________________
૩૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૩-૪ ભાવાર્થ
જેઓનું ચિત્ત સંસારના ભાવો પ્રત્યે અત્યંત રાગવાળું છે અને કોઈક રીતે ધર્મ કરવા અભિમુખ થયા છે, તેથી ધર્મની ક્રિયાઓ કરે છે પરંતુ આ ધર્મની ક્રિયાઓ કઈ રીતે કરવાથી આત્માનું હિત થાય છે તેવું જાણવાની પણ જિજ્ઞાસા નથી. તેઓનું મન મોહથી અત્યંત વાસિત છે અને તેઓ ધર્મની જે ક્રિયાઓ કરે છે તે બાહ્ય અને અંતરંગ બંને રીતે જિનવચનને અનુસરનારી નથી. લોકો જે પ્રમાણે પૂજાદિ કે પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરે છે તે રીતે માત્ર તેઓ ક્રિયાઓ કરે છે. પરંતુ મોક્ષસુખ કેવું છે તેનું સ્વરૂપ તેમણે જાણ્યું નથી અને જાણવાને અભિમુખ ભાવ પણ થયો નથી, તેથી જ મોહના પરિણામથી સર્વથા રહિત એવા મોક્ષસુખને અનુરૂપ ઉપશમભાવ પ્રગટે તે રીતે લેશ પણ ક્રિયાઓ કરતા નથી. ફક્ત સંસારના ઉપાયોમાં અતિરાગ છે અને તેના જોરથી ક્રિયાઓ કરે છે, તેવા જીવોની ક્રિયાઓ જ્ઞાન વગરની છે અને તે ક્રિયાઓ કર્મબંધ કરાવીને સંસારના ફળને આપનારી છે. II3II અવતરણિકા :
જેઓ લોકપંક્તિથી ક્રિયાઓ કરે છે તેઓની ક્રિયાઓ કેવી અસાર છે તે બતાવે છે –
ગાથા :
કામકુભસમ ધર્મનું રે, ભૂલ કરી ઈમ તુચ્છ રે;
જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતરુગુચ્છ રે. પ્રભુ ! ૪ ગાથાર્થ :
કામકુંભ સમાન એવા ધર્મના મૂળને ઈમ આ પ્રમાણે લોકપંક્તિથી ક્રિયાઓ કરીને, તુચ્છ કરે છે, તેઓ તે ક્રિયાઓથી કેવળ જનરંજન પ્રાપ્ત કરે છે અર્થાત્ લોકમાં આ ધર્મી છે તેવી ખ્યાતિ માત્રને પ્રાપ્ત કરે છે, પરંતુ મોક્ષરૂપી વૃક્ષના ગુચ્છ જેવા અંતરંગ સુખને પ્રાપ્ત કરતા નથી. ll૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org