________________
12
તો કોઈ શું કહેશે?
કહેશે, “તમારે સાચ્ચે ચેતનાબેનને જોવા છે? તો મોં એના તરફ ફરી નજર તેની તરફ ફેરવો.”
દૃષ્ટિ સ્વ સન્મુખ કરવી છે?
તમારૂ ધ્યાન અન્ય તરફ હોય, તો દૃષ્ટિ ફેરવી ધ્યાન સ્વ તરફ આપો!
આત્મ સેતુ
તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૦
સત્સંગી : સત્સંગમાં બેઠા હોઈએ અને આત્મા વિશે સાંભળીએ કે આત્મા રાગ-દ્વેષ રહિત, આનંદઘન, શુદ્ધ, અવિનાશી... છે. આવો 'હું' છું. આ વાંચવું સાંભળવું સારૂં લાગે છે. સત્સંગનો સમય પૂરો થાય, આ બારણાની બહાર નીકળ્યા કે હતા તેવા ને તેવા. આમાનું કંઈ યાદ ન રહે. આત્માની રૂચિ વધતી નથી...
બહેનશ્રી : તો અત્યારે શામાં રૂચિ છે?
સત્સંગી : ...
બહેનશ્રી : સામાન્ય રીતે જે ગમતું હોય તેમાં રસ પડે, તેનું આકર્ષણ થાય, તેનું મહત્ત્વ લાગે, તેના વિચારો ચાલે. તે માટે કંઈ કરવાનું મન થાય.
આત્મા વિશેની વાતો જાણી તેમાં રસ પડ્યો. આત્મતત્વની ઓળખાણ નથી. વાચન-શ્રવણમાં અટકી, અટવાઈ રહેવાયું છે.
આ જાણ્યું એટલે એમ થાય છે કે હું જાણુ છું કે હું” આનંદમય... વગેરે છું. તો આનંદમય કેમ રહી નથી શકતો? આ બારણાની બહાર જતાં જે વસ્તુમાં રસ-રૂચિ છે, તે તરત મનની સપાટી પર તરી આવે છે.
અત્યારે શામાં રસ પડે છે?
અત્યારે મનની કંઈ ભૂમિમાં ઊભા છીએ?
ખીણમાં ઊભા હોઈએ અને ઊંચા શિખર પર પહોંચવાં ઊંચો કૂદકો મારી શકાય તો તો બરાબર... પણ છૂંદી ન શકાય તો જ્યાં ઊભા હોઈએ ત્યાંથી આગળ ચાલવું પડે.
વાંચન-શ્રવણથી આત્માના શિખર વિશે માહિતી મળી. માહિતી મળ્યાથી શિખર પર પહોંચી જવાય એમ બને તો તો બરાબર, પણ ક્યાંથી બને?
તમે નથી વાંચન, નથી શ્રવણ.
તમે, તમે છો.
જરા, પોતાની તરફ જોવાનો, પોતાની તરફ જવાનો, પ્રયત્ન કરી જુઓ.
તમારામાં એવું શું છે જે વાંચનાર છે. જે સાંભળનાર છે. તમે અત્યારે તમને શું અનુભવો છો?