________________
યોગ્યતા સ્વરૂપ અનાદિપારિણામિક ભાવ ભવ્યત્વ છે અને કાળ તથા નિયતિ વગેરે કારણસામગ્રીના યોગે વિચિત્ર પરિણામને પામેલું ભવ્યત્વ તથાભવ્યત્વ છે. આ તથાભવ્યત્વ-વિશેષના કારણે જ બીજ(યોગબીજ), તેનો પ્રરોહ અને ફળ વગેરેની સિદ્ધિ થાય છે. અન્યથા માત્ર ભવ્યત્વને જ કારણ માનવામાં આવે અને તથાભવ્યત્વને કારણ માનવામાં ન આવે તો ભવ્યત્વસ્વરૂપ યોગ્યતા સમાન જ હોવાથી બધા જ શ્રી તીર્થંકરપદાદિને પ્રાપ્ત કરનારા બનશે. પરંતુ આવું બનતું નથી.
આશય એ છે કે ભવ્યત્વ સમાન હોવા છતાં સહકારી કાલાદિ કારણસામગ્રીના સમવધાનના કારણે ફળની પ્રાપ્તિમાં વિષમતા થાય છે. તેથી તથાભવ્યત્વ માનવાની આવશ્યક્તા નથી-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ભવ્યત્વ તુલ્ય હોતે છતે સહકારી કારણો પણ તુલ્ય જ હોવાં જોઈએ અને તેથી બધાને ફળ પણ એકસરખું જ મળવું જોઈએ. પરંતુ એવું બનતું ન હોવાથી સહકારીઓમાં વિશેષતા માનવી જોઈએ અને તેના માટે તથાભવ્યત્વ પણ માન્યા વિના ચાલે એવું નથી. આથી સમજી શકાશે કે સબોધિથી યુક્ત એવા આત્માઓમાં યોગ્યતાવિશેષ છે; કે જેને લઈને પરંપરાએ તેમને શ્રી તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકરપણાની પ્રાપ્તિનું કારણ યોગ્યતાવિશેષસ્વરૂપ તથાભવ્યત્વ છે... ઈત્યાદિ વિચારવું જોઈએ. ૧૫-૧૩
S88288