________________
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી
૨૭
ઉપાધ્યાય મહારાજ દાર્શનિક વિષયના પારદ્રષ્ટા હતા, તેમણે જૈન દર્શનનાં તત્ત્વને નવ્યન્યાયની શૈલીમાં રજૂ કર્યાં છે. જૈન દર્શનશાસ્ત્રમાં તેમ જ અધ્યાત્મ-યોગમાં પણ એમનું અર્પણ બહુ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આવિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા એવા જ ક્રિયાવાદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને શ્રી સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે મહાન્ પૂર્વાચાર્યોનું સ્મરણ કરાવે છે.
જૈન તત્ત્વમીમાંસાને નવ્ય શૈલીમાં રજૂ કરવાનો ભગીરથ પ્રયાસ :
મિથિલામાં ૧૨મી સદીમાં ગંગેશ ઉપાધ્યાય નામના મહાપંડિત થઈ ગયા. તેમણે ન્યાયદર્શનનાં લક્ષણોની અવચ્છેદક-અવિચ્છિન્નની નવી શૈલી દ્વારા સમાલોચના કરી અને લક્ષણોમાં રહેલ ક્ષતિઓનું નિવારણ કરી સંપૂર્ણ વ્યાખ્યા રજૂ કરી. આથી જ તેઓ નવ્યન્યાયના જનક ગણાય છે. અને તેમણે તત્ત્વચિંતામણિ નામના પ્રૌઢ ગ્રંથની રચના કરી. આ શૈલીની વિશિષ્ટતા ને સૂક્ષ્મતાને કારણે તે ધીરે ધીરે વધુ ને વધુ પ્રચલિત બનતી ગઈ અને ન્યાયદર્શન ઉપરાંત અન્ય દર્શનના વિદ્વાનોએ પણ આ શૈલી અપનાવી પોતપોતાના દર્શનના ગ્રંથોની રચના નવ્યશૈલીમાં કરવા લાગી ગયા હતા. આટલું જ નહિ પરંતુ અન્ય વિદ્યાશાખાઓમાં પણ શૈલીનો પ્રચાર થઈ ચૂક્યો હતો. ન્યાયદર્શન સિવાય સાહિત્ય, કાવ્ય, વ્યાકરણ વગેરે શાસ્ત્રો પણ નવ્ય શૈલીમાં રચાવા લાગ્યાં હતાં. અર્થાત્ સમગ્ર ભારતમાં આ શૈલી પ્રચલિત થઈ ચૂકી હતી. પરંતુ હજુ જૈન દર્શનના ગ્રંથો આ શૈલીમાં રચાયા ન હતા. નવ્યશૈલીનો અભ્યાસ કરવા માટે સહુ પ્રથમ ન્યાયદર્શનનો અભ્યાસ કરવો પડતો હતો. જૈન દર્શનને માથે એક મહેણું હતું કે જૈન દર્શનના ગ્રંથો નવ્યશૈલીમાં લખાયા નથી. આ મહેણાને ભાગવાનું શ્રેય ઉપા યશોવિજયજીને જાય છે. તેઓએ જૈન દર્શનના પદાર્થો અને પ્રમાણનાં લક્ષણોને દર્શનની મર્યાદામાં રહીને નવ્ય શૈલીમાં રચ્યાં.
શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદકલ્પલતા નામની ટીકામાં તેમણે નવ્યન્યાયનો પ્રચુર માત્રામાં ઉપયોગ કર્યો છે. આ ટીકાગ્રંથ તેમની પ્રૌઢ રચના છે. તેમાં તમામ દર્શનોની ખૂબ જ સૂક્ષ્મતા સાથે સમાલોચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org