________________
ન
કરવા આવી ત્યારે મહાશતક શ્રાવકે અવધિજ્ઞાનથી તેની દુર્ગતિને જોઇને ‘હજુ કેટલાં પાપ કરવાં છે, અહીંથી સાત દિવસમાં મરીને નરકે જવાની છે’ આવું કર્કશ સ્વરે કહ્યું તો તે વખતે ભગવાને ગૌતમસ્વામી દ્વારા કઠોર ભાષાની આલોચના કરવાનું મહાશતક શ્રાવકને જણાવ્યું. ગુસ્સામાં સાચી વાત પણ ન કહેવાય. સાચી વાત કર્કશ સ્વરે ન જ કહેવાય. સાધુ હણાય તોય સંજવલનના પણ કષાયને આધીન ન થાય, મનમાં ય દ્વેષ ન ધરે. ઉપરથી તિતિક્ષા અર્થાન્ દીનતાને ધારણ કર્યા વિના સહન કરવું એ જ ભિક્ષુ - સાધુનો પરમધર્મ છે એમ સમજીને ક્ષમાધર્મને ધારણ કરે છે. ક્ષમાપૂર્વક દીન બન્યા વિના સહન કરવું - એ સાધુનો ધર્મ છે. આથી જ સાધુને ક્ષમાશ્રમણ કહ્યા છે. સાધુ પૂજાને પાત્ર બનતા હોય તો તે આ સહનશીલતાધર્મના કારણે જ બને છે. દુઃખની ફરિયાદ કરે - એ સાધુ ન હોય. આથી જ સાધુનાં અનેક વિશેષણો હોવા છતાં તેમના માટે ‘ક્ષમાશ્રમણ’ આ વિશેષણ બતાવ્યું છે અને એ સંબોધનપૂર્વક તેમને વંદન કરવાનું કહ્યું છે. ક્ષમાપૂર્વક સહન કરવું - એ જ સાધુપણું છે. કોઇને મારે નહિ અને કોઇ મારે તોપણ ક્ષમાપૂર્વક સહન કરી લેવું - એ સાધુનો ધર્મ છે. ઘણા પૂછવા આવે છે કે સાધુપણાનો અભ્યાસ ક્યાંથી પાડવો ? શાસ્ત્રકારો જણાવે છે કે ‘દીનતા વિના ક્ષમાપૂર્વક સહન કરવા માંડો' આ જ શરૂઆત છે. જે આખા ગામનું ક્ષમાપૂર્વક સહન કરવા સાધુ થયા હોય તે ગુરુની કે સહવર્તીની ફરિયાદ કરે - એ શોભે એવું છે ? જે ફરિયાદ કરવા આવે તેને પૂછવું પડે કે ‘તું કયા મોઢે આ ફરિયાદ કરે છે ?' દુ:ખ સહન કરવા આવેલા ક્યાં સુધી પહોંચી ગયા ? ગુરુની ફરિયાદ કરવા માંડ્યા : આ કઇ રીતે નભાવાય ? આજે નિયમ આપી દઉં કે કોઇની ફરિયાદ કરવી નહિ અને ઊંચે સાદે કોઇની સાથે બોલવું નહિ. આપણે બીજાનું અનુશાસન કરવા નથી બેસવું. આપણે ભગવાનનું નથી માન્યું તો બીજા આપણું માને એવો આગ્રહ કઇ રીતે રખાય ? આપણે માનવું નથી ને મનાવવું છે - એ તો કઇ રીતે બને ? આવા વખતે ઘરના લોકોનું અનુશાસન કરવા માટે સંસારમાં બેસવું એના કરતાં
૩૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આત્માનું અનુશાસન ક૨વા સાધુ થવું શું ખોટું ? કોઇ પાપ કરવું ન પડેઃ એવું આ જીવન છે. જે પાપ ન કરે, ભગવાનની આજ્ઞા માને તેનું નામ સાધુ. આપણે એક વાર ભગવાનનું કહ્યું માની લઇએ તો બીજા આપણું માને છે કે નથી માનતા તેનો વિચાર કરવાનો જ નહિ રહે. ઘરમાં રહ્યા હોઇએ તોપણ એક શબ્દ બોલવો નથી. કોઇ પૂછે કે ‘કેમ બોલતા નથી ?’ તો કહેવું કે ‘આ ઘરમાં બોલવાજેવું કશું રહ્યું નથી, હવે આ ઘર તો છોડવાજેવું છે. છોડી નથી શકતો માટે રહ્યો છું પણ હવે બોલવાજેવું કાંઇ છે જ નહિ’... આટલું તો બને ને ? ચરમસીમાના દુઃખમાં પણ અલ્પ કષાયની ય માત્રા ન હોય ત્યાં સુધી આપણે પહોંચવું છે.
અહીં ટીકામાં જણાવે છે ‘કોઇ તાડન કરે તો આંખો કાઢવી નહિ, ભ્રકુટિ ચઢાવવી નહિ, મુઠ્ઠી વાળીને ઊભા થવું નહિ, કંપતા શરીરે સામા ધસવું નહિ’... આ કાયાથી ગુસ્સો ટાળ્યો કહેવાય. ‘એ શું એના મનમાં સમજે છે...’ ઇત્યાદિ બોલવા દ્વારા વચનથી પણ ગુસ્સો ન કરવો. મનના ક્રોધને ટાળવાનું તો ગાથામાં જણાવ્યું જ છે. આવા વખતે આ ક્ષમાધર્મ એ ઉત્કૃષ્ટકોટિના સાધુધર્મના પાલન માટેનું ઉત્કૃષ્ટ કોટિનું સાધન છે – એમ સમજીને યતિધર્મનું ચિંતન કરવું. ધર્મની સાધનામાં ક્ષમા એ ઊંચામાં ઊંચું સાધન છે : એ રીતે વિચારીને યતિધર્મનું અથવા તો સામા માણસના સ્વભાવનું ચિંતન કરવું. અગ્નિનો બાળવાનો સ્વભાવ છે – એમ જાણ્યા પછી અગ્નિ બાળે ત્યારે ગુસ્સો આવે ખરો ? વસ્તુના સ્વભાવને જાણી લઇએ તો ગુસ્સો ન આવે ને ? તેમ સામાનો આક્રોશ કે વધ કરવાનો સ્વભાવ જ છે - એટલું વિચારીએ તો ક્ષમાધર્મ ટકી રહે ને ? સ૦ સારા સ્વભાવવાળા ગમે, ખરાબ સ્વભાવવાળા ન ગમે !
સારા સ્વભાવવાળા પ્રત્યે રાગ કરીને માર ખાઇએ છીએ અને ખરાબ સ્વભાવવાળા પ્રત્યે દ્વેષ કરીને માર ખાઇએ - એના બદલે આપણે બંન્ને સાથે સમભાવે રહેવું છે. રાગના કારણે પણ બંધાવું નથી અને દ્વેષના કારણે પણ બંધાવું નથી. મારા ગુરુમહારાજ કહેતા કે ધણીધણિયાણી પરસ્પરને કહે કે ‘કર્મના યોગે સંબંધથી બંધાયા છીએ હવે રાગથી નથી બંધાવું.' શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૭