Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 83
________________ ૭૮ કર્મનો સિદ્ધાંત તે જ પ્રમાણે બાલ્યાવસ્થામાં ભણવું તે માણસનું સ્વકર્મ–નિયતકર્મ–સ્વધર્મ છે, ગૃહસ્થાશ્રમમાં નોકરી, ધંધો, વેપાર કરીને ન્યાયનીતિથી દ્રવ્ય ઉપાર્જન કરવું, સ્ત્રીપુત્રાદિકનું પાલનપોષણ કરવું અને સમાજના અન્ય આશ્રમવાસીઓની સેવા કરવી તે તેનું નિયતકર્મ છે. એવી જ રીતે વાનપ્રસ્થ અને સંન્યાસીના સ્વકર્મ, સ્વધર્મ, નિયતકર્મ નક્કી થયેલાં છે અને તેમણે તે તે સ્વધર્મ, સ્વકર્મ નિષ્ઠાપૂર્વક ઈશ્વરપ્રીત્યર્થ કરવાનાં છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના પણ સ્વધર્મ શાસ્ત્રોમાં નિયત થયેલા છે. માતા-પિતા, પુત્ર, પતિ-પત્ની દરેકે પોતપોતાની મર્યાદામાં રહીને સ્વકર્મ, સ્વધર્મ, નિયતકર્મમાં વિક્ષેપ કરવાનો નથી અગર તો પોતાનો સ્વધર્મ બદલવાનો નથી. શિયાળામાં ગરમ કપડાં પહેરવાં તે સ્વધર્મ છે. ઉનાળામાં ઠંડક રહે તેવો આહાર કરવો, ઠંડક રહે તેવાં કપડાં પહેરવાં તે સ્વધર્મ છે. ચોમાસામાં છત્રી ઓઢવી તે સ્વધર્મ છે. સવારમાં દાતણ કરવું, શૌચક્રિયા કરવી, બપોરે નોકરી-ધંધો-વેપાર વગેરે નિયત કર્મ કરવાં. રાત્રે ભગવત્ સ્મરણ વગેરે કરવું. આવી રીતે દરેક ઋતુમાં, સમયમાં, કાળમાં, અવસ્થામાં, સ્વધર્મ બદલાતો જાય તે પ્રમાણે દેશ, કાળ, પરિસ્થિતિનો ખ્યાલ રાખીને દરેક માણસે પોતાનાં સ્વધર્મ–સ્વકર્મ–નિયતકર્મ અવશ્ય કરવાં જોઈએ. ૩૦. (૧) પાપ છડેચોક કરો - પુણ્ય ચોરીછૂપીથી કરો: ચોરી એક કળા છે. નૈતિકતાની દૃષ્ટિએ વિચાર ના કરીએ તો ચોરી એક જબરદસ્ત અઘરી કળા છે. ચોરીનો અર્થ એ છે કે એવી રીતે કાંઈક કરવું કે સંસારમાં ક્યાંય કોઈને કશી પણ ખબર ના પડે. ખબર પડી જાય તો ચોર ડફોળ કહેવાય. મારા ઘરમાં ચોર પેસે છે. ધોળા દિવસે પુષ્કળ અજવાળામાં પણ જે ચીજ મને ખોળવી મુશ્કેલ પડે તે રાત્રે અંધારામાં અને તે પણ અજાણ્યા ઘરમાં જરા પણ અવાજ કર્યા વગર ચોર તે વસ્તુને ખોળી કાઢે છે અને મને તેની ખબર પણ પડતી નથી અને જે ચોર કદાચ તેની કશીક નિશાની મૂકતો જાય તો ચોર હજુ કાચો છે, શિખાઉ છે તેમ ગણાય. હજુ તે પાકો ચોર ન ગણાય. એવી જ રીતે પરમાત્માનો પ્રકાશજ્ઞાન મેળવવું તે પણ એક પ્રકારની અલૌકિક ચોરી છે. જો કોઈને ખબર પડી જાય કે તમે સત્યની ખોજમાં છો તો તે ખબર પડી જવી તે પણ સત્યની ખોજમાં બાધકરૂપ છે. જિસસ ક્રાઈસ્ટ કહે છે કે તમારો ડાબો હાથ શું કરે છે તે તમારા જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ અને તમારી પ્રાર્થના પણ એટલી મૌન હોવી જોઈએ કે પરમાત્મા સિવાય બીજા કોઈને તે સંભળાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110