________________
આત્મ સેતુ
ne
63
63
એકલતાની ટાઢ ઓછી ચડે ને ટોળાને તાપણે જઈ બેસી રહેવાનું ઓછું બને. વ્યર્થનો બોધ થવા લાગે. અંતરમાં બીરાજમાન સમર્થના આ...છા અણસારા આવે!
કર્તાપણું ઘટતું જાય!
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : આપ નાના શા પ્રયત્ન કરવાનું કહો છો. નાના એવા પ્રયત્નથી સ્વાનુભૂતિ થોડી જ થઈ શકે?
બહેનશ્રી : મોટા શા પ્રયત્ન કરવાનું અઘરું લાગે છે. નાનાશા પ્રયત્નથી શરૂઆત કરવી સહેલી લાગે છે. નાનો જ પ્રયત્ન કરવો એવો કોઈ આગ્રહ નથી. આ તો પ્રેમભાવે નાનું શું સૂચન છે! બાકી, આત્મલક્ષે પ્રચંડ પુરૂષાર્થ કરવા યોગ્ય છે. એક, સાંભળેલી વાર્તા યાદ આવે છે. એક હતું જંગલ. જંગલમાં વૃક્ષ ઉપર ઘણા પંખી રહેતાં. એક વખત જંગલમાં આગ લાગી. રાતનો સમય હતો. પંખીડા આગથી દાઝતાં ઊડાઊડ કરવા લાગ્યા. એક ઘુવડ રાજી થતું, સૂકી ડાળી શોધી શોધી અગ્નિમાં નાખવાં લાગ્યું. ડાળી અગ્નિમાં પડે ને ભડકો વધે તે જોઈ ઘુવડ ખુશ થાય, અને બીજી ડાળખી લેવા ઊડે. એક ચકલી હતી. તે ઊડીને સરોવર પાસે ગઈ. ચાંચમાં પાણી ભર્યું. આવીને આગ પર છાંટ્યું. ઘુવડ સૂકી ડાળખી આગમાં નાખે. ચકલી આગ પર પાણી છાંટે. ઘુવડની નજર તેની પર પડી. ચકલીની મશ્કરી કરતાં કહે, “ચકીબેન! તમે આ થોડાં ટીપાં પાણી છાંટો તેથી આગ થોડી બુઝાશે? નકામી મહેનત કરો છો. તમે મૂર્ખ છો. એના કરતાં ડાળખી નાખીએ તો ભડકો વધે છે. જોવાની મજા આવે છે, તે જુઓ.” ચકલી હસી કહે “હું તો આગ ઓલવવાનો પ્રયત્ન કરું .” ઘુવડ જોરથી હસ્ય. કહે “તારી મહેનતથી શું થવાનું છે? આ...જો. મેં ડાળખી નાખી, ભડકો થયો, જોવાની કેવી મજા!” ચકલી કહે “મને મૂર્ખ કહો છો, પણ જ્યારે ઈશ્વરના આંગણે આ આગની વાત થશે ત્યારે મારું નામ આગ ઓલવનારમાં હશે, અને તમારું નામ આગ વધારનારમાં!” આટલું કહી ચકલી સરોવર તરફ ઉડવા લાગી. કર્મની આગ ઓલવવાનો નાનો શો પ્રયત્ન કરનારનું નામ આગ ઓલવનાર તરીકે કર્મની કિતાબમાં લખાશે. આગ વધારનાર તરીકે નહીં! શરૂઆત નાનાશા પ્રયત્નથી પણ થઈ શકે.