________________
વિરતિનું પાલન ઓછુંવધતું કરનારની નિંદા કરવાનું બનશે - આવો ભ્રમ મગજમાંથી કાઢી નાંખજો. સારામાં સારી ગાડીનું વર્ણન કોઇ કરે તો એ ગાડી લેવાનું તમને મન થાય કે જેની પાસે એવી ગાડી ન હોય તેની નિંદા કરવાનું મન થાય ? સાધુપણું આટલું સુંદર છે એ જેને સમજાય તેને સાધુપણું લેવાનું મન થાય ને ? કે જે સાધુપણું આ રીતે પાળતા ન હોય તેની નિંદા કરવાનું મન થાય ? તમારા વિચાર ચોવીસે ય કલાક સાધુપણાના આચારોથી પરિકર્મિત બને તે માટે આ વર્ણન છે. ભગવાનના શાસનનો સાર એકમાત્ર આ ચારિત્ર જ છે. આ ચારિત્રની વાત ગમે ને ? સ0 સાંભળવાની તો ગમે છે, પણ આચરવાની શક્તિ નથી.
એ પણ સાચું છે ? જો સાંભળવાનું ગમતું હોય તો અહીંથી પાછા જવું જ નથી. દુનિયામાં જે વસ્તુ સારી છે એવું સાંભળ્યું તેની પાછળ દોટ મૂકી ને ? તમારી શક્તિ અને તમારા સત્ત્વની તો કોઇ વાત થાય એવી નથી. પરણ્યા પછી કેટલી ઉપાધિ વધવાની છે એ ખબર હોવા છતાં તે નભાવવાની તૈયારી સાથે પરણ્યા ને ? ક્ષણિક સુખ ખાતર આખા ગામની ઉપાધિ માથે લીધી ને ? જો સંસારના નહિ-જેવા સુખ ખાતર પણ આટલું દુ:ખ વેઠવાની તૈયારી હોય તો મોક્ષ માટે સાધુપણાનાં દુઃખ તો આની સામે કોઇ વિસાતમાં નથી. સુધર્માસ્વામીજીએ પણ જંબુસ્વામીજીને કહ્યું હતું કે - આ સંસારનું સુખ તો ક્ષણિક છે, છતાં તેના માટે કેટલું બધું દુઃખ વેઠવું પડે છે, જયારે મોક્ષનું સુખ તો આના કરતાં અનંતગણું છે અને એની અપેક્ષાએ સાધુપણાનાં દુઃખો તો અનંતમાં ભાગે છે, આટલા દુ:ખમાં આઘાપાછા શા માટે થવું ? દુ:ખે તો પાપના ઉદયથી આવે છે, સાધુપણું લેવાના કારણે નહિ, શક્તિ નથી - આ તો અપ્રમાણિકતા છે. શક્તિ છે, પણ ફોરવતા નથી – આ જ વાસ્તવિકતા છે. શક્તિ સામે જોયા કરશો તો જિંદગીમાં ભક્તિ નહિ આવે અને ભક્તિ સામે નજર કરશો તો શક્તિ આપોઆપ આવશે. સ0 દીક્ષા ગમે, દીક્ષા લેનારા ગમે, દીક્ષા લેનારને માન આપવાનું
ગમે... આ કાંઇ ઓછું છે ? ૧૮૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આ બધું તમને વધારે લાગે છે – એ જ ખોટું છે. દીક્ષા લેવાનું ગમે એ જ પ્રામાણિકતા છે. તમારે ત્યાં આવું બોલો છો ખરા ? ધન ગમે છે, ધનવાન ગમે છે, ધનવાનને માન આપવાનું ગમે છે - એમ કહો કે કમાવા બેસી જાઓ ? જે કાંઇ તકલીફ છે તે શ્રદ્ધાની છે. અગ્નિ બાળે છે, પાણી ડુબાડે છે, વિષ મારે છે, આ શ્રદ્ધા જેવી છે – એવી સંસાર દાવાનલ છે' - એમાં નથી ને ? આ સંસારમાં બીજાને દુઃખ ન આપવું હોય તો પ્રામાણિકતા કેળવવી જ પડશે. આ તો બજારમાં ભાવ ગગડે તો ય નુકસાની વેઠવા તૈયાર ન થાય. સ0 વાણિયાનો દીકરો નુકસાનીનો ધંધો ન કરે !
વાણિયાનો દીકરો જ નુકસાની વહોરી લે પણ લુચ્ચાઇ ન કરે. આપણે પડીએ તો આપણને જ વાગે ને ? એ નુકસાની આપણે જ વેઠવી પડે ને ? આપણી નુકસાની આપણે જ વહોરી લેવાની. એમાં બીજાને ભાગીદાર બનાવવાની જરૂર નથી. આ તો લુચ્ચાઇ છે અને વાણિયાનો દીકરો લુચ્ચાઇ ન કરે.
આપણે જોઇ ગયા કે સાધુભગવંતો દરેક સામાચારી તે તે કાળે જ કરે. હવે કાળ ઉપર આટલો આગ્રહ શા માટે રાખવાનો ? તે માટે જણાવે છે કે જેમ ખેતી જે કાળે કરવાની હોય તે કાળે કરવામાં ન આવે તો તે ખેતી ફળદાયી બનતી નથી. તેમ અકાળે કરેલું અનુષ્ઠાન પણ ફળદાયી બનતું નથી. સવારે પ્રતિક્રમણ પણ સૂર્યોદયના સમયથી કલાક કે પોણો કલાક પહેલાં કરવાનું પ્રતિક્રમણ પડિલેહણ કર્યા બાદ છેલ્લે દાંડાની પડિલેહણ સૂર્યોદય વખતે આવે એ રીતે પ્રતિક્રમણ શરૂ કરવું. ચાર વાગે ઊઠ્યા પછી પણ સ્વાધ્યાય કરવાનો, પ્રતિક્રમણ કરવા નહિ બેસવાનું પ્રતિક્રમણ તો એના સમયે જ કરવાનું . સ0 ચાર વાગે પ્રતિક્રમણ કરીએ તો તે પ્રતિક્રમણ ન કહેવાય ?
તમને એક વાગે જમવાનું આમંત્રણ આપ્યું હોય ને તમે અગિયાર વાગે જાઓ તો જમણવારમાં હાજરી આપી કહેવાય ? ડૉક્ટરે જે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮૧