________________ પૂર્વે પ્રાપ્ત કરેલી વિશુદ્ધ શ્રદ્ધાના બળે પડેલા સંસ્કારના યોગે બોધિની નિર્મળતા દ્વારા સંયમની સાધના વડે કેવળજ્ઞાનને ઉપાર્જે છે. અંતે હિતશિક્ષા આપી છે, આપણે લગભગ માનવાના નથી - એમ કહું ને ? અહીં કહે છે કે આ ચાર અંગને દુર્લભ જાણીને, માનીને સંયમનો સ્વીકાર કરવો જોઇએ અને સંયમ લઇને પણ ભારે પ્રકારના તપ વડે કર્મોને ધોઇ નાંખી શાશ્વત એવા સિદ્ધ બનવું જોઇએ. ચાર અંગની દુર્લભતા સાંભળીને દીક્ષા લીધા વિના નહિ ચાલે. આપણે તો આ બધું સાંભળીને જતા રહેવું છે ને ? સાધુ નથી થવું ને ? શાસ્ત્રકારો ચાર અંગને દુર્લભ કહે છે પણ આપણે તેને દુર્લભ નથી માનતા. આ દુર્લભ અંગો આપણને મળી ગયાં છે. તમને ત્રણ અંગો મળ્યાં અમને ચારે મળ્યાં છતાં કિંમત લગભગ સમજાઇ નથી, એવું જ આપણું જીવન છે ને ? ચાર ગતિમાંથી સ્વેચ્છાએ દુ:ખ ભોગવવાનો અવસર અને એ રીતે કર્મરહિત થવાનો અવસર એકમાત્ર આ મનુષ્યપણામાં - સાધુપણામાં છે. આ મનુષ્યપણામાં તેવીસ વિષયો ભોગવવાને બદલે બાવીસ પરીષહો ભોગવવા તૈયાર થયું છે. દીક્ષા લીધા પછી પણ પગ પહોળા કરીને નથી બેસવું. જે મળ્યું છે તે એવું પાળવું છે કે જે છૂટી ન જાય અને ફળની પ્રાપ્તિ સુધી પહોંચાડે. ભગવાન છેલ્લા ભવમાં મોક્ષ નિયત છે - એવું જાણવા છતાં અપ્રમત્તપણે પુરુષાર્થ કરતા હતા તો આપણે પ્રમાદ કેવી રીતે કરી શકીએ ? પૈસા આજે નથી મળ્યા તો કાલે મળશે, ઘાટી આજે નથી મળ્યો તો કાલે મળશે... પણ આ મનુષ્યપણું ને સાધુપણું ચાલ્યું જશે તો પાછું મળવું દુર્લભ છે - તેથી પૈસા વગેરેની ચિંતા છોડી સાધુપણાની ચિંતાથી તેને પામવા માટે પ્રયત્નશીલ બનવું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર