________________
વિદ્યા-ઉપાસનાને માર્ગે અંતર્મુખ થયેલું મન આત્મા તરફ વળ્યું અને સુખલાલ વિદ્યા-ઉપાસનાને માર્ગે વળ્યા. પોતાની જિજ્ઞાસાને સંતોષવા તેઓ સાધુ-સાધ્વીઓ અને સંતો-ફકીરોનો સત્સંગ કરવા લાગ્યા. આ સત્સંગનું પરિણામ બે રીતે લાભકારક આવ્યુંઃ એક બાજુ ધર્મશાસ્ત્રોના અભ્યાસથી પ્રજ્ઞામાં વૃદ્ધિ થતી જતી હતી; બીજી બાજુ વ્રતો, નિયમો અને તપને માર્ગે જીવન શીલસંપન્ન બનતું જતું હતું.
વિ. સ. ૧૯૫૩થી ૧૯૬૦ સુધીનો છ-સાત વર્ષનો આ સમય સુખલાલના જીવનમાં સક્રાંતિનો સમય બની ગયો. એ સમય દરમિયાન એક વાર એક મુનિરાજના સંગથી મન અવધાનના પ્રયોગો શીખવા તરફ વળ્યું. એકીસાથે પચીસ, પચાસ કે સો વાતો યાદ રાખીને બધાના કડીબદ્ધ જવાબો આપવા એ કેવું અદ્ભુત ગણાય ! પણ થોડા વખતમાં જ સુખલાલને લાગ્યું કે આ પ્રયોગ ન કેવળ વિદ્યોપાર્જનમાં બાધક છે, પણ એથી તો બુદ્ધિમાં વંધ્યત્વ અને જિજ્ઞાસામાં શિથિલતા આવે છે; અને તરત જ એમણે મનને શાસ્ત્રઅભ્યાસમાં પરોવી દીધું. આજે પણ કોઈ અવધાન શીખવાની વાત કરે છે તો પંડિતજી સ્પષ્ટ કહે છે કે બુદ્ધિને વંધ્ય અને જિજ્ઞાસાને કુંઠિત બનાવી દેવી હોય તો એ માર્ગે જજો.
આ જ રીતે એક વાર સુખલાલનું મન મંત્રતંત્ર તરફ ગયું. નવરાશ તો ઘણી જ હતી, અને નવા નવા બૌદ્ધિક પ્રયોગો કરવાની હિંમત પણ હવે આવી ગઈ હતી. એમને થયું : જેથી સર્પનું ઝેર ઊતરી જાય કે ઈષ્ટની સિદ્ધિ થાય એવા પ્રયોગો સિદ્ધ કિરીએ તો શું ખોટું ? પણ થોડા અનુભવે જ એમને સમજાઈ ગયું કે એમાં સત્યાંશ જે કાંઈ હો તે હો, પણ મોટે ભાગે તો એ બધું હંબગ જ છે; અને એથી કેવળ અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમનું જ પોષણ થાય છે. ખરો મંત્ર તો અખંડ બ્રહ્મચર્ય છે. અને તરત જ તેઓ જ્ઞાનના માર્ગે લાગી ગયા.
વિ. સં. ૧૯૬૦ સુધીમાં લીમડી જેવા ગામમાં જે કંઈ જ્ઞાનોપાર્જન થઈ શકે એટલું થઈ ગયું. અર્ધમાગધી ભાષાના આગમ તેમ જ બીજા ગ્રંથો વાંચી-વિચારીને મુખપાઠ કરી લીધા. અનેક સંસ્કૃત રચનાઓ અને રાસાઓ, સ્તવનો, સક્ઝાયો જેવી સંખ્યાબંધ ગુજરાતી કૃતિઓ કંઠસ્થ થઈ ગઈ. હવે નવું કશું ત્યાં મળી શકે એમ ન લાગ્યું. બીજી બાજુ શાસ્ત્રજ્ઞાનને વ્યવસ્થિત કરવું હોય તો સંસ્કૃત ભાષાનું પૂરું જ્ઞાન મેળવ્યા વગર ન ચાલે એ પણ સમજાયું. સારસ્વત વ્યાકરણ તો પૂજ્ય લાધાજી સ્વામી અને તેમના વિદ્વાન શિષ્ય પૂજ્ય ઉત્તમચંદજી સ્વામી પાસે ભણી લીધું જ હતું, પણ એથી સંતોષ કેમ થાય ? અને સંસ્કૃતના વિશિષ્ટ અધ્યયનને માટે લીમડી જેવા ગામમાં બીજી સગવડ પણ શી મળે? – સુખલાલનો આત્મા તલસાટ અનુભવી રહ્યો. પણ હવે કરવું શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org