Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 86
________________ 86 આત્મ સેતુ એકલતામાં કાળજુ કોરાવા દો. સત્સંગી : ... જળ તરફ પગલું કેવી રીતે માંડવું? બહેનશ્રી : . જે આવી મળ્યું છે તેનો સહજ સ્વીકાર કરીએ. પરિવાર વિપરાતો જાય છે. ભવિષ્યની ચિંતા સતાવે છે. અથાક મહેનતનું ધાર્યું પરિણામ નથી આવ્યું. કોઈ આશા નથી. એક અજંપો અને વિષાદ સતત મનને ઘેરાયેલો રહે છે, “અરેરે મારી કંઈ કિંમત નથી...” આમ બન્યું છે. આમ બની રહ્યું છે. જે બન્યું છે, જે બની રહ્યું છે, તેથી કંઈ જુદુ બને તે માટેની મહેનત છતાં તેમ જ બન્યું છે. તેમ જ બની રહ્યું છે. “મેં આમ કર્યું” “તેણે તેમ કર્યું” આ તમારી વાત ખરી. પણ હવે શું? એ ઘટનાઓ યાદ કરી કરી તેના ભારથી ડૂબતાં જવું કે આ ઘટનાઓની પીડા ખંખેરતા જઈ અત્યારે કરવા યોગ્ય કરતાં જવું? તરતા જવું? ભૂતકાળની રાખમાંથી “મડા બેઠા” કર્યા કરીશું, તો એ ભૂત સતાવતું રહેશે. ભૂતકાળમાં જે બન્યું તેનો અગ્નિ જલી ગયો છે. અંગારા પર રાખ વળી ગઈ છે. ભૂતની ગરમ રાખ મન પર લગાવી દાઝયા કરવાથી શું? ભૂતની ભભૂતિ લગાવી, ઉદાસ-હતાશ, ફરિયાદભર્યા ફરવાથી શું? અત્યારે, આ ઘડીએ જે છે, તે જ અત્યારે છે. જે કાળ વીતી ગયો તે ફરી નથી આવવાનો. અત્યારે એ પરિસ્થિતિ નથી, એ શક્તિ નથી. એ સંબંધો નથી, અત્યારે તેના પરિણામ છે. જે બની ગયું છે તેની યાદ અત્યારે છે. જે વીતી ગયું છે તેને લીધે બંધાયેલી માનસિક સ્થિતિ અત્યારે છે. માન્યતા મુજબ પરિણામ નથી આવ્યાં તેની હતાશા અત્યારે છે, તેનું દુઃખ-દર્દ અત્યારે છે. સ્વસ્થ થવા કંઈ થઈ શકશે તો અત્યારે થઈ શકશે ન તો વીતી ગયેલા સમયમાં પાછું જવાશે. ન તો કૂદકો મારી બીજી પરિસ્થિતિમાં પહોંચાશે. “અત્યાર”માં કંઈક શક્યતા છે. આ પળ જીવતી પળ છે. આ પળ જાગી શકાય છે. આ પળ પર ચડેલી ભૂતની રાખને ખંખેરવા પ્રયત્ન કરી શકાય છે. લાંબા પ્રયત્ન પછી પણ જે બન્યું છે તેમ ન બનવું જોઈએ તેવી અપેક્ષા અત્યારે છે. સદ્ભાવનાની કદર થાય જ એવી માન્યતા છે. સદ્ભાવનાની કદર કરવી જોઈએ તેવો આગ્રહ છે. અત્યારની સાંયોગિક પરિસ્થિતિ અને માનસિક સ્થિતિનો સ્વીકાર કરીએ. સમગ્રતાથી સ્વીકારીએ. સ્વીકાર થાય છે તો “આમ થવું જોઈએ” તેવી અપેક્ષા અને કંઈ મેળવવાની ઉગ્રતા ઓછી થતી જાય છે. મન પરનો ભાર, તનાવ, ખેંચ ધીરે ધીરે ઘટતા જાય છે. જીવ બળતો હોય તો “ઓલવાતો” જાય છે. “ઠરતો” જાય છે. રાખ નીચેના ભારેલા અગ્નિને ઇંધણ નથી મળતાં. અગ્નિ બુઝાતો જાય છે.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110