________________
66
આત્મ સેતુ નિત નવી સમજ વિકસતી જાય. પ્રેમપંથના પવિત્ર અગ્નિમાં મનના મેલ શેકાય. પોપડા છૂટા પડે. આ પવિત્ર અગ્નિમાં અહંની આહુતિ અપાય. સ્વમાન સન્માનની આહુતિ અપાય. માન્યતા આગ્રહની આહુતિ અપાય. સુખ, સગવડ, ઇચ્છા મહેચ્છાની આહુતિ અપાય. મન ચોખ્ખું થતું જાય. એક સદગુણની પાછળ કેટલાય સદગુણ સ્વયં ચાલ્યા આવે. અનુભવ થતા જાય કે પ્રેમભાવ અન્યનો ઓશિયાળો નથી, એ તો ચેતન સરિતાનું શાતાદાયી જીવન જળ છે. ધર્મનો વિચાર કરતાં નિસ્વાર્થ પ્રેમથી રહેવાની ભાવના જાગી. એ સદ્ભાવનાથી અન્ય સાથે વર્તતા મૂંઝવણના ત્રિભેટે, (ત્રણ રસ્તે) આવી ઊભા. મૂંઝવણ સતાવે છે કે શું કરવું? જેવા ને તેવો” પ્રતિભાવ દેવો? પ્રેમપૂર્વક રહેવું કે ના રહેવું? એક રસ્તો જાય છે રણ તરફ.
જ્યાં મનની વૃત્તિ વધુ ને વધુ હીનભાવ તરફ જવાની શક્યતા છે. જ્યાં સદ્ધત્તિ કણ કણ વિખેરાઈ વેરાન રણ બનતી જવાની શક્યતા છે. બીજો રસ્તો જાય છે ઝરણ તરફ.
જ્યાં મનની વૃત્તિ વધુ ને વધુ ઊન્નત ભાવ તરફ જવાની શક્યતા છે. અંતરના ઊંડાણમાં પ્રેમજળ વહી રહ્યાં છે. તેના ઝરણા ઉપર વહી આવી, પીનારની અને પાનારની તરસ છીપાવે શકે તેમ છે. પસંદગી સૌની પોતાની છે. મૂંઝવણની ઘડી, બડી કિંમતી છે.
તા. ૧૪ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : અમારે નોકરી-ધંધા-વ્યવહારમાં ખોટું કરવું પડે છે. ખોટું કર્યા વગર ચાલતું નથી. શું કરવું?
બહેનશ્રી : ખોટું કર્યા વગર ચાલતું નથી એમ લાગે છે? તો, સચ્ચાઈ પૂર્વક ખોટું કરવું! તમને ખબર હોવી જોઈએ કે ખોટુ કરી રહ્યા છો. થોડા મહિના પ્રયોગ કરી જુઓ. પછી તમારા અનુભવની વાત કરશોને?