Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
થાય છે. લિપિનું જ્ઞાન ભગવાન ઋષભદેવથી ચાલુ હતું. પ્રજ્ઞાપના સૂત્રમાં પુસ્તક લેખનને આર્યશિલ્પ કહ્યું છે. અર્ધમાગધી અને બ્રાહ્મી લિપિનો પ્રયોગ કરનાર લેખકને ભાષાર્ય કહ્યા છે. ઠાણાંગ સૂત્રમાં ગંડી, કચ્છવી, મુષ્ટિ, સંપુટ ફલક, સુપાટિકા, આ પાંચ પ્રકારના પુસ્તકોનો ઉલ્લેખ છે. બૌદ્ધ સાહિત્યમાં પણ લેખનકળાનું વિવરણ છે. વૈદિક સાહિત્યમાં લેખનકળા સંબંધી અનેક સૂચન છે.
આ રીતે અતીતકાળથી જ ભારતમાં લખવાની પરંપરા દરેક ક્ષેત્રમાં અને દરેક યુગમાં હતી પરંતુ જૈનાગમોને કે અન્ય ધર્મગ્રંથોને લખવાની પરંપરા ન હતી. કારણ કે ધર્મગ્રંથો – શાસ્ત્રોને કંઠસ્થ કરવા, કરાવવાની યોજનાબદ્ધ સુવ્યવસ્થા ચાલતી હતી.
કાલાંતરે સ્મૃતિની અલ્પતા અને વિસ્મૃતિના પ્રસંગો ઉપસ્થિત થતાં વીરનિર્વાણ દસમી શતાબ્દીના અંતે પ્રખ્યાત જૈનાચાર્ય શ્રી દેવર્ધ્વિગણિના નેતૃત્વમાં સર્વ સંઘે મળીને આગમનું વ્યવસ્થિત સંકલન, સંપાદન અને લિપિકરણ કર્યું. તે સંકલન, સંપાદન અને લિપિકરણમાં (૧) ભગવાન મહાવીર પછીની ૧૦૦૦ વર્ષની ઘટિત થયેલી કેટલીક ઘટનાઓનો સમાવેશ આગમમાં કરી લેવામાં આવ્યો. (૨) આગમોમાં જ્યાં જ્યાં સમાન આલાપકોનું વારંવાર પુનરાવર્તન હતું, તે આલાપકોને સંક્ષિપ્ત કરી, એક બીજાની પૂર્તિ માટેના સંકેત એકબીજા આગમોમાં કરવામાં આવ્યા. (૩) આવશ્યકતા અનુસાર કેટલાક આગમો પૂર્વજ્ઞાનના આધારે સંકલિત કરી, રચના કરવામાં આવ્યા. જેમ કે નંદીસૂત્ર, ઉપાંગ સૂત્રો વગેરે. વર્તમાનમાં જે આગમોની રચનાકાળનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તે આગમોની રચના દેવર્ધ્વિગણિના તે આગમ લેખનના સમયે હોવાની અધિક સંભાવના છે. આ રીતે વર્તમાન ઉપલબ્ધ આગમ દેવર્ધ્વિગણિની વાચના, સંકલના કે રચના કહેવાય છે. ત્યાર પછી તે પ્રકારની સામૂહિક અધિકારપૂર્ણ વાચના કે સંકલન થયા નથી, લેખન પરંપરા, નકલ (copy) પરંપરા ચાલતી રહી.
સ્થાનાંગ સૂત્રઃ
સ્થાન શબ્દની વ્યાખ્યાઓઃ
સ્થાનાંગ શબ્દ ‘સ્થાન અને અંગ' આ બે શબ્દના મેળથી બન્યો છે. આચાર્યોએ તેની
45