________________
ભગવાન બુદ્ધ અને મહાવીર ૫ લઈને ભગવાન મહાવીરના અંતિમ ભવમાં જે કેટલીક ઘટનાઓ ઘટે છે તેનો કર્મબંધ અને તેના ફળના નિયમને અનુસરીને, ખુલાસો કરવા પ્રયત્ન કર્યો છે. આમાં મુખ્ય ઉદ્દેશ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંત કર્મનિયમની ભગવાન મહાવીરના ચરિત દ્વારા સમજ આપવાનો છે. કર્મનો નિયમ એ સકલ જીવને ઈશ્વરની અધીનતામાંથી છોડાવી સ્વાધીન કરે છે. આ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંતની આસપાસ તેમની જીવનકથાનું નવીન ઘડતર લેખકે કર્યું છે.
અને હવે સંપ્રદાય સસ્થિર થયો હોઈ અને તેના નેતા એ સામાન્ય માનવી નહીં, પણ વિશિષ્ટ હતા તે બતાવવા ટાણે કટાણે જીવનકથામાં દેવોને ભગવાનના સેવકો અને પૂજકો તરીકે ચીતર્યા છે. આનો ઉદ્દેશ પણ એ જ છે કે ભગવાન મહાવીરનો જે મૂળ આધ્યાત્મિક સંદેશ હતો તૃષ્ણાત્યાગનો તે પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું અને બતાવી આપવું કે જે દેવોને માનવો બાહ્ય સંપત્તિ અર્થે પૂજે છે તે તો આ ભગવાન મહાવીર, જે આત્મિક સંપત્તિનું વિતરણ કરે છે તેમના દાસ છે. તો બાહ્ય અને આત્મિક એ બન્ને પ્રકારની સંપત્તિઓમાં આત્મિક સંપત્તિ જ ચડિયાતી ઠરે છે. એથી પૂજવા હોય તો તીર્થકરને જ પૂજવા, જેની પૂજા આ લોકમાં પૂજાતા દેવો પણ કરે છે.
ભગવાન બુદ્ધની જીવનકથા આ બીજા સ્તરમાં જાતકપ્રધાન બની ગઈ છે. એટલે કે તે કાળમાં લોકજીવનમાં સત્કૃત્યોનો મહિમા દર્શાવતી જે કાંઈ કથાઓ પ્રચલિત હતી તે સૌનો યથાયોગ્ય વિનિયોગ કરીને બુદ્ધના પૂર્વભવ સાથે બોધિસત્ત્વના જીવન સાથે સાંકળી લેવામાં આવી છે. ભગવાન બુદ્ધ બુદ્ધ બનતાં પહેલાં દાન, કરુણા, મૈત્રી, ક્ષમા, સહનશીલતા, પ્રજ્ઞા આદિ ગુણોને ક્રમે કરી કેમ વિકસાવ્યા અને અંતે બુદ્ધ કેવી રીતે થયા એ બતાવી આપવાનો એ જીવનકથાનો ઉદ્દેશ છે. ભગવાન મહાવીરની કથાની જેમ આમાં પણ દેવોનું આગમન એ જ ઉદ્દેશોને સ્વીકારી વર્ણવવામાં આવ્યું છે.
બીજી રીતે વિચારીએ તો ભગવાન મહાવીર અને બુદ્ધની આ બીજા સ્તરની જીવનકથા એકબીજાની પૂર્તિરૂપ બની ગઈ છે. કર્મનો નિયમ અચળ છે. એ બન્નેમાં નિર્દિષ્ટ હોવા છતાં મહાવીરકથામાં તે નિયમને ઉઠાવ આપવામાં આવ્યો છે અને આત્મવિકાસના ક્રમમાં જે જે આવશ્યક ગુણો હોય તેનો વિકાસ કેવી રીતે કરવો તેનો ઉઠાવ બુદ્ધકથામાં છે. બન્નેનું એ સામાન્ય તત્ત્વ તો છે જ કે ક્રમે કરી વિકસિત થઈને જ આત્મા તીર્થંકર યા બુદ્ધ બને છે. તે અનાદિ કાળથી સ્વયંસિદ્ધ નથી હોતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org