________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧૧
૧. અવિતથકથન : શ્રાવક ઠગવાની બુદ્ધિથી ધર્મને અધર્મ કે અધર્મને ધર્મ કહે નહિ, પરંતુ યથાર્થ ધર્મ મધુર ભાષાથી બોલે. વળી, ધન અર્જનાદિના વ્યવહારમાં પણ સાચું-ખોટું બોલે નહિ, પરંતુ જે વસ્તુ જેવી હોય તેવી યથાર્થ કહીને વ્યાપારાદિની પ્રવૃત્તિ કરે. કોઈક પ્રસંગે કોઈની સાક્ષી તરીકે કથન કરવું હોય તોપણ ખોટું કહે નહિ. વળી, ધર્મના રાગી એવા ભાવશ્રાવક ધર્મની ગ્લાનિ થાય તેવું વચન બોલતા નથી.
૨. અવંચકક્રિયા : શ્રાવક કોઈને ઠગવાનું કારણ ન બને તે પ્રકારે મનવચન-કાયાની ક્રિયા કરે. તેથી વ્યાપાર વાણિજ્યમાં સારા માલ સાથે ખરાબ માલ ભેળ-સેળ કરે નહિ.
૩. પાતિક પ્રકટન : ઋજુવ્યવહારી શ્રાવક વ્યવહારાદિમાં પાપની પ્રવૃત્તિઓથી કે બીજાને ઠગવાની પ્રવૃત્તિથી કેવા પાપો થાય છે તે પોતાના આશ્રિત એવા પુત્રાદિની આગળ પ્રગટ કરે છે, જેથી તેઓને પણ ખોટું કાર્ય કરવાનું મન થાય નહિ.
૪. મૈત્રીપ્રિયા : ઋજુવ્યવહારી શ્રાવક બધા સાથે મિત્રની જેમ વ્યવહાર કરે પરંતુ કોઈની સાથે કપટથી વ્યવહાર કરે નહિ.
અહીં વિશેષ એ છે કે ઋજુ વ્યવહારી એટલે કપટ વગરનો વ્યવહાર અને તેવો વ્યવહાર આ ચારેય ભાવોમાં છે. જેમ અવિતથકથનમાં કપટ વગરનું કથન શ્રાવક કરે છે, અવંચકક્રિયામાં કપટ વગરની ક્રય-વિક્રયાદિ ક્રિયા કરે છે અને પરિવારને પણ કપટવાળી પ્રવૃત્તિઓથી શું અનર્થો થાય તે પ્રકારના પાપનું પ્રકાશન કરે છે. તેમાં પણ અકપટ ભાવરૂપ ઋજુવ્યવહારનો પક્ષપાત વર્તે છે અને મૈત્રીપ્રિયામાં પણ બધા સાથે ઠગ્યા વગર મિત્રની જેમ વ્યવહાર કરે એવો ઋજુભાવ વર્તે છે.
ઋજુવ્યવહારના આ ચાર ભાવો બીજા યોગ્ય જીવોને બોધિબીજની પ્રાપ્તિના ફળવાળા છે અને જેઓ ઋજુ વ્યવહારી નથી તે શ્રાવકો બીજા જીવોને અબોધિબીજની પ્રાપ્તિના કારણ બને છે તેથી પોતાને પણ અબોધિબીજ પ્રાપ્ત થાય છે અને પોતાનો સંસાર વધે છે. [૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org