પણ જો વાંચન થાય તો તેનાથી વાચકને અવશ્ય કાંઈકને કાંઈક લાભ થશે. વાચકો આ પ્રેરણા સૂત્ર બરાબર યાદ રાખે :
Give 20 Minutes in a day, Get change in your life.
"VIBRANT JAINISM-INCREDIBLE JAINISM"
તમે રોજ કમ સે કમ ૨૦ મિનિટ પુસ્તક વાંચન માટે ફાળવો. તમારા જીવનમાં તમે પરિવર્તન અનુભવશો જ તેની ગેરેન્ટી.
જૈન શ્રી સંઘમાં વાચકોની અને વિચારકોની સંખ્યામાં વધારો થાય તે માટે “વાંચન આંદોલન એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. જે દિવસે આપણે આહાર અને નિદ્રાની જેમ “સત્સાહિત્યવાંચન” ને પણ દૈનિક આવશ્યક કર્તવ્ય માનવા લાગીશું તે દિવસે આપણા ભાગ્યનો સૂર્યોદય થશે તે નકકી માનજો. પ્રસ્તુત પુસ્તક શ્રી સંઘમાં વાંચનપ્રેમ જગાડવામાં અને વધારવામાં નિમિત્ત બનો તેવી અંતરેચ્છા.
-આચાર્ય વિજય જગરસૂરિ