________________
જૈન ઈતિહાસ
૧૦૫
નથી. ત્યારે પુરોહિતે કહ્યું કે, આ બાબતનો મારે રાજા પાસે જઈ રાજસભામાં નિર્ણય કરવો છે, એમ કહી તે દુર્લભસેન રાજા પાસે ગયો, અને ત્યાં ચૈત્યવાસીઓ પણ આવ્યા. પછી તે પુરોહિતે રાજાને વિનંતી કરી કે, હે રાજન્ ! આ નગરમાં બે ઉત્તમ જૈનમુનિઓ પોતાને સ્થાન નહીં મળવાથી મારે ઘેર પધાર્યા છે, તેઓ મહાગુણી હોવાથી મેં તેઓને રહેવા માટે સ્થાન આપ્યું છે; પરંતુ આ ચૈત્યવાસી યતિઓએ પોતાના માણસોને મારે ઘેર મોકલી તેઓએ નગરની બહાર નીકળી જવાનું કહેવરાવ્યું છે. તે સાંભળી નીતિવાન્ દુર્લભરાજાએ જરા હસીને કહ્યું કે, મારા નગરમાં જે ગુણી માણસો દેશાંતરથી આવીને વસે છે, તેઓને કોઈ પણ અટકાવી શકે તેમ નથી; તો આવા મહાત્માઓને અહીં ન વસવા દેવા માટે શું પ્રયોજન છે ? ત્યારે ચૈત્યવાસીઓ બોલી ઊઠ્યા કે, હે રાજન્ ! પૂર્વે શ્રી વનરાજ નામના જે મહાપરાક્રમી રાજા અહીં થયેલા છે, તેમને બાલ્યપણામાં ચૈત્યવાસી શીલગુણસૂરિજીએ આશ્રય આપી પોષ્યા હતા; અને તે ઉપકારના બદલામાં વનરાજે સંપ્રદાય વિરોધના ભયથી આ નગ૨માં ફક્ત ચૈત્યવાસીઓએ જ રહેવું, અને બીજા શ્વેતાંબર જૈનસાધુઓએ અહીં રહેવું નહીં, એવો લેખ કરી આપ્યો છે. અને તેથી અમે તેમને અહીં વસવા માટે મના કરીએ છીએ; અને આપે પણ આપના તે પૂર્વજોની આજ્ઞા પાળવી જોઈએ ત્યારે રાજાએ કહ્યું કે, અમારા પૂર્વજોની આજ્ઞા અમારે પાળવી જ જોઈએ, તે વાજબી જ છે, કેમ કે આપ જેવા મહાત્માઓની આશિષથી અમારા જેવા રાજાઓ ઋદ્ધિવાળા થાય છે, અને ટૂંકામાં કહીએ તો આ રાજ્ય જ આપનું છે, તેમાં કંઈ પણ સંદેહ નથી. વળી તમે પણ જૈનમુનિઓ છો, તો મુનિઓનો આચાર શું છે ? તે સાંભળવાની મને ઇચ્છા છે, અને તે આચારમાં જો આ બંને મુનિઓનું વિરોધીપણું માલુમ પડે, તો તેઓએ આ નગરમાં રહેવું નહીં; એમ કહી તે દુર્લભસેન રાજાએ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org