________________
આત્મ સેતુ
વૃત્તિના ચક્રને ગતિ મળ્યા કરે. ચક્ર ફરતું જ રહે. સૌના મનમાં એક અદાલત છે. અહંની અદાલત!
ભૌતિક સ્વાર્થની અદાલતા વ્યક્તિનું પોતાનું અહં ન પોષાય, સ્વાર્થ ન સધાય કે કોઈ અન્ય કારણસર અહંની અદાલતમાં ખટલો દાખલ થઈ જાય. આ અદાલતના “ન્યાયાધીશ” પોતાના અહંના કાયદા મુજબ ચુકાદો આપી શિક્ષા ફરમાવે. એક વ્યક્તિ સામેવાળાને શિક્ષા કરે. સામેવાળા આ વ્યક્તિને શિક્ષા કરે. વિષમ પરિસ્થિતિના કેસનો નિકાલ કેમ કરવો?
આ કેસનો નિકાલ કરવા “સમાધાન”નો પ્રસ્તાવ મૂકવામાં આવે તો? વિષમતાનું વિષ પીતાં પીતાં, વિષમતામાંથી કંઈક સારૂ નીપજાવવા, પ્રેમભર્યા વર્તનના અમૃતનો છંટકાવ કરતા રહીએ. વિષમ પરિસ્થિતિમાં સમતાથી રહી શકવાની પ્રબળ શક્તિ પ્રેમાળતામાં છે. પ્રેમપંથનો પાવક અગ્નિ, વ્યક્તિને ક્યારેક હુંફ આપશે, તો ક્યારેક પ્રજાળશે. તમે સૌની સાથે પ્રેમથી રહો, સરળ રહો, સહકારી અને નમ્ર રહો તો બીજા તમને મૂર્ખ સમજી, મૂર્ણ બનાવી લાભ લઈ ચાલતા થાય, વાંક કાઢી વઢી નાખે, બદનામ કરી અપમાનીત કરે, તમને આશા હોય કે “હું સારી રીતે રહું છું તો તે મારી સાથે સારી રીતે રહેશે.” એવું કંઈ બને નહીં. કદાચ ક્યારેક ઉલટું બને. સહન કરી, સહકાર અને પ્રેમપૂર્વક રહેવાની વાત સાવ નિરર્થક લાગે. આવું કંઈક બને ત્યારે મુંઝાઈ જવાય – એમ થાય કે જેવાને તેવો પ્રતિભાવ આપવો? આ મૂંઝવણની પળ અમૂલી છે. સંજોગો એક સરખા નથી રહેતાં. માન્યતાઓ બદલાય છે. ઇચ્છા બદલાય છે. વિચારો બદલાય છે. અંતરના ભાવ બદલાય છે. સઘળામાં ફેરફાર થાય છે. પરિવર્તન થાય છે. નથી બદલાતું ચેતનતત્વ. ચેતન આત્મા શાશ્વત છે. મનમાં વૃત્તિઓનું ચક્ર ચાલતું હોય છે. આ મૂંઝવણની અમૂલી પળ, પરિવર્તનની શક્યતાઓથી ભરપૂર ભરેલી છે. અહં અને સ્વાર્થના લક્ષ, સર સર સરી જતાં, બદલાતાં સંજોગો, ઇચ્છા, વિચાર, ભાવને વ્યક્તિ ચેતનમય અસ્તિત્વના લક્ષે ફેરફાર કરવા ઇચ્છે તો નિસ્વાર્થ પ્રેમની કેડી કંડારી શકાય છે. જેવા ને તેવો” પ્રતિભાવ અપાય તો પ્રેમમાં અને નફરતમાં ફેર શો? શું એકની પ્રેમભાવથી રહેવાની ઇચ્છા બીજાને આધારે છે? આ ઇચ્છા લાચાર અને ઓશિયાળી છે? લોકો સાથેના વ્યવહારમાં સ્નેહ અને નફરતનું વલોણુ ફરતું રહે છે. જે પ્રેમથી રહેવા ચાહે છે તેને સામો દ્વેષ-ભર્યો, છળ કપટવાળો વ્યવહાર મળતાં તેનું અંતરમન વલોવાય છે. સતત વલોવાય છે. જેમ છાશ વલોવાય ને માખણ ઉપર તરી આવે તેમ અંતર વલોવાય ને સમજનું નવનીત ઉપર તરી આવે.