________________
૨૮
કર્મનો સિદ્ધાંત
જે જે ક્રિયમાણ કર્મો કરે તે એવી કુશળતાપૂર્વક કરે કે કર્મો કદાપિ સંચિતમાં જમા થાય જ નહિ, અને તેથી તે ભવિષ્યમાં નવા દેહના બંધનમાં નાખે નહિ. બસ, આવી કુશળતાપૂર્વક કર્મ કરવું તેનું જ નામ યોગ. એટલે ગીતામાં ભગવાને યોગની વ્યાખ્યા કરી કે “યોગ: કર્મસુ કૌશલમ્'.
ક્રિયમાણ કર્મ ઉપર જણાવ્યા પ્રમાણે કુશળતાપૂર્વક કરે તેનું જ નામ યોગ. ૧૮. પરંતુ કોઈ કર્મ જ ના કરીએ તો.. :
કોઈ દલીલ કરે કે હું જીવનકાળ દરમિયાન કોઈ કર્મ જ ના કરું તો પછી કર્મ સંચિત કર્મમાં જમા થવાનો સવાલ જ રહે નહિ અને તેને પાકીને પ્રારબ્ધરૂપે ભોગવવાનો પણ પ્રશ્ન રહે નહિ. તેથી તે ભોગવવા દેહ ધારણ કરવો પડે નહિ. એટલે આપોઆપ મોક્ષ થાય અને દેહથી મુક્ત થવાય. આ દલીલ બરાબર નથી. માણસ કર્મ કર્યા સિવાય તો રહી શકે જ નહિ.
ભગવાન ગીતમાં સ્પષ્ટ કહે છે કે – ન હિ કશ્ચિત્ ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત
(ગી૩/૫) શરીરયાત્રાડપિ ચ તે ન પ્રસિદ્ધયેતુ અકર્મણઃ || (ગી. ૩૮).
કોઈ પણ માણસ એક ક્ષણ પણ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. તે કર્મ ના કરે તો તેની શરીરયાત્રા અટકી પડે. નાહવું, ધોવું, ખાવું, પીવું, ઊઠવું, બેસવું, બોલવું, સૂઈ જવું, ઊંઘવું, જોવું, શ્વાસોચ્છવાસ લેવા, જીવનનિર્વાહ માટે નોકરી-ધંધો કરવો, શરીરસ્વાથ્ય માટે કસરત વગેરે અનેક કાર્યો કરવા જ પડે છે, એટલે કર્મ તો જન્મથી મરણ સુધી કરવાં જ પડે છે. પરંતુ ક્રિયમાણ કર્મ કરવામાં એણે એવી રીતે કુશળતાપૂર્વક કર્મો કરવાં જોઈએ કે જેથી તે કર્મો તાત્કાલિક ફળ આપીને શાંત થઈ જાય અને તે સંચિત કર્મોમાં જમા થવા પામે નહિ. તો જ તે કર્મોને લાંબે ગાળે ભવિષ્યમાં પ્રારબ્ધરૂપે ભોગવવા બીજું શરીર ધારણ ના કરવું પડે. માટે જ માણસે એવાં ક્રિયમાણ કર્મો કરવાં જોઈએ કે જેથી તે સંચિતમાં જમા થાય નહિ. ૧૯. કયાં ક્રિયમાણ કર્મો સંચિતમાં જમા થતાં નથી?
નીચે જણાવેલ કર્મો સંચિતમાં જમા થતાં નથી : (૧) અબુધ દશામાં કરેલાં કર્મો. (૨) અભાન અવસ્થામાં કરેલાં કર્મો. (૩) મનુષ્યતર યોનિમાં કરેલાં કર્મો. (૪) કર્તાપણાના અભિમાન સિવાય કરેલાં કર્મો. (૫) સમષ્ટિના કલ્યાણ માટે કરેલાં કર્મો (૬) નિષ્કામ કર્મો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org