________________
૯૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કચકચ કર્યા કરે. બુદ્ધિએ જે ઘડીએ કામ કર્યું કે કચકચ ચાલુ થઈ જાય એને, કકળાટ શું કામ કરે છે, આપણે ના કહીએ ? વળી તું તો સાસુની સાસુ છે, આપણે ક્યાં સુધી મેળ રાખ્યા કરીએ ?
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ વગર તો ચાલે નહીં ?
દાદાશ્રી : એવું છે ને, કાં તો આ લાઈટ હોય તો ચાલે ને આ લાઈટ ના હોય તો પેલું અજવાળું જોઈએ. દીવો જોઈએ કે ના જોઈએ ? ત્યારે બુદ્ધિ એ દીવા જેવું છે. અમે જ્ઞાન આપ્યું છે, તો આવું જે સળગેલું હોય તો પેલાની જરૂર નથી અને આ ના હોય તો પેલાની જરૂર છે. બે દીવા કોણ રાખી મેલે ? અત્યારે કોઈ મીણબત્તી સળગતી હોય તો અહીં આગળ પેલું તરત હોલવી નાખે ને ? અને ના હોલવી નાખે તો પેલો શું કહે ? અલ્યા, પેણે મીણબત્તી જોતો નથી, આને હોલવી નાખને, એવું કહે કે ના કહે ?
જેમ ‘વેલકમ' કહેવાથી આ બુદ્ધિ રાજીખુશીથી આવે છે તેમ ‘રાંડ' કહેવાથી એ તો ચીડ ચડાવીને જતી રહે. એનો વાંધો નથી આપણને.
અબુધ થવામાં ફાયદો છે. આ લાઈટ ને પેલું લાઈટ, બે લાઈટ સાથે ના રખાય. જો આ ના હોય તો પેલું લાઈટ કામનું.
આપણને સવારના પહોરમાં ચાનું કંઈ ઠેકાણું ના પડતું હોય ત્યાં કોકે અરધો કપ આપ્યો, ત્યાં બુદ્ધિ ઊભી થાય કે, “અરધા કપમાં શું પીવાનું ? આમ છે તેમ છે', ત્યારે આપણે કહીએ કે, ‘રાંડ, આટલી ચા પીવા દે ને મને. આટલીય જંપીને પીવા નથી દેતી ? કઈ જાતની આ છે.” અરે, મહાપરાણે અરધો કપ પીવા મળ્યો છે, તે કંઈ ગળે તો ઉતરવા દે, એ જંપીને પીવા દે તો કેવું સરસ લાગે ? અરધો કપ તો અરધો કપ, જેટલો પીધો એટલો તો દિમાગ ઠેકાણે આવે ને ? પણ તે ય ના, મોઢે લગાડતા પહેલાં જ અપશુકન કરે. હપૂચો ના પીધો હોય એના કરતાં અરધો મળે તો દિમાગ પાંસરું ના થાય ?
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
પ્રશ્નકર્તા : બુદ્ધિ દેખાડે આ અરધો કપ, પછી આવું જે ટકટક કરે ને, તે મન કરે ?
દાદાશ્રી : બુદ્ધિ સળવળી, કે મનને સળવળાટ મળી ગયો. પછી મન કચકચ કરે, અરે મૂઆ, આવી સરસ ચા છે ! દૂધ-ખાંડ જુદાં છે, ચા જુદી છે, ચા કિંમતી છે પણ પેલું પીવે નહીં અને દિમાગ બગાડી નાખે. પહેલેથી જ અપશુકન બોલે, હંસ, અરધા કપમાં શું પીવાનું? મરગાંડિયા, અપશુકન કયાં ! તે ઘડીએ આપણે ફરી વળીએ ને, લાકડી લઈને ! પહેલાં એવું થતું'તું ને ?
પ્રશ્નકર્તા : આવું જ થતું.
દાદાશ્રી : અમારે એવું ના હોય. અમારે તો અરધો આવે તો કહીએ, “ચાલ બા, વ્યવસ્થિત છે ને. અરધો તો મળ્યો ને ?” કચકચ કરે તો આપણે એને કહેવામાં શું જાય છે ? એને “રાંડ' કહીએ તો વાંધો નહીં. એ ક્યાં દાવો માંડવા જવાની હતી ? પણ રાંડ કહીએ ને, એટલે સમજે કે આપણું અપમાન કરે છે. આપણો હવે રોફ પડતો નથી. પહેલા તો આવી બુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારે “આવો, વેલકમ', વેલકમનાં બોર્ડ મારી રાખ્યાં હોય.
ટાઈમિંગ, બુદ્ધિના ડખાતા ! એટલું બધું લશ્કર બેસી ગયું છે મહીં.
પ્રશ્નકર્તા : વિપરીત બુદ્ધિ જે પેસી ગઈ છે ને, એ નેગેટિવ થોટ્સ (વિચાર) પણ લાવે છે અને ઈમોશનલ પણ કરાવી દે છે.
દાદાશ્રી : હા, તેથી અમે કહીએ છીએ ને, “બેસ બા, બેસ. તું અમને સલાહ ના આપીશ. તારી સલાહ માનીને સંસારમાં બાવા બનાવ્યા. સંસારમાંય જંપીને બેસવા ના દીધા.”
પ્રશ્નકર્તા: હજી વિપરીત બુદ્ધિનો ડખો કેમ ચાલ્યા કરે છે ? દાદાશ્રી : એ ચાલ્યા જ કરે ને, જ્યાં સુધી એની સત્તા છે ત્યાં સુધી.