Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 76
________________ આત્મ સેતુ ઘરકામ આમેય ખૂટતું ન હોય અને મતભેદને લીધે તકલીફો વધે અને કામમાં અડચણ આવે, તે સમજી શકાય તેવુ છે. પરસ્પર, સાથે રહેતાં અને કામ કરતાં સ્નેહથી સહકારની સમજણ કેળવવાની રહે. ઘરમાં દરેક જણ, સમજણ કેળવવા ઇચ્છે કે ન પણ ઇચ્યું! કદાચ ઇચ્છે તો સમજણ બાબત પણ મતભેદ પડે! 76 પ્રયત્ન છતાં સમજણ અને સહકાર ન કેળવી શકાતા હોય તો જેનામાં સમજણ હોય તેણે સમજી જવાનું! પોતાના મતનો આગ્રહ ન છૂટકે, પ્રેમપૂર્વક જરૂરી હોય તેટલો જ રાખવો. જતું કરવાની કળા ખીલવવા જેવી છે. તમે કહેશો કે કેટલુક જતું કરવું? જતું કરવાની કંઈ હદ હોય કે નહીં? જરૂર, હદ તો હોવી જોઈએ. જતું કરવાની હદ છે બેહદમાં પ્રવેશ સુધીની, બેહદમાં (આંતરિક ચેતના) પ્રવેશવા કેટલીય વ્યાવહારિક હદો ઓળંગવી પડશે. શક્તિ હોય તેટલું જતું કરવું, ને જતું કરવાની કળા ખીલવવી. જતું નહીં કરાય, તો મત-મતાંતર, આગ્રહ-દુરાગ્રહ અને મનદુઃખની સીમાઓમાં બંધાવાનું થશે. અજાણતા, આક્રોશ, ગુસ્સો અને ઝગડાને આમંત્રણ અપાઈ જશે અને મનદુઃખનો ઉપાય કર્યાનો ભ્રમ પોષાશે. છળની પળ અને જીવનજળ વચ્ચે આપણે પડ્યા છીએ, અસ્વસ્થ, વ્યગ્ર, અશાંત! જેમ જળ વગર માછલી તરફડે છે, આપણે જીવનજળ વગર તરફડીએ છીએ. અંતરના ઊંડાણમાં જીવનજળ વહી રહ્યું છે. તે તરફ જવાનો પ્રયત્ન કરીએ. આપણે આપણી અંદર ડોકિયું કરીએ. મતભેદ શા માટે છે? મને શું જોઈએ છે? કેમ નથી મળતું? મારી માંગણી અયોગ્ય છે? પોતાને થતાં દુ:ખનો બદલો લેવાનું વલણ ન રાખતાં, જે રીતે વર્તન કરી રહ્યા હો, તેનાથી થોડું વધુ સારી રીતે વર્તી શકાય કે કેમ તેના પ્રયોગ કરતાં રહીએ. પોતાની લ શોધી દૂર કરવાનો પ્રયત્ન કરીએ. અને ભૂલ એટલે શું? તે શોધીએ. આપણે આપણી અપેક્ષા, ઉપેક્ષા, અપમાન, અવગણના હતાશા વગેરે લાગણીઓના બોજા નીચે દબાયેલા રહીએ છીએ. દુઃખી થતાં થતાં, હોંશે હોંશે આ બોજો ઊંચકીને ફરીએ છીએ. પાછા એ બોજાથી વધારે દુઃખી થઈએ છીએ. આપણા સુખ-દુ:ખ, મનમાં જાગતી બેઠેલી ઇચ્છા-આશા, અને બીજા તરફથી મળતાં સ્નેહ-આધાતો વચ્ચે, અહીંથી ત્યાં ફંગોળતા રહે છે. આજ સુધી અગણિત અન્ય જનો સાથે મિત્રતા-મતભેદ થતાં રહ્યાં છે. કેટકેટલા પ્રકારની વૃત્તિઓ મનમાં ઊઠતી રહી છે ને મનમાં દબાવાતી રહી છે. ઠાંસી ઠાંસીને અંતરમાં સંગ્રહાતી રહી છે. આ વૃત્તિઓ અંદર ને અંદર વળ ખાતી રહી છે, અને વાતે વાતે બહાર આવવાની મથામણમાં હાંફતી રહી છે. તેનો અંત આવ્યો નથી, આવતો નથી અને દેખાતો નથી. જીવનની સંધ્યાએ પણ મનદુઃખ અને વ્યગ્રતાના પ્રશ્નો ઘેરાઈને પડ્યાં છે. ઘરમાં અને મનમાં મતભેદ અને મનદુઃખ હજુ તાજા છે. અને આપણે વાસી, દુણાયેલા, દુભાયેલા!

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110