________________
ન
પણ પાપ કરી ન બેસે તે માટે બે સાધુ કે સાધ્વીને સાથે ગોચરીએ જવાનું ફરમાવ્યું છે. આ આપણા ઉપર શંકા કરી છે એવું નથી, પાપથી છૂટ્યા પછી આપણે પાછા આ પાપના ભાગી બની ન જઇએ તેના માટેનું આ ચોકઠું ભગવાને બતાવ્યું છે. આ બંધન નથી, સુરક્ષાનું કવચ છે. સુખ મળે કે ન મળે પાપ ન આવવું જોઇએ : આ સ્થાયીભાવને સાચવવા માટેની આ મર્યાદા છે. આપણા પાપનું મૂળ એકાંત અવસ્થા છે.એક વાર બધા પંડિતો સભામાં ભેગા થયેલા ત્યારે રાજાએ પૂછ્યું કે ‘પાપનું કારણ શું ?' ત્યારે બધા પંડિતે પોતપોતાની રીતે જવાબ આપ્યો. તે વખતે મહાવિ કાલીદાસ કે જે શૃંગારરસના નિપુણ ગણાય છે તેમણે જવાબ આપ્યો હતો કે ‘બધા પાપનો બાપ એકાંત અવસ્થા છે.’ લોભ ગમે તેટલો હોય તોપણ ચાર માણસ જોતા હોય તો આપણે પાપ ન કરી શકીએ ને ? શાસ્ત્રમાં આથી જ સાધુભગવંતો ઓછામાં ઓછા પાંચ હોય અને સાધ્વીજી ઓછાંમાં ઓછાં સાત હોય તો તેને સમાપ્તકલ્પ કહેવાય છે. જેઓને પાંચ સાથે રહેવા ફાવતું નથી તેમનાં પાંચ મહાવ્રત સચવાય એ વાતમાં માલ નથી. આજે બે-બે ત્રણ-ત્રણ ઠાણાં છૂટા વિચરવા માંડ્યાં તેથી ક્ષેત્ર તો સચવાઇ જાય છે પણ સંયમ સચવાતું નથી. સાધુસાધ્વી પાપરહિત હોવા છતાં પાંચ કે સાત સાથે રહેવું જો ફરજિયાત હોય તો ગૃહસ્થપણામાં તો જેટલા સાથે
-
વધુ રહેવાય એટલું સારું – આટલું તો સમજાવવું નહિ પડે ને ? સાધુભગવંત ભાષાથી કે બોલવામાં પાપ ન બાંધી બેસે તે માટે વચનનો વિનય જણાવ્યા બાદ હવે સ્થાનમાં કે સ્થાનની બહાર રહેતી વખતે પણ પાપ લાગી ન જાય તે માટેનો આચાર હવે સમજાવે છે. જેને સમુદાયમાં રહેવાનું ફાવતું ન હોય તેના મહાવ્રતમાં શંકા પડ્યા વિના ન રહે. આપણે જ્ઞાની નથી માટે કહી ન શકીએ, પણ તેમનાં મહાવ્રતો વિશ્વસનીય ન બની શકે – એવું માનવું પડે ને ? આપણાં મહાવ્રતોની રક્ષા માટે ભગવાને આ સમાપ્તકલ્પ બતાવ્યો છે. આ તો ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવે તોય કહે કે બે કે ત્રણથી વધારે ન મોકલશો. આપણે કહેવું પડે કે ભાઇ ! પાંચથી ઓછા રહેવાની ભગવાને ના પાડી છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૮
સ૦ ચોમાસાના સ્થાનમાં પંદરવીસ સાધુસાધ્વી હોય અને બીજાં ક્ષેત્રો ખાલી હોય !
હોસ્પિટલમાં પંદરવીસ ડૉક્ટરોની ટીમ હોય અને નાના ગામડાઓમાં કોઇ ડૉક્ટર ન હોય તો શું કરવું ? ગામડાના લોકોએ હોસ્પિટલમાં આવવું - ખરું ને ? તો નાના ક્ષેત્રવાળા લોકો ચોમાસામાં સાધુસાધ્વી જ્યાં રહેલા હોય ત્યાં આરાધના કરવા, ભણવા આવી જાય તો ચાલે ને ? મારા ગુરુમહારાજ આમાંથી દીક્ષા પામ્યા. મુરબાડથી મુંબઇમાં આચાર્યભગવંત જ્યાં રહેલા હતા ત્યાં ગાથા લેવા આવતા. અઠવાડિયે આ રીતે ગાથા લેવા-આપવા જતા. એંશી કિલોમીટર દૂર પણ ભણવા આવતા. આ તો પોતાના ફ્લેટના ઉપાશ્રયમાં રહેલાં સાધુસાધ્વી પાસે પણ વંદન કરવા કે ભણવા જવા રાજી ન હોય, ક્યાંથી દીક્ષા મળે ? તેમણે મુંબઇ-મુરબાડના ફેરા કર્યા તો જન્મમરણના ફેરા ટાળવાનું સાધન મળી ગયું. આ તો ફ્લેટમાંથી લિફ્ટમાં નીચે ઊતરે અને લિફ્ટમાંથી સીધો ગાડીમાં બેસે, વચ્ચે ઉપાશ્રય આવે જ નહિ. ક્યાંથી ધર્મ પામે ? આ તો બિલ્ડરોએ પોતાના ફ્લેટ ખપાવવા દેરાસર બંધાવી આપ્યું છે. બાકી તો એમાં ય શંકા પડે કે દેરાસરની ધજા પડે તો ધનોતપનોત નીકળી જશે. સ૦ એવું તો ખરું ને ?
આ તો દેરાસર અત્યંત નજીકમાં હોય અને ઘરના છોકરાઓ વગેરે આશાતના કરી ન બેસે તે માટે ધજાની છાયાના વર્જનની વાત હતી. બાકી ભગવાન કે દેરાસરની ધજા આપણને દુ:ખી કરે - આવી વિચિત્ર માન્યતા કઇ રીતે મગજમાં ઘાલી છે ?
સ૦ ભગવાનના દર્શનથી અને ધજાના દર્શનથી સરખું પુણ્ય બંધાય ને ?
તમે પાછું પુણ્ય બાંધવાની વાત ક્યાંથી લાવ્યા ? તમને પુણ્ય ઉપર આટલો બધો પ્રેમ કેમ છે ? આપણે તો કહેવું છે કે ભગવાનના નામસ્મરણમાત્રથી પણ કર્મોની નિર્જરા થાય છે. આપણે પુણ્ય ભેગું નથી કરવું, નિર્જરા સાધવી છે. ચારિત્રમોહનીયની નિર્જરા કરે ત્યારે શ્રાવકને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૯