________________
92
આત્મ સેતુ શરીરને વ્યાયામ મળે તો અક્કડ થયેલા સ્નાયુઓ ઢીલા લચીલા થાય, રૂધિરાભિસરણ સુધરે, પાચનશક્તિ સુધરે, શરીરનું કાર્ય સારી રીતે થાય, શક્તિ વધે, ફેફસાને પ્રાણવાયુ વધારે મળે, શ્વાસોચ્છાસને બળ મળે. શરીરનો મળ ઓછો થતાં, નિર્મળતા વધતાં શરીરમાં હળવાશ સ્કૃતિ અને તાજગી આવે. મન હળવું થાય. વિચાર શક્તિ વધે. પ્રમાણમાં નિર્ણયો યોગ્ય લેવાય. મનની તાજગી વધતાં મનમાં ચાલતાં વૃત્તિના પ્રવાહો પર આંશિક સંયમ આવી શકે. સ્વસ્થ શરીર અને મનનો એક લય સધાય. શરીર-મનના લયનો, સૃષ્ટિના લય સાથે સુમેળ થતાં જીવનલય સંતુલિત થાય. મનોભાવમાં સાહજિકતા આવે, અને આત્મવિશ્વાસ વધે. વીતેલી ઘટનાઓની, મન પરની પકડ હળવી થાય છે. હતાશા-નિરાશા-બેચેની-વ્યગ્રતા વગેરેની પકડ ઢીલી પડતાં, ભૂતકાળના ચિંતનથી અને ભવિષ્યની ચિંતાથી કંઈક અંશે છૂટાય. શરીરમાં નિર્મળતા વધતાં શરીરના રોમરોમમાં સંચરતી ચેતનશક્તિનો સંચાર સરળ થાય. વૃત્તિઓના પ્રવાહમાં ઘસડાઈને તેના વમળમાં વધુ ને વધુ ફસાઈને ડૂબવાને બદલે, આ પ્રવાહમાં ઘસડાઈ જતાં અટકી તેમાંથી બહાર આવવાનો યત્ન કરવાની શક્તિ આવે. વૃત્તિઓના પ્રવાહમાં ખેંચાઈ જવાની ક્ષણ બંધનની ક્ષણ છે. આ પ્રવાહમાંથી બહાર નીકળવાના પ્રયત્નની પળ જાગૃતિની પળ છે. તો સમજપૂર્વક શરીરથી પણ ધર્મની શરૂઆત કરી શકાય. અને મનની સફાઈ અર્થે થોડો સમય શાંત બેસવાનો પ્રયત્ન કરીએ...!
તા. ૧૫ મે ૨૦૦૪
સત્સંગી : શાંત બેસવું એટલે ધ્યાન કરવું? હું કલાક બેસું તો મને કોઈ ડીસ્ટર્બ કરે તેમ નથી, પણ હું જ બેસી નથી શકતી. મને અંદરમાં એવું કંઈ થાય છે કે ઊઠી જવું પડે છે.
બહેનશ્રી : તમે શાંત થવાનો પ્રયત્ન કરો છો, તે, અંદરની અશાંતિને કદાચ મંજૂર નથી. બીજુ કોઈ આપણને નડે કે નહીં, આપણે પોતે જ આપણને નડીએ છીએ. તમે શાંત થવા પ્રયત્ન કરો છો અને તમારી અકળામણ, મૂંઝવણ, હતાશા બહાર આવવા જોરદાર પ્રયત્ન કરે છે. અંદરથી ધક્કામારી તમને ઊઠાડી દે છે. ૭૦ માઈલની ગતિથી મોટરકાર દોડી રહી છે. રોડ પર સાઈન બોર્ડ આવવા બંધ થયાં છે. આગળનો ખાડાખડિયાવાળો રસ્તો ક્યાં લઈ જશે ખબર નથી પડતી. આગળ જતાં કાર, અજાણી ઊંડી ખીણમાં ખાબકે તેવો પૂરો સંભવ છે. પાછું ફરવું જોઈએ તેમ લાગે છે પણ જો કાર ધીમી ન પડે તો, વળાંક લેતા ગાડી ઊથલી પડવાની શક્યતા છે. વળાંક લેવાનો વિચાર આવે છે પણ બ્રેક મારવાની વાત ભૂલાઈ ગઈ છે.