________________
99
આત્મ સેતુ સાચી સમજ આવવા દેવાની સાવ સરળ શરૂઆત કરવા, સ્વની જીવંતતા તરફ ધ્યાન આપવાની કોશિશ કરી જોઈએ. કોઈને ઘરમાંથી બહાર જવું હોય, તો, તે અત્યારે જ્યાં હોય, ત્યાંથી, જો બેઠા હોય, તો તેને ઊભા થવુ પડે. જો ઊભા હોય તો પગ ઊપાડી પગલું માંડવું પડે. બહાર જવા ચાલવું તો જાતે જ પડે. સાચી સમજનો વિકાસ કરવો હોય, તો અત્યારે જો વ્યક્તિ રાગ-દ્વેષમાં બેઠી છે, તો ત્યાંથી તેણે ઊઠીને ઊભા થવુ જોઈશે. એટલે કે પોતાની નજર રાગ-દ્વેષ પરથી હટાવી સ્વ તરફ વાળવી જોઈશે. સામાન્ય રીતે વ્યક્તિ કંઈ જુએ છે તેમાં ગમા-અણગમાના, માન્યતાઓના ચશમા પહેરેલા હોય છે. સ્થિતિ-પરિસ્થિતિ પર આ ચશ્માના રંગ ચડેલા રહે છે. દૃષ્ટિ સ્વ તરફ વાળવાથી પોતાના વિશેની સમજ સ્પષ્ટ થતી જશે. સમજ સ્પષ્ટ થશે તેમ “ચશ્માના નંબર” માં અને “રંગ” માં ફેરફાર થતો જશે. શરૂ શરૂમાં સ્વનું દર્શન ધૂંધળુ થાય તેમ બને. જેમ જેમ દૃષ્ટિ સ્વ તરફ વળતી જશે, તેમ તેમ પોતાને સમજવાની શક્યતા ઉઘડતી જશે. જેમ દૃષ્ટિ ખૂલશે તેમ સમજ ખીલશે. સાચી સમજના વિકાસનું ફૂલ ખીલશે.
સત્સંગી : શાસ્ત્રોમાં આ ત્રણ શબ્દો ઘણી વાર આવે છે. “આત્મા સહજ છે, સરળ છે, સુંદર છે...” અમને એમ થાય, કે સરળ છે તો અમને કેમ કંઈ પકડાતું નથી. હવે કંઈક ખ્યાલ આવે છે કે અમારી દોડ ઊંધી હતી. આત્મજ્ઞાન માટેની શોધ બહારમાં હતી. આત્મા વિશે કંઈ પણ વાત આવે તો પહેલા બુદ્ધિ આગળ આવે. માહિતીની ફૂટપટ્ટી-ત્રાજવા લઈ એ વાતને માપવાનું-જોખવાનું શરૂ થઈ જાય.
બહેનશ્રી : સારું છે કે મનના ઓરડામાં માહિતી ભરી, કમાડ વાસી, સ્ટોપર ચડાવી, તાળુ નથી માર્યું, બારણા ખાલી અટકાવેલા છે. બહારની હવા “અંદર” પ્રવેશી શકે તેમ છે.
સત્સંગી : અમે આત્મજ્ઞાન માટે વિચારતા તો એમ લાગતું જાણે આ બીજાની વાત છે. બીજી દુનિયાની વાત છે. આ લગભગ અશક્ય છે. આત્મજ્ઞાન આકાશ કુસુમવત છે. પછી આગળ અંધારૂં....
બહેનશ્રી : હવે એટલો તો ખ્યાલ આવ્યો ને, કે આત્માની વાત એટલે વ્યક્તિની પોતાની જ કથા. વ્યક્તિ અત્યારે જે છે તેટલા પૂરતી જ તે મર્યાદિત નથી. તેનામાં અસીમ સંભાવનાઓ ભરપૂર ભરેલી છે.