________________
=
એ જુદી વાત. બાકી તપ પૂરો થયો માટે પારણું કર્યું છે – એવું માનવાની જરૂર નથી. એ જ રીતે શ્રાવકપણાનો બધો જ આચાર સાધુપણું મેળવવા માટે કરવાનો છે. આથી જ તો આપણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું વાંચન શરૂ કર્યું છે. આ સૂત્રનું એક અધ્યયન પણ આપણને સાંભળવા - સમજવા મળે તો એ આપણું પરમ સદ્ભાગ્ય છે. જે સૂત્ર પરમાત્માએ સ્વમુખે ભાખ્યું છે તેનું અર્થશ્રવણ કરવાનો લહાવો મળે એ જેવું-તેવું સદ્ભાગ્ય છે ? ભલે આખા સૂત્રમાંથી એકાદ અધ્યયન કે એક ગાથા સાંભળવા મળે તો ય સ્વાદ આવે ને ? આખું દૂધપાકનું તપેલું મળે તો સ્વાદ આવે કે એક વાટકીમાં દૂધપાક મળે તોયે સ્વાદ આવે ? ભલે એકાદ અધ્યયન પણ સમજાય તો આપણું કામ થઇ જાય ને ? આ તો અમને પૂછવા આવે કે આમાં જેવો આચાર બતાવ્યો છે એવો આચાર તો તમે પાળતા નથી તો તેનો ઉપદેશ શા માટે આપો છો ? આપણે કહેવું પડે કે મારી પાસે એવું સત્ત્વ, શક્તિ કે ઉલ્લાસ નથી માટે પાળી નથી શકતો. એનો અર્થ એ નથી કે પ્રરૂપણા પણ શિથિલ કરવી. અમે જે કરીએ છીએ તે શાસ્ત્રમાં નથી લખ્યું, અમારે જે કરવાનું છે તે શાસ્ત્રમાં લખ્યું છે. આચરણા શક્તિ મુજબ ક૨વાની છે પણ પ્રરૂપણા તો શક્તિ મુજબની ન હોય, આજ્ઞા મુજબની હોય. તેથી તમારે સાધુના આચારમાં પડવાની જરૂર નથી.
સ૦ શ્રાવકને તો સાધુનાં મા-બાપ કહ્યાં છે ને ?
મા-બાપ બનવા પહેલાં દીકરા બનવાની જરૂર છે. આ તો વરસાદના દિવસોમાં સાધુની ગોચરી થઇ કે નહિ તેની ચિંતા કર્યા વિના બજારમાં જતો રહે. આને મા-બાપ કહેવાય ? મા પણ જમવાના સમયે દીકરાને શોધવા જાય. જ્યાં રમતો હોય ત્યાંથી કાન પકડીને લઇ આવે. એક હાથે કાન પકડે અને બીજે હાથે જમાડે તેને મા કહેવાય. આ તો બે હાથે અમારા કાન પકડે ! આને મા-બાપ ન કહેવાય. મા-બાપ તો તેને કહેવાય કે જેને દીકરા પ્રત્યે વાત્સલ્ય હોય. જેને સાધુ પ્રત્યે બહુમાન ન હોય તે મા-બાપ કઇ રીતે થઇ શકે ? સાધુસાધ્વીને માથે ગુરુ ન હોય તો તમારે તેમનાં મા-બાપ બનવા જવાનું. જેના માથે ગુરુ હોય, આચાર્ય
૧૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હોય તેનાં મા-બાપ થવાની જરૂર નથી. વરસાદમાં છત્રી કોને માથે ધરો ? જે પલળતો હોય તેના માથે કે જેના માથે છત્રી હોય તેના માથે ? તમને કોઇ આચારની શિથિલતા જણાય તો ગુરુને જણાવી દેવાનું. ગુરુને જે પગલાં લેવાં હશે તે લેશે. પછી તમારે માથું નહિ મારવાનું. આજના શ્રાવકોને મા-બાપની જ નહિ, ‘દાદા’ની ઉપમા આપવા જેવી છે. કારણ કે તેઓ રજા આપે તો જ અમને એમના સ્થાનમાં ઊતરવા મળે ! એ ના પાડે તો અમારે નીકળી જવું પડે ! અમારા ભગવાને સ્થાન માટે લડવાની ના પાડી છે, માટે અમે કશું બોલતા નથી. બાકી સિદ્ધાંત માટે લડ્યા વિના નહિ ચાલે. સિદ્ધાંતના ભોગે મહેલજેવા સ્થાનમાં પણ રહેવું નથી. સિદ્ધાંત માટે જરૂર પડે તો ઝાડ નીચે બેસીને પણ પ્રરૂપણા કરીશું. સ૦ સિદ્ધાંતની પ્રરૂપણા કરવા માટે પણ સ્થાન જોઇએ ને ?
સિદ્ધાંતની પ્રરૂપણા કરવા માટે શાસનમાં સ્થાન પામવાની જરૂર છે, બીજા કોઇ સ્થાનની જરૂર નથી. સાધુભગવંતે કોઇ સ્થાન ઉપર મૂંડાવ્યું નથી – એટલું યાદ રાખવું. સાધુ અને સાધુપણું ગમે નહિ ત્યાં સુધી મા-બાપ નહિ થવાય. જ્યાં સુધી શ્રાવકપણું જ ગમ્યા કરે ત્યાં સુધી સાધુપણા સુધી નહિ પહોંચાય. સાધુપણું ન ગમે ત્યાં સુધી સમ્યગ્દર્શન પણ મળતું નથી. સ૦ સાધુપણું ગમે નહિ ત્યાં સુધી ધર્મ ન કરવો ? પારણું ગમે, ત્યાં સુધી તપ ન કરવો ?
તમને ધર્મ કરવાની ના નથી પાડી, ધર્મ કરતી વખતે જે અવિરતિનો રાગ પડ્યો છે તે કાઢવાની વાત કરી છે. ધર્મ ખરાબ નથી, અવિરતિ ખરાબ છે. તપ ખરાબ નથી, પારણું ખરાબ છે. જે ખરાબ હોય તે કાઢવાની વાત હોય. અનીતિથી ધંધો ન કરાય એવું કહીએ તો તમે શું અર્થ સમજો ? ધંધો કરવાની ના પાડી છે કે અનીતિ કરવાની ના પાડી છે ? ત્યાં તો તરત કહેશે કે નીતિથી ધર્મ કરવાની ના નથી પાડી. અને અહીં કહે કે મહારાજે ધર્મ કરવાની ના પાડી છે ! તમે જ્યારે અમારી પાસે ધર્મ સમજવા આવો તો અમારી જવાબદારી છે કે તમને સાચો ધર્મ બતાવવો. શાસ્ત્રમાં કહ્યું છે કે જે આચાર્ય પોતાની પાસે આવેલા જીવોને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૫