________________
પ્રસ્તાવના
૧૫
૩. આનંદવર્ધન-જીવન, સમય, ગ્રંથો.
આનંદવર્ધનના જીવન વિશે ખાસ કંઈ જાણવા મળતું નથી. તેમની કૃતિ દેવી શતક’ના શ્લોક-૧૦૧ પરથી તેમના પિતાનું નામ ‘ભટ્ટ નોણ’ હતું એમ જાણવા મળે છે. કલ્હણની ‘રાજતરંગિણી’માં નીચે મુજબ એક શ્લોક મળે છે. मुक्ताकणः शिवस्वामी कविरानन्दवर्धनः । प्रथां रत्नाकरश्चागात्साम्राज्येऽवन्तिवर्मणः || १
અવન્તિવર્મા ઈ.સ. ૮૫૫ થી ૮૮૩ સુધી રાજ્ય કરનાર કાશ્મીરી રાજા હતા. એ ઉપરથી કહી શકાય છે કે આનંદવર્ધન કાશ્મીરનિવાસી બ્રાહ્મણ પરિવારના હતા અને રાજા અવન્તિવર્માના સમકાલીન તથા તેમના કૃપાપાત્ર હતા. તેમણે અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યુ હતું.
આનંદવર્ધનનો સમય ચોકસાઈપૂર્વક કહી શકાય તેમ છે. તેમની સાહિત્યિક પ્રવૃત્તિનો સમય ઈ.સ. ૮૬૦ થી ૮૯૦ વચ્ચેનો છે. એક બાજુ આનંદવર્ધને ઉદ્ભટના મત ‘ધ્વન્યાલોક'માં ઉધૃત કર્યા છે, (ઉદ્ભટનો સમય ઈ.સ. ૮૦૦ લગભગ), તો બીજી બાજુ રાજશેખરે (સમય આશરે ૯૦૦ ઈ. સ.) આનંદવર્ધનને ઉષ્કૃત કરેલ છે. તેને આધારે આનંદવર્ધનનો સમય ઈ.સ. ૮૫૦ની આસપાસનો નક્કી માની શકાય તેમ છે.
આનંદવર્ધનની પ્રતિભા બહુમુખી હતી. કાવ્યશાસ્ત્રના અપૂર્વ મેધાવી આચાર્ય હોવા ઉપરાંત તેઓ કવિ અને દાર્શનિક પણ હતા. ‘ધ્વન્યાલોક’ ઉપરાંત ‘અર્જુન ચરિત’, ‘વિષમબાણલીલા', 'દૈવીશતક' તથા તત્ત્વાલોક' વગેરે ગ્રંથોની તેમણે રચના કરી છે. તેમાં ‘અર્જુનચરિત’ અને ‘વિષમબાણલીલા'નાં અનેક સંસ્કૃત, પ્રાકૃત શ્લોકો તેમણે ‘ધ્વન્યાલોક’માં ઉદ્ધૃત કરેલ છે. ‘દેવીશતક’માં ચમક, શ્લેષ, ચિત્રબંધ વગેરેનો ચમત્કાર બતાવવામાં આવ્યો છે. તેમણે ‘ચિત્રકાવ્ય’ને, કાવ્યશ્રેણીથી કેમ બહિષ્કૃત ન કર્યું એ આ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે. ‘તત્ત્વાલોક’ દર્શન ગ્રંથ છે. અભિનવગુપ્તે ‘લોચન’ ટીકામાં આ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. આ બધામાં ‘ધ્વન્યાલોક' ઉત્તમ ગ્રંથ છે. આ ગ્રંથો પૈકી, ડૉ. રામસાગર ત્રિપાઠી જણાવે છે તેમ, દૈવીશતક’‘કાવ્યમાલા'(નં. ૯)માં પ્રકાશિત થયું છે, ‘વિષમબાણલીલા’ અને ‘અર્જુનચરિત’ ક્યાંય મળતાં નથી.
૧. કલ્હણ-રાજતરંગિણી-૫/૩૪.
૨. M. M. Kane P. V. The date of Anandavardhan can he settled with great precision...The period of his literary activity is between 860-890 A. D. Hist. of SK, Poetics. p. 202.
૩. ડૉ. રામસાગર ત્રિપાઠી સંપતિ ધ્વન્યાતો-પ્રાથન પૃ. ૮.