________________
૬ ૬
અનેકાંત અમૃત
નવિભાગ - ૨ સળંગ પ્રવચન નં -૫
તા. ૧-૮-૯૦
જીવતત્ત્વ સામાન્ય એ અબદ્ધતત્ત્વ છે, ત્રિકાળ મુક્ત છે. એને કર્મનો સંબંધ થતો નથી. અને એ કર્મના ઉદયમાં કોઈ કાળે જોડાતો નથી. એ તો પરમાત્મા પરમાત્માપણે કાયમ માટે આત્મા બિરાજમાન છે. હવે એને એક સામાન્ય ઉપયોગ પ્રગટ થાય છે એ ઉપયોગ પણ એક અપેક્ષાએ શુદ્ધ છે અને એક અપેક્ષાએ સ્વચ્છ પણ છે. અત્યારે આપણે સ્વચ્છની મુખ્યતાથી વાત લઈએ છીએ. શુદ્ધ એટલા માટે છે કે કોઈ કાળે એને કર્મનો સંબંધ થયો નથી. જેમ જીવને થયો નથી એમ સામાન્ય ઉપયોગ થયો નથી. માટે તે અપેક્ષાએ તેને શુદ્ધ પણ કહેવામાં આવે છે. - હવે એ ઉપયોગ છે બીજા બોલમાં. પહેલો જ્ઞાયકભાવ છે, બીજો ઉપયોગ પ્રગટ થાય છે સામાન્ય, એમાં જાણવું જાણવું જાણવું જ, કોને જાણવું અને કોને ન જાણવું એ એમાં નથી. એમાં બે ક્રિયા છે. જાણે પણ છે અને પરિણમે પણ છે એવી બે ક્રિયા તેને સમય કહેવામાં આવે છે. હવે આ બે વાત થઈ.
હવે એક ત્રીજી વાત છે એમાં, કે એ ઉપયોગ પ્રગટ થાય છે. એમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે, સમયે સમયે પ્રતિભાસ થવા છતાં પણ એ તો અનાદિ અનંત ઉપયોગ જેવો છે તેવો જ છે, શુદ્ધ નિર્મળ છે. એમાં કોઈપણ પ્રકારનો ડાઘ આવતો નથી. અથવા શેયકૃત અશુદ્ધતા એને લાગુ પડતી નથી. એ તો પ્રતિભાસ થાય છે પરપદાર્થનો એની સ્વચ્છતામાં. એ ત્રીજો બોલ છે.
સ્વ અને પર એમાં સ્વપરની વ્યાખ્યા કરતાં કુંદકુંદ ભગવાન એમ કહે છે કે અર્થવિકલ્પ જ્ઞાનમ્ પ્રમાણમ્ - અર્થ એટલે સ્વ અને પર એના વિભાગપૂર્વક આખું જે વિશ્વ એના આકારોનું એટલે એના સ્વરૂપનું જે અવભાસન એટલે પ્રતિભાસ થાય છે, તેનું નામ જ્ઞાન છે. આ ત્રીજો બોલ છે.
એક જ્ઞાયકભાવ છે, ઉપયોગ પ્રગટ થાય છે અને એ ઉપયોગમાં પોતાનો આત્મા, પોતાનો આત્મા કેવો જણાય છે? જણાય છે એટલે કે પ્રતિભાસ થાય છે કે પોતાના આત્માની ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણકાળની પર્યાય સહિતનો આત્મા એમાં પ્રતિભાસ થઈ ગયો છે. નિગોદના પરિણામ પણ પ્રતિભાસે છે. સાધક થવાનો છે એના પરિણામ પ્રતિભાસે અત્યારે અને મોક્ષની પર્યાય થવાની છે એનોય પ્રતિભાસ અત્યારે થાય છે. એમ