________________
(૨) બુદ્ધિનું સ્વરૂપ
૧૫ પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ એ પરિણામને જોઈ શકે ને ?
દાદાશ્રી : હા, હા, પરિણામને જોઈ શકે. એ જોઈ શકે માટે બુદ્ધિ કહેવાયને ! અને નિર્ણય, નિશ્ચય લઈ શકે કે, ના, આમ જ કરવું છે. એટલે બુદ્ધિ જોઈ શકે છે. પણ બુદ્ધિ જોવા કરતાં વધારે કામ કરે છે, નિર્ણય કરે છે કે આ કરવું કે નહીં. એ ‘યસ' (હા) કહે તો બધાનું કામ થાય.
એટલે બુદ્ધિ શું કામ કરે છે ? ફક્ત ડિસિઝન આપે છે કે ભાઈ, આમ કામ કરી જ નાખો. એ છેવટે જો તમારા પાપનો ઉદય હશે તો બુદ્ધિ જે ડિસિઝન આપશે ને, એ તમને નુકસાન થાય એવું આપશે અને પુણ્યનો ઉદય આવશે, તો બુદ્ધિ જે ડિસિઝન આપશે તે લાભદાયી થશે. એ ઉદય, તમારાં પુણ્ય ને પાપ ચલાવે છે. બીજું, ભગવાન કોઈ આને ચલાવનાર છે નહીં. પુણ્ય અને પાપનાં ફળ છે. જે ‘વ્યવસ્થિત શક્તિ’ હું કહું છું ને, તે આ ફળ અપ્યા કરે છે.
આપણા લોકો બુદ્ધિને બુદ્ધિની રીતે સમજતાં નથી અને બધું બાફે છે. જે ડિસિઝન આપે છે તે બુદ્ધિ. કોઈ માણસ, જે ડિસિઝન જલદી આપનારો હોય તો જાણવું કે આ મોટામાં મોટો બુદ્ધિશાળી છે. ગમે તેવાં સ્ટેજમાં, હમણાં લાખ કેસ હોય, તો લાખનાં તરત ડિસિઝન આપી દે તો આપણે જાણવું કે આ મોટામાં મોટો બુદ્ધિશાળી. અને તે ગૂંચાયો તો જાણવું કે બુદ્ધિ ઓછી છે કે નથી.
આપણે અહીં તો લોક શું ઝાલી પડ્યા છે કે જાતજાતની ટ્રીકો ને એ બધું આવડતું હોય ને, એને આપણા લોકો બુદ્ધિશાળી માને છે. નથી એ બુદ્ધિ ! બુદ્ધિ તો હંમેશાં નિર્ણય જ કર્યા કરે. તરત નિર્ણય લે એને બુદ્ધિશાળી કહેવાય, છતાં ટ્રીક એકુય ના આવડતી હોય. એટલે બુદ્ધિ તો આ લોકો સમજ્યા જ નથી ! એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે બુદ્ધિનું કામ શું ? ત્યારે ડિસાઈડ કરવું. ચોક્કસ ડિસિઝન લઈ લેવું. ગમે તે જાતના પ્રશ્નો ઊભા થાય, પણ ડિસિઝન લેવું તે બુદ્ધિનું કામ અને અહંકારની સહી.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પરીક્ષણ બુદ્ધિતું તે નિરીક્ષણ ‘પોતાનું' ! પ્રશ્નકર્તા : સારું-નરસું એનો વિવેક દેખાડે, પારખ શક્તિ હોય એ બુદ્ધિ કહેવાય ?
દાદાશ્રી : હા, એટલે કંઈ આ પ્રકાશ આપે. કોઈ પણ જાતનો પ્રકાશ અને તેમાં આપણે પારખી શકીએ, તો એ બુદ્ધિ કહેવાય. અને જે આપણને ડિસાઈડ કરવાનું શીખવે, બુદ્ધિ ડિસિઝન આપે. પણ પારખ થાય તો ડિસિઝન આપેને ? પારખ્યા વગર શી રીતે ડિસિઝન આપે ? ત્યારે બુદ્ધિની આગળ પ્રકાશનું બીજું હથિયાર કોઈ હશે ખરું ?
પ્રશ્નકર્તા : હોય ને. આ મનુષ્ય જન્મની જો મોટામાં મોટી દેણ હોય તો આ નિરીક્ષણ શક્તિ જ છે ને ?
દાદાશ્રી : હા, બીજા કોઈનામાં એ નથી. પણ નિરીક્ષણમાં બુદ્ધિ નથી, પરીક્ષણમાં બુદ્ધિ છે.
પરીક્ષણને આમાં લેવાદેવા નહીં. પરીક્ષણ તો આ જગતમાં શક્તિઓ છે ને, એ પરીક્ષણ શક્તિઓ છે. આપણામાં નિરીક્ષણ શક્તિ છે. પરીક્ષણ શક્તિ તો બધે જ્યાં ને ત્યાં વપરાયા કરવાની ને પરીક્ષણમાં બુદ્ધિ વપરાયા કરે. હમણે દુધી લેવા ગયા હોય ને, તો દૂધીને નખ માર માર કરે, પરીક્ષા કરે બીજું કશું અંદર કાપીને જોતો નથી અને પછી કહેશે, પૈડી છે. એવું કહે કે ના કહે ? શાથી ?
પ્રશ્નકર્તા : એ નિરીક્ષણ પરીક્ષણમાં પરિણમ્યું ?
દાદાશ્રી : ના, નિરીક્ષણ તો આમાં આવતું જ નથી. આ તો પરીક્ષણ કરે છે. ભીંડાને આમ કરીને ડીંટા તોડી કહેશે, “પૈડા છે.” પરીક્ષણ કરે. નિરીક્ષણ શબ્દ બહુ ઊંચો છે.
એ તાણે મોશનમાંથી ઈમોશનલ ભણી...
હવે હું તમારી જોડે જે વાત કરું છું ને, એ બુદ્ધિના અભાવવાળો માણસ છું અને તમે બુદ્ધિશાળી છો, બેનો મેળ શી રીતે પડે છે ?