________________
અનેકાંત અમૃત
વિભાગ
૧
વિડીયો પ્રવચન નં. ૧૯૩, સળંગ પ્રવચન નં. ૧ સમયસાર પરિશિષ્ટના શ્લોક નં. ૨૪૦ તા. ૨૫/૧૧/૮૯
-
શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે એની ૪૧૫ ગાથાની આત્મખ્યાતિ નામની ટીકા પૂરી થઈ. હવે આચાર્ય ભગવાન એક પરિશિષ્ટરૂપે વધારાનું સ્વતંત્રપણે વ્યાખ્યાન કરે છે. પાનું ૬૦૭ છે. પરિશિષ્ટ મથાળુ. અહીં સુધીમાં ભગવાન કુંદકુંદઆચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રઆચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યા.
હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ, તેથી કોઈ તર્ક કરશે કે ‘જૈનમત તો સ્યાદ્વાદ છે તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતું નથી ? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી ? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ એ બંને કઈ રીતે ઘટે છે ?' એક જ જ્ઞાનમાં એટલે એક જ આત્મામાં એમ લેવું, પર્યાયમાં નહીં, એક જ પર્યાય ઉપાયરૂપે અને ઉપેયરૂપે એમ નથી. એક જ જ્ઞાનમાં એટલે એક જ આત્મામાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ એ બંને કઈ રીતે ઘટે છે, આમ તર્ક કોઈને થશે માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્ય હવે પરિશિષ્ટરૂપે થોડુંક કહે છે તેમાં આ પ્રથમ શ્લોક કહે છે.
બોલો શ્લોક.
(અનુષ્ટુન)
अत्र स्याद्वादशुद्धयर्थ वस्तुतत्त्वव्यवस्थितिः ।
उपायोपेयभावश्च मनाग्मूयोऽपि चिन्त्यते ॥ २४७ ॥
શ્લોકાર્થ :- અહીં સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે, એટલે શું કહે છે ? સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે એટલે અનેકાંતથી, સ્યાદ્વાદથી તો જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ થઈ ગયો છે. પણ હવે સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે વસ્તુતત્ત્વની વ્યવસ્થા-પદાર્થનું જ્ઞાન, આત્માનું જ્ઞાન જેને થાય છે એને પદાર્થનું જ્ઞાન થાય છે આખા પદાર્થનું. વસ્તુતત્ત્વની એટલે પદાર્થની વ્યવસ્થા. અને એક જ જ્ઞાનમાં એટલે એક જ આત્મામાં ઉપાયપણું એટલે સાધકપણું અને ઉપેયપણું એટલે સાધ્યપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા ઉપાય ઉપેયભાવ જરા ફરીને પણ વિચારવામાં આવે છે.