________________
84
આત્મ સેતુ નથી થતું તેનું શું? અન્યએ “આ રીતે વર્તવું જોઈએ” “આમ થવું જોઈએ” એમ સંબંધોની દૃષ્ટિએ જોતા વિચાર આવે, પણ જ્યારે એમ નથી જ બનતું ત્યારે અન્ય સાથે લડી-ઝગડી, કરગરી માન-કદર મેળવવા? નિરાશાથી ઘેરાઈ જઈ ઘૂણામાં સરી જવું? હંમેશના ફરિયાદી બની રહેવું? તો, તો સમય જતાં સદ્ભાવના, દુર્ભાવનામાં ક્યારે સરી પડશે તેનો ખ્યાલ પણ નહીં રહે. માન્યતા ચાલુ રહેશે કે “હું સારી ભાવના રાખું છું” ને અંદર ને અંદર દુર્ભાવનાનો જન્મ થયો હશે ને તેને પોષણ મળતું રહેશે તેથી અજાણ રહીશુ. સાથેની વ્યક્તિ જુદી રીતે વિચારતી હોય. તે કદાચ એમ વિચારતાં હોય કે “તમે સારું કર્યું તો કર્યું, નહોતું કરવું. અમે ક્યાં કહ્યું હતું?” કદાચ એમ જોતાં હોય કે “... આ મહેનત કરે છે કરવા દો... લાભ તો આપણને જ છે...” સંભવ છે એમ માનતાં હોય કે “આટલું બધું સૌને માટે ખપી જવું નરી મૂર્ખાઈ છે. ભોગવો...” સમર્પણ કરનારનું સ્વપ્ન હોય કે “સૌનું ભલુ થશે... સૌ સુખી થશે.. સ્નેહ વધશે...” આવી મળે પીડા. સમય જતાં સંજોગો બદલાશે. પીડા ત્યાંની ત્યાં રહેશે. સંજોગો સારાં આવે તો પણ પીડા, પીડા આપતી રહે. તેમાંથી ગુસ્સો, નિરાશા, ધૃણાના સંસ્કાર સર્યા કરે.” ક્યારેક અજાણતા એમ થઈ શકે કે “. મને ગુસ્સો કરવાનો, અવગણના કરવાનો હક્ક છે. કારણ કે હું “સારી” છું...” કે “હું સારો છું.” પીડાના સંસ્કાર ઊંડા ગયા હોય તો તેની દવા તેથી પણ ઊંડે સુધી પહોંચાડવી રહે. સદ્ભાવનાની નાવને પીડાતાં તોફાનમાંથી આગળ હંકારી જવાની રહે... કર્મની જાળ ચારે બાજુથી ફેંકાઈ રહી છે. નાવ તેમાં ફસાવાની પૂરી શક્યતાઓ છે.
તા. ૧૫ મે ૨૦૦૪
સત્સંગી : મને ફરી ફરીને એમ થાય છે કે મારે માટે તેઓએ કંઈ ન કરવું જોઈએ? મને બહુ ઓછી અપેક્ષા છે. તે પૂરી નથી થતી. મારી ઉમર થઈ છે. એકલતા લાગે છે. મુંઝવણ થાય છે...
બહેનશ્રી : કોઈનો સાથ ક્યાં સુધી? અજાણ્યાનો સાથ થોડા પગલા. પરિચય વધતાં થોડા દિવસ. મિત્રતા થતાં મિત્રનો સાથ થોડા વર્ષો. પરિવારનો સ્વજનોનો સાથ કદાચ લાંબો સમય. સ્વજન-મિત્રોનો મેળો જામે અને મન હૃદય ખુશ રહે. એમ ઇચ્છે કે આ મેળો બસ હંમેશા આમ જ રહે! સૌ એકબીજાનો સાથ ઇચ્છે છે.